રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધીરાણના નિયમોમાં પારદર્શકતા લાવવા બેંકો અને નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીઓને કરાયા મહત્વના આદેશ
ધીરાણ સુવિધાને પારદર્શક બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કેટલાક મહત્વના આદેશો આપવામાં આવ્યા છે. બેંકો અને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓને હવેથી પોતાના મોટાભાગના વ્યવહારોને ઓનલાઈન બતાવવા પડશે. એકંદરે લોનને લગતા વ્યવહારોને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીની વેબસાઈટ પર પણ મુકવા પડશે.
થોડા સમય પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બેંકો તેમજ નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ સામે કેટલીક ફરિયાદો મળી હતી. ચાર્જીસ છુપાવાતા હોવાના આક્ષેપ થયા હતા. ઉપરાંત કેટલાક ગ્રાહકોએ રિકવરી માટેના ધારા-ધોરણોમાં ગુપ્તતાના નામે છેડછાડ થતી હોવાનો પણ દાવો કર્યો હતો. જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કારોબારની ઘણી ખરી વિગતો ઓનલાઈન કરવાનો આદેશ આપ્યો છે.
હવે ગ્રાહકોને લોન એગ્રીમેન્ટની કોપીથી લઈ તેના ધારાધોરણો સહિતનું ઓનલાઈન મળી જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આપેલ ગાઈડ લાઈન મુજબ વેબસાઈટ પર મુકવાનું રહેશે. આ નિર્ણયના કારણે બેંક અને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ તરફ ગ્રાહકોનો વિશ્ર્વાસ વધશે તેવું પણ માનવામાં આવે છે. ધીરાણ લીધા બાદ વ્યાજદરમાં થયેલા વધારા-ઘટાડાની વિગતો પણ પારદર્શક મુકવાની રહેશે. આ ઉપરાંત કેટલીક કંપનીઓ દ્વારા નાણા વસુલવામાં કડક જોગવાઈ પણ રાખવામાં આવતી હોય છે જેનો ઉલ્લેખ પણ કરવો પડશે. આ ઉપરાંત લોન લેવા ઈચ્છુક વ્યક્તિની વ્યક્તિગત વિગતો પણ લીક થશે નહીં તેવી બાહેધરી આપવી પડશે.