જ્યાં ચારિત્ર્યનું ઘડતર થાય છે, જ્યાં વિવેક બુધ્ધિ અપાય છે, જ્યાં સંસ્કૃતિ અને પરંપરાનું સિંચન થાય છે એ જગ્યા એટલે કુંટુંબ પૃથ્વી પર જન્મ લેનાર દરેક બાળકની આંખ ખુલે ત્યારે એ સૌથી પહેલા જેના દર્શન કરે છે તે ‘માં’ હોય છે. જેની છાતીએ વળગી પહેલો ઘૂટડો ભરે છે એ માં નું અમૃત દૂગ્ધ હોય છે, જે સૌથી પહેલીવાર માથા ઉપર હેતનો સ્પર્શ અનુભવે એ હાથ ‘માં’નો હોય છે. પ્રથમ રુદનને શાંત પાડનાર ‘માં’ હોય છે. જેનો આગમનની સૌથી વધુ પીડા વેઠવ પડી છતાં સૌથી વધુ વહાલ કરનારી, હેત વરસાવનારી ‘માં’ હોય છે, સમજોને કે શરીરનો એક અંશ એ માં નો અંશ હોય છે.

એ અવતરીત થયેલ બાળક તમારું છે…. માતા-પિતાનું છે. પણ એ બાળક તમારું હોવા છતા એ ‘તમે ’ તો નથી જ નથી. એ બાળક સર્વાગી રીતે તમારી સાથે જોડાયેલું હોવા છતાં, એના ઉપર તમારો કાયદેસર હક્ક હોવા છતાં, એ તમે નથી, એની સાથે આખી જીંદગી તમારુ નામ જોડાયેલું રહેવાનું હોવા છતાં એ તમે નથી. કેમ કે જે તમે છો એ તો નથી જ. તમારા કરતા ક્યાંક વધુ ક્યાંક ઓછું ક્યાંક તમારા કરતા આગળ ક્યાંક પાછળ એ તમારુ બાળક હશે જ.

માટે જ તમારી સેવેલી અપેક્ષાઓ, તમારા અધુરા રહેલા સ્વપ્નો, તમારી મહત્વકાંક્ષાઓ એના ઉપર ઠોકીના બેસાડો, તમારા સમયથી એ વીસ-પચ્ચીસ, ત્રીસ વર્ષ આગળ છે એ ન ભૂલો, તમારી અને એની ઉંમર વચ્ચે બે કે અઢી દાયકાઓનું અંતર છે. એ હંમેશા યાદ રાખો. તમે વેઠેલી મુશ્કેલીઓ એની સમજણ પ્રમાણે એની સાથે શેર જરુર કરો પણ એવી તકલીફમાંથી એને પસાર કરાવવાનો પ્રયાસ ના કરો, તમારી ચબરાકી હોશીયારી, બહાદુરી, તુમાખી, સરળતા, વેઠેલી અગવડોની વાર્તા એને કરો પણ એનામાં એવી અપેક્ષા ન રાખો કારણ કે એ ‘તમે’ નથી.

એનો સમય અલગ છે. એનું વ્યક્તિત્વ એનું પોતાનું છે, એનો સ્વભાવ તેનો ‘સ્વ’ ભાવ છે તમારો ભાવ નથી. તમારી અપેક્ષાઓ એની ઉપર ઠોકી બેસાડી એને ગૂંગળાવવાની કોશિશ ના કરો, કેમકે એ બાળક તમારુ છે પણ એ તમે તો નથી જ. તમારે જે આપવાનું છે એ તમારા બાળકને જરુર આપો પણ એની પાસેથી કંઇ મેળવવાની તમારા મન મુજબની અપેક્ષા ન રાખો. તમે આપેલા સારા સંસ્કાર, શિક્ષણ અને આનુવાંશિક ગુણોને કારણેએ થોડુ ઘણું તમારા જેવું તો બની જ જશે પણ એ ‘તમે ’ છો એવુ તો ક્યારેય નહીં જ બની શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.