રાજ્યના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા, યોજાતી, 38 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જોમ અને જુસ્સા સાથે કુલ 4 કેટેગરીમાં 1137 સ્પર્ધકોએ દોટ મુકી હતી. ત્યારે યુવાનોને પાંખ ફૂટી હોય તેમ પવન વેગ દોડી ગણત્રીની મિનિટોમાં ગિરનાર સર કર્યો હતો.
38 મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા 2024 માં 1137 સ્પર્ધકોએ દોટ મુકી
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગઈકાલે સવારે 7 વાગ્યે 6.2 ડિગ્રી ઠંડીમાં 38 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં કુલ 20 જિલ્લામાંથી સિનિયર બહેનો, જુનિયર બહેનો, સિનિયર ભાઈઓ અને જુનિયર ભાઈઓ એમ મળી કુલ 4 કેટેગરીમાં 1175 સ્પર્ધકો નોંધાયા હતા. જેમાંથી 38 સ્પર્ધકો ગેરહાજર રહેતા બાકીના 1137 ભાઈ – બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબ સુધીની આ સ્પર્ધા 2200 પગથિયાની મોટાભાગના સ્પર્ધકોએ સફળતાપૂર્વક રીતે પૂર્ણ કરી હતી.
આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં 38.27 મીનીટના સમય સાથે સુરેન્દ્રનગરના જાડા રીંકલબેને મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં જૂનાગઢના પરમાર લાલાભાઈએ 1 કલાક અને 14 સેકંડના સમય સાથે ગિરનાર સર કર્યો હતો.જયારે જુનીયર બહેનોમાં 39.25 મીનીટના સમય સાથે જૂનાગઢની વિધાર્થીની ગરેજા જશુબેન એ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં ગીર સોમનાથના ભાલીયા સંજયભાઈએ 1 કલાક 5 મીનીટ અને 14 સેકંડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો.
જયારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે કટેશીયા નીતાબેને 39.58 મીનીટ સાથે, ત્રીજા ક્રમે વાળા પારૂલબેને 40.34 મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે વાઘેલા શૈલેષભાઈ 1 કલાક અને 57 સેકંડ સાથે, ત્રીજા ક્રમે મેવાડા ધર્મેશકુમારે 1 કલાક 1 મીનીટ અને 27 સેકંડ સાથે, જુનીયર બહેનોમાં બીજા ક્રમે કમારીયા જયશ્રી 42.01 મીનીટ સાથે , ત્રીજા ક્રમે પરમાર અસ્મીતા 43.54, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે સોલંકી દેવરાજકુમાર 1 કલાક 9 મીનીટ અને 2 સેકંડ સાથે, ત્રીજા ક્રમે ગોહીલ દિગવીજયસીંહ એ 1 કલાક 9 મીનીટ અને 44 સેકંડ સાથે ગિરનાર સર કર્યો હતો.
આ વખતની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનો ભારે દબદબો રહ્યો ભાઈઓની સિનિયર અને જુનિયર તથા બહેનોની સિનિયર અને જુનિયર એમાં 4 કેટેગરીમાં અપાતા 40 ઇનામોમાંથી ગીર સોમનાથ જિલ્લાના 20 સ્પર્ધકોએ બાજી મારી હતી. જ્યારે જુનાગઢ જિલ્લાના 9 સ્પર્ધકો વિજેતા બન્યા હતા. આ સાથે સુરેન્દ્રનગરના 3, રાજકોટ અને અમરેલીના બે – બે ખેલાડીનો નંબર આવ્યો હતો. જિલ્લા વાઈઝર જો વાત કરીએ તો, ભાઈઓની સ્પર્ધામાં ગિરનાર ગીર સોમનાથના 14, જૂનાગઢના 4, ભાવનગરના 1, અને દાહોદના 1 ખેલાડી વિજેતા બન્યા હતા. જ્યારે બહેનોમાં ગીર સોમનાથની 6, જૂનાગઢની 5, રાજકોટની 2, છોટા ઉદયપુરની 1, સુરતની 1, અમરેલી જિલ્લાની 2 અને સુરેન્દ્રનગર જિલ્લાની 3 બહેનો વિજેતા જાહેર થઈ હતી. જો કે, ચારેય કેટેગરીમાં આ વખતે એક પણ રેકોર્ડ તુટીયો ન હતો.
જો કે, બપોરના 12:30 કલાકે મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર ,સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિજેતા સ્પર્ધકોને હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ જણાવ્યું હતું કે, આજે ગિરનારને સર કરવા 1137 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો સખત મહેનત અને આવડતથી નંબર મેળવે છે. આ કઠિન સ્પર્ધામાં યુવાનો જે સમય અને શક્તિ લગાવે છે તેની રાજ્ય સરકારે નોંધ લીધી છે. અને ચાલુ વર્ષથી વિજેતાઓને આપવામાં આવતી ઈનામની રાશીમાં ધરખમ વધારો કર્યો છે.
આ તકે મેયર શ્રીમતિ ગીતાબેન પરમારે ગિરનારની આ કઠિન સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને, ભાગ લેનાર સ્પર્ધકોને અને આયોજકોને શુભેચ્છા પાઠવી સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બીરદાવ્યા હતા. ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા એ તેમના ઉદબોધનમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.
સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળા એ કર્યુ હતું. આભાર વિધિ પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેષ ડાંગરે કરી હતી. કાર્યક્રમના આરંભે મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યુ હતુ.
ખરો ચેમ્પિયન લાલો: ખેલ ભાવનાનું આદર્શ ઉદાહરણ
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ચેમ્પિયનનો પર્યાય બની ચૂકેલો અને 6 વખત ચેમ્પિયન બની ચૂકેલા લાલાની સફર જાણવા જેવી છે, લાલો ગિરનાર સ્પર્ધાનો માત્ર વિજેતા નથી. પરંતુ સ્પોર્ટ્સમેન સ્પીરીટ એટલે કે ખેલ ભાવના માટેનું એક આદર્શ ઉદાહરણ છે. લાલાને સ્પર્ધા હારવાનો ભય નથી. ગિરનાર સ્પર્ધામાં પોતાના હરીફો છે તેવા સ્પર્ધકોને વિના સંકોચે ગીરનાર સ્પર્ધા જીતવાની બારીકીઓ શીખવાડે છે, સ્પર્ધાના પ્રારંભ પૂર્વે અન્ય સ્પર્ધકો સાથે પ્રેક્ટિસ કરે છે.
2 વર્ષ જુનિયર કેટેગરીમાં રાજ્ય અને રાષ્ટ્રીય અને ત્રણ વર્ષ સિનિયર કેટેગરીમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ચેમ્પિયન રહેલા તથા આ વર્ષે 38મી અખિલ ગુજરાત આરોહણ – અવરોહણ સ્પર્ધામાં વિજેતા બનેલ લાલો ઉર્ફે લાલા પરમાર કહે છે કે, રાજ્ય અને દેશભરમાંથી આવતા સ્પર્ધકો સાથે સ્પર્ધામાં ભાગ લેવા પૂર્વે ગીરનાર પગથિયા પર પ્રેક્ટિસ કરતા હોય તે દરમિયાન ઘણા સ્પર્ધકો મારી પાસેથી માર્ગદર્શન મેળવે છે. તે સાથે લાલો કહે છે કે, મારી પાસેથી શીખીને કોઈપણ સ્પર્ધક આગળ વધે તે મારા માટે ગર્વની વાત છે. કોઈ આગળ વધતું હોય ત્યારે તેનો સપોર્ટ કરવો જોઈએ. મારી સાથે પ્રેક્ટિસ કરતા ઘણા સ્પર્ધકો ટોપ-10માં વિજેતા પણ બને છે.
આ સ્પર્ધામાં વિજેતા બનવા માટે શું કરવું જોઈએ ? તેના જવાબ આપતા લાલો કહે છે કે, ગિરનારના પગથિયાં ચડતી ઉતરતી વખતે શારીરિક તકલીફોને અવગણીને માત્ર વિજેતા બનવા માટે ફોકસ કરવું જોઈએ. આ સ્પર્ધા દરમિયાન મનમાં અન્ય કોઈ વિચાર લાવ્યા વગર મને માત્ર મેડલ જ દેખાતો હોય છે. લાલો કહે છે કે, અંબાજી સુધીની આ સ્પર્ધાના રૂટમાં જે પગથિયા અને વળાંક આવે છે, એને તેને ધ્યાનમાં રાખીને તમારી ગતિ વધારવી, ધીમી કરવી સામાન્ય કરવી વગેરે બાબત લક્ષ્યમાં રાખતા હોય છે. ઉપરાંત આ સ્પર્ધામાં શ્વાસોશ્વાસની ક્રિયાનું પણ મહત્વ છે. એટલે નિયમિત પ્રાણાયામ અને ધ્યાન કરવું એટલું જ જરૂરી છે.
લાલાને ગિરનાર સ્પર્ધામાં આટલી મોટી સફળતા મળવા પાછળ ખૂબ પરિશ્રમ રહેલો છે, લાલો નિયમિત રાત્રે 10 વાગ્યાની આસપાસ સૂવાનું અને સવારે 4.30 કલાકે ઉઠવાનું શેડ્યૂલ અનુસરે છે અને નિયમિત 8 થી 10 કિલોમીટર રનિંગ કરે છે.
સામાન્ય પરિવારમાંથી આવતો લાલો બહાઉદ્દીન કોલેજમાં સાયકોલોજી વિષય સાથે બી.એ.નો અભ્યાસ કરે છે ઉપરાંત પરિવારમાં પિતા ચીમનભાઈ અને માતા મીનાબેનને લીલા નાળિયેરના ત્રોફાનું વેચાણ કરી ગુજરાત ચલાવવામાં મદદરૂપ થાય છે.w