“જેઠાલાલના ઘરની બહાર ૨૫ લોકો બંદૂક અને હથિયાર લઈને ઊભા છે” : અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ “જેઠાલાલના ઘરની બહાર ૨૫ જેટલા લોકો બંદૂક જેવા હથિયાર લઈને તેમને મારવા માટે ઊભા છે” નાગપુર પોલીસ મથકને આવો ફોન આવતા તેઓએ મુંબઈ પોલીસને જાણ કરી હતી. એટલું જ નહીં પરંતુ મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રને પણ બોમ્બથી ઉડાડી દેવાની વાત ફોનમાં કરતા તમામ સેલેબ્સની સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગત તા.૧લી ફેબ્રુઆરીના રોજ નાગપુર કંટ્રોલ રૂમમાં એક અજાણી વ્યક્તિએ ‘કટકે’ નામથી ફોન કર્યો હતો. આ વ્યક્તિએ કહ્યું હતું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરનાર દિલીપ જોષીના ઘરની બહાર શિવાજી પાર્કમાં ૨૫ લોકો બંદૂક અને હથિયાર લઈને ઊભા છે. આ સાથે જ મુકેશ અંબાણી, ધર્મેન્દ્ર તથા અમિતાભ બચ્ચનના ઘરને બોમ્બથી ઉડાડવાની ધમકી આ ફોનમાં આપવામાં આવી હતી. ફોન કરનારા વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે તેમાંથી કેટલાક લોકો વાતો કરતા હતા કે આ ૨૫ લોકો મુંબઈમાં આ ઘટનાક્રમને અંજામ આપવા માટે શહેરમાં પ્રવેશી ચૂક્યા છે.
પોલીસે ફોન અંગે તપાસમાં એ વાત સામે આવી કે નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાંથી જે નંબર પરથી ફોન આવ્યો તે નંબર દિલ્હીની એક સિમ કાર્ડ કંપનીમાં કામ કરતા યુવકનો હતો. તે યુવકનો નંબર તેની જાણ બહાર હેક કરીને એક વિશેષ એપની મદદથી ઉપયોગ કરીને ફોન કરવામાં આવ્યો હતો. પોલીસ હવે તે ફોન કરનાર અસલી વ્યક્તિને શોધી રહી છે.
તો બીજી તરફ નાગપુર પોલીસે આ ફોન અંગેની માહિતી મુંબઈ પોલીસને આપી હતી અને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને અલર્ટ કર્યું હતું. મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશને આ અંગેની તપાસ શરૂ કરી તમામ સેલેબ્સની સિક્યુરિટીમાં વધારો કરવામાં આવ્યો છે. ધમકી ભર્યા ફોન બાદ સુપ્રીમ કોર્ટે મુકેશ અંબાણી તથા તેમના પરિવારના તમામ સભ્યોને ભારત તથા વિદેશમાં ઝેડ પ્લસની સિક્યોરિટી આપી છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ સિક્યોરિટીનો ખર્ચો અંબાણી પરિવાર ભોગવશે.