ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીને ફટકો
કેજરીવાલ સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ લોકોને હિન્દૂ દેવી-દેવતાઓને નહિ માનવાના અને બૌદ્ધ ધર્મ અપનાવવાના શપથ લેવડાવતા હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ
કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યા છે. મોટા સમાચાર એ છે કે, કેજરીવાલ પોતાના મંત્રીથી નારાજ છે. મંત્રીના વાયરલ વીડિયોને લઈને હવે આમ આદમી પાર્ટી ભાજપના નિશાને છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને મંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે. રાજેન્દ્ર પાલના વિડીયો બાદ ઠેર ઠેર તેમનો વિરોધ કરાઈ રહ્યો છે. રાજેન્દ્ર પાલ વાયરલ વીડિયોમાં એવું કહેતા જોવા મળી રહ્યા છે કે, ’તેઓ ક્યારેય હિન્દૂ દેવી દેવતાઓને માનશે નહીં’. તેમના આ વિધાનના પડઘા છેક રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ પડ્યા છે. હવે ભાજપ દ્વારા રાજેન્દ્ર પાલના રાજીનામાંની માંગ કરાઈ રહી છે.
કેજરીવાલનાં મત્રી રાજેન્દ્રપાલ ગૌતમ જે એક કાર્યક્રમની અંદર હાજરી આપી. કાર્યક્રમની અંદર શપત લેવડાવામાં આવે છે હું ભગવાન કૃષ્ણને માનીશ નહી. ભગવાન વિષ્ણુને માનીશ નહી. ભગવાન રામ , ભગવાન શંકરને પણ માનીશ નહીં. ભગવાનને માનવાનો ઈનકાર કરવાનો શપથ લેવડાવમાં આવ્યા અને ધર્માંતરણ પણ કરવામાં આવ્યુ. જોકે, અમે આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતા નથી.
સમગ્ર વિધાનનો વિડીયો વાયરલ થતા દેશભરમાં રાજેન્દ્ર પાલ અને કેજરીવાલ સરકારનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દાને લઈને ભાજપના નેતાઓ આપ અને તેમના નેતાઓને ઘેરી રહ્યા છે. ભાજપે કહ્યું છે કે, જે રીતે આપ નેતા હિંદુઓનો ધર્મ પરિવર્તન કરાવી રહ્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે આપનો સાચો ચહેરો પ્રજા સમક્ષ મૂકી રહ્યો છે.
ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આ મુદ્દે કહ્યું કે, તમારા મંત્રી એક તરફ હિન્દુ ધર્માંતરણ કરાવતા હોય અને ગુજરાત આવી તમે મંદિરે મંદિરે ફરો. તમારા ગુજરાતના પ્રમુખ સત્યનારાયણ ભગવાનને ગાળો આપી ચુક્યા છે. આજે મંદિરે મંદિરે ફરેલા ગોપાલ ઈટીલીયાને પણ મારે કહેવું છે. તમારા દિલ્લી સરકારના મંત્રી ધર્માંતરણને આજે ઉત્તેજન આપે છે. ગુજરાતની અંદર ખોટા હિન્દુ હોવાના નાટક કરી રહ્યા છો. ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે ભારતની જનતા સારી રીતે ઓળખે છે. તમે હિન્દુ ધર્મનું નિકંદન કરવા નિકળયા છો એ સ્પષ્ટ દેખાય છે.
‘આપ’ મફતની રેવડીની વાતો થકી પ્રજાને ગુમરાહ કરી ધર્માંતરણનું રેકેટ ચલાવવાનું કૌભાંડ બંધ કરે: અરવિંદ રૈયાણી
રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીએ આપ નેતાના વાયરલ વિડીયો અંગે રાજકોટમાં પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે આપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી વિવિધ મંદિરોમાં શીશ ઝુકાવે છે અને તેમના જ મંત્રી જાહેર મંચ પરથી હિંદુઓને ધર્મ પરિવર્તન કરવા આહવાન કરે છે જે આપનો ચહેરો ખુલ્લો પાડે છે. તેમણે વધુમાં આલશેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટી મફતની રેવડીની વાત કરી, પ્રજાને ગુમરાહ કરી ધર્મ પરિવર્તન કરવાનું ષડયંત્ર બંધ કરે. જાહેર મંચ પરથી જે રીતે આપના મંત્રીએ ધર્મ પરિવર્તન કરવા શપથ લેવડાવ્યા તે બદલ ગુજરાત અને દેશની પ્રજા આમ આદમી પાર્ટીના નેતાઓને ક્યારેય માફ નહિ કરે તેવું અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજેન્દ્રપાલને તેમની હરકત બદલ કડકમાં કડક સજા થવી જોઈએ.
