આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબના લોકો સરકારના કામથી ઘણા ખુશ છે. તેમને વિશ્વાસ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં જનતા આપને તમામ 13 બેઠકો આપીને પંજાબને મજબૂત કરશે. આ નિવેદનથી હવે આપ પંજાબમાં એકલા હાથે લડે તેવી શકયતા સેવાઈ રહી છે એટલે વિપક્ષી સંગઠન ઇન્ડિયામાં ડખ્ખા થાય તેવા સંકેતો મળી રહ્યા છેપાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ ગઈ છે. જેના પરિણામ પણ સામે આવી ગયા છે. હિન્દી બેલ્ટના ત્રણેય રાજ્યોમાં ભાજપે બમ્પર જીત મેળવી છે. આ જીતથી વિપક્ષી પાર્ટીઓ માટે એવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે તેમનામાં ગભરાટ છે. તમામ વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયા એલાયન્સના બેનર હેઠળ એકતા બતાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જ્યારે તે જ પાર્ટીઓ ચૂંટણી સભાઓમાં અને લોકો વચ્ચે પહોંચે છે ત્યારે પોતાની મરજીની સ્થિતિ સર્જાય છે. આવું જ કંઈક રવિવારે પંજાબમાં જોવા મળ્યું.
કેજરીવાલ વિપક્ષી સંગઠન સાથે છેડો ફાડવાના મૂડમાં, સંગઠન પાસે સમય ઓછો હોવાથી એકતા સાધવાના પ્રયાસો નિષ્ફળ રહે તેવા અણસાર
સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન રવિવારે ભટિંડા પહોંચ્યા હતા. એક તરફ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પંજાબનું કામ રોકવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા. પંજાબના ભટિંડામાં જનસભા દરમિયાન પોતાના સંબોધન દરમિયાન અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે લોકો પાસે વોટ માંગ્યા. કેજરીવાલે કહ્યું, ’પંજાબ શહીદોની ભૂમિ છે. આજ સુધી કોઈ સરકારે શહીદના પરિવારની કાળજી લીધી નથી. આવી સરકાર પહેલીવાર આવી છે, આજે જો કોઈ સૈનિક કે પોલીસ જવાન શહીદ થાય છે તો ભગવંત માન સરકાર તેના પરિવારને 1 કરોડ રૂપિયાનું માનદ વેતન આપે છે. તાજેતરમાં, એક અગ્નિવીર અમૃતપાલ શહીદ થયા હતા. અને કેન્દ્ર સરકારે તેના પરિવારની કોઈ કાળજી લીધી ન હતી કે તેમને કોઈ સન્માન આપ્યું ન હતું, જ્યારે ભગવંત માન પરિવારને 1 કરોડ રૂપિયાનું માનદ વેતન આપ્યું હતું.
બીજી તરફ ઈન્ડિયા એલાયન્સની એક મહત્વપૂર્ણ બેઠક 19મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે અને તેના પહેલા જ અરવિંદ કેજરીવાલે પંજાબના લોકો પાસેથી 13માંથી 13 લોકસભા બેઠકો માંગી છે. સીએમ કેજરીવાલના આ નિવેદન બાદ પંજાબમાં સીટ વહેંચણી કેવી રીતે થશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં પંજાબમાં સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી શકે તેવી આશંકા છે.