જ્યારે બે વ્યક્તિ એકબીજાનાં પ્રેમમાં પડે છે. અને જીવનભર સાથ નિભાવવાનાં વચનો આપે છે. ત્યારે ખરેખર એકબીજા પ્રત્યે સમર્પિત હોય છે. પરંતુ જેમ જેમ સમય વિતતો જાય છે અને વિવિધ પરિસ્થિતિ સામે આવીને ઉભી રહે છે, ત્યારે મનમુટાવ કે મતભેદ જોવા મળે છે જે એક સામાન્ય બાબત છે. પરંતુ એ મતભેદ જ્યારે મનભેદમાં પરિણમે છે ત્યારે પરિસ્થિતિ પણ થણસે છે. તેવા સમયે અમુક ચોક્કસ પ્રકારની વિચારસરણીમાં બદલાવ લાવવો જરુરી બને છે. તો આવો જોઇએ કે કેવી પરિસ્થિતિમાં સામાન્ય વિચારોને કે માન્યતાઓને બદલવી સુખકારી નિવડે છે.
– જ્યારે પતિ-પત્નિમાં કે યુગલોમાં ઝઘડો થાય છે. અથવા દલીલ થાય છે ત્યારે મહત્તમ યુગલો એવું માને છે કે રાત્રે સુતા પહેલાં એ બાબતને પૂરી કરી નાંખવી….પરંતુ આ માન્યતાને બદલવી જરુરી છે. અને એટલે જ જ્યારે એવી પરિસ્થિતિ આવે તેવા સમયે સાથીને વિચારવાનો અને મનોમંથન કરવાનો પૂરતો સમય આપવો જોઇએ જેથી તે પરિસ્થિતિને સમજી શકે અને સંબંધોમાં કડવાશ ફેલાતી અટકી જાય.
– સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સંબંધોમાં પારદર્શકતા હોવી જરુરી છે અને એકબીજા સાથે હંમેશા સત્ય બોલવું જોઇએ પરંતુ ક્યારેક આ હકિકત સંબંધોમાં તિરાડ પણ લાવી શકે છે. અને એટલે જ એ સત્યની ગંભીરતાને સમજી સાથીના સુખ માટે એ હકિકત સાથીથી છુપાવવી જ હિતકારી સાબિત થાય છે.
– જીવનમાં જીવન સંગીની કે જીવન સાથીનાં આવવાથી આપણા કરીબી મિત્રોથી દૂરી રાખવી એ સર્વ સામાન્ય નિયમ છે. પરંતુ ક્યારેક એવી પણ પરિસ્થિતિ આવે છે જ્યારે એવા મિત્રોની ખોટ વર્તાય છે અને એટલે જ એવી સારી મિત્રતાને દૂર ક્યારેય ન કરવી.