આપ જનતાની લાગણીઓ સાથે રમત રમવાનું બંધ કરે: જીતુ વાઘાણી
ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપ નેતા પર વાર કરતા કહ્યું કે, આપના ચાવવાના અને બતાવવા દાંત અલગ છે, કેજરીવાલની નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે, આપએ હિન્દુ સમાજ પર થૂંકવાનું કામ કર્યું છે. તો બીજી તરફ જીતુ વાઘાણીએ ચેતવણી આપતા કહ્યું કે, જનતાની લાગણીઓ સાથે રમત કરવાનું બંધ કરો અને હિન્દુ સમાજની સહનશક્તિની પરીક્ષા ન લો, વધારે પરીક્ષા લેશો તો સહન નહીં કરી શકો.
વિવાદ વણસતા રાજેન્દ્ર પાલ ગૌતમે યુ-ટર્ન લીધો !!
હિન્દુ દેવી-દેવતાઓને ન માનવાની શપથ લેવડાવનારા દિલ્લી સરકારના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે હવે યુ-ટર્ન લીધો છે. ચારેબાજુથી ટીકાનો વરસાદ થતાં હવે તેમણે લોકોની માફી માગી છે અને ભાજપ પર ખોટી અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.. તેમણે કહ્યું કે, હું ખૂબ ધાર્મિક વ્યક્તિ છું. હું વ્યક્તિગત રીતે તમામ દેવી-દેવતાઓનું સન્માન કરું છું. અને ક્યારેય સપનામાં પણ ન વિચારી શકું કે કોઈ
કર્મ કે વચનથી દેવી-દેવતાઓનું અપમાન કરું. મેં કોઈની પણ આસ્થા પ્રત્યે કોઈપણ શબ્દ નથી ઉચ્ચાર્યો. હું સૌની આસ્થાનું સન્માન કરું છું. મેં તો માત્ર ભાષણમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મોંઘવારી અને સામાજિક સમાનતા પર પોતાની વાત રજૂ કરી હતી પરંતુ ભાજપવાળા મારા વિશે ખોટી અફવા ફેલાવે છે. હું ભાજપવાળાની આ હરકતથી ખૂબ હેરાન છું અને એ તમામ લોકોની હાથ જોડીને માફી માગું છું જેમને ભાજપના આ દુષ્પ્રચારના કારણે કોઈપણ પ્રકારની પીડા થઈ છે.
આપના વિરોધમાં પોસ્ટરો લાગ્યા !!
આપના નેતા હિન્દૂ દેવી દેવતાઓને નહિ માનવા અને બૌદ્ધ ધર્મ અપનાવવા અંગે શપથ લેવડાવતા હોય તેવો વીડિયો વાયરલ થતા ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે. બીજી બાજુ આ અંગે રાજકોટમાં આપના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા છે. આ પોસ્ટરોમા અલગ અલગ સ્લોગન લાગ્યા છે. બધા પોસ્ટરમાં કેજરીવાલને મુસ્લિમ પોશાકમાં હોય તેવો ફોટો દર્શાવાયો છે. સાથે એવું લખ્યું છે કે હું હિન્દૂ ધર્મને પાગલપન માનું છું, હું શ્રાદ્ધ-પિંડદાન કે કોઈ હિન્દૂ ક્રિયાઓ કરીશ નહિ અને એવું પણ લખ્યું છે કે હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ. આવા સ્લોગન સાથે દરેક પોસ્ટરમાં એવો કટાક્ષ કર્યો છે કે આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર.