વોટ્સઅપ આપશે ચેટ લોકનું નવું ફીચર : કોઈ ઓણ ચેટને કરી શકાશે લોક
વોટ્સઅપ યુઝર્સ માટે સારા સમાચાર છે. મેટા કંપનીએ વોટ્સઅપમાં એક નવું ફીચર ઉમેર્યું છે, જે યુઝર્સને પાસવર્ડ અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને ચોક્કસ ચેટ્સને લોક કરવાની મંજૂરી આપે છે. આ ફીચરને ચેટ લોક નામ આપવામાં આવ્યું છે. આ ફીચર વાતચીતને લોક કરવા સિવાય અલગ ફોલ્ડરમાં ચેટ્સ સ્ટોર કરશે. તેમજ તે નોટિફિકેશનમાં નામ અને મેસેજને હાઇડ રાખશે. લોક કરેલ ચેટ્સ ઓથેન્ટિકેશન પછી જ જોઈ શકાશે.
વોટ્સએપની માલિકીની કંપની મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટમાં ચેટ લોક ફીચરની શરૂઆતની જાણકારી આપી છે. વોટ્સએપમાં નવી લૉક કરેલી ચેટ્સ તમારી વાતચીતને વધુ ખાનગી બનાવશે. ઝૂકરબર્ગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ચેટ લૉક રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, એક નવી સુવિધા જે વપરાશકર્તાઓને તેમની સૌથી પર્સનલ વાતચીતને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે.” તેમણે ઉમેર્યું હતું કે ચેટને લૉક કરવાથી તે થ્રેડ ઇનબૉક્સની બહાર નીકળી જાય છે અને તેને તેના પોતાના ફોલ્ડરની પાછળ મૂકે છે, જે ફક્ત ઉપકરણ પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિકથી ઍક્સેસ કરી શકાય છે.
આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને ફોન પર ઉપલબ્ધ હશે. અત્યાર સુધી, વપરાશકર્તાઓ બાયોમેટ્રિક્સ અથવા પિન કોડનો ઉપયોગ કરીને વોટ્સઅપને લોક કરી શકતા હતા, પરંતુ નવી સુવિધા વપરાશકર્તાઓને ચોક્કસ ખાનગી ચેટ્સને વધુ સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે. જો કોઈ તમારો ફોન પકડી લે તો પણ વોટ્સઅપ પર લૉક કરેલી ચેટની પ્રાઈવસી અકબંધ રહેશે એટલે કે કોઈ તેને જોઈ શકશે નહીં.
તમને જણાવી દઈએ કે, વોટ્સએપમાં સુરક્ષા અને પ્રાઈવસીને લઈને ઘણા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. આમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન, એન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ, ડિસપિયરીન્ગ મેસેજ, સ્ક્રીનશૉટ બ્લોકિંગ અને વધુનો સમાવેશ થાય છે. મેટા કંપની વોટ્સઅપની ગોપનીયતા અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માંગે છે.
સૌથી પહેલા તમારે વોટ્સઅપ પર કોઈપણ ચેટ પર ટેપ કરવાનું રહેશે. આ પછી, ચેટ લોકનો વિકલ્પ ઉપલબ્ધ થશે, જેના પર ક્લિક કરીને તમે આ સુવિધાને એક્ટિવ કરી શકો છો. હવે લૉક કરેલી ચેટ્સ જોવા માટે, વપરાશકર્તાઓએ તેમના ઇનબૉક્સને નીચે ખેંચીને તેમના ફોનનો પાસવર્ડ દાખલ કરવો પડશે અથવા બાયોમેટ્રિક એડ કરવાનું રેહેશે.