૩૪ ફૂટ લાંબી ચીનની સ્પેસ લેબોરેટરી પૃથ્વીના કયાં સ્થળે પડશે તેનો તાગ મેળવવા સ્પેસ એજન્સીઓની મથામણ
ચીને વર્ષ ૨૦૧૧ના સપ્ટેમ્બરમાં અવકાશમાં તરતી મુકેલી પ્રથમ સ્પેશ લેબોરેટરી હવે સમગ્ર દુનિયા માટે ખતરો બની ગઈ છે. આ ૮૦૦૦ કિલોની સ્પેસ શટલ વિશ્ર્વના કોઈપણ ખુણે ખાબકે તેવી દહેશત છે. તિયોગવોંગ-૧ એટલે કે ‘સ્વર્ગ સમાન સ્થળ’ તરીકે ઓળખાતી આ લેબ હવે ચીનના નિયંત્રણ બહાર છે. લેબ ગમે ત્યારે ગમે તે સ્થળ ઉપર ખાબકીને તારાજી સર્જે તેવી ભીતિ છે.
વર્ષ ૨૦૧૬ના સપ્ટેમ્બર માસમાં ચીને સત્તાવાર રીતે કબુલ્યું હતું કે, તેની સ્પેસ લેબોરેટરી નિયંત્રણ બહાર જતી રહી છે અને વર્ષ ૨૦૧૭ના મધ્યભાગમાં ગમે ત્યારે પૃથ્વી ઉપર પડી શકે છે. આ લેબ ૩૪ ફૂટ લાંબી છે. એક રીતે પૃથ્વીના હવામાનમાં પ્રવેશતા જ આ લેબ સળગીને નાશ થઈ જાય તેવી શકયતા છે. જો કે, હાવર્ડ યુનિવર્સિટીના એસ્ટ્રોફિઝીસ્ટ જોનાથન મેગ્ડોવેલના મત અનુસાર સ્પેસ લેબના ટૂંકડા પૃથ્વી પર ભારે તારાજી સર્જી શકે છે. વાતાવરણમાં થોડા બદલાવના પરિણામે પણ સ્પેસ શટલ કયાં ખુણે પડશે તે અનુમાનની બહાર રહે છે.
અગાઉ પણ અવકાશી કચરો પૃથ્વી પર ખાબકવાનો ખતરો ઉભો થયો હતો. સોવીયેતનું સેલ્યુટ-૭ સ્પેસ સ્ટેશન વર્ષ ૧૯૯૧માં પૃથ્વી પર ખાબકયુ હતું. વર્ષ ૧૯૭૯ નાસાની સ્કાય લેબ સ્પેસ સ્ટેશન ઓસ્ટ્રેલીયાના પશ્ર્ચિમ ભાગમાં પડી હતી.
ચીન વર્ષ ૨૦૨૦ સુધીમાં અંતરીક્ષમાં સમાનવ સ્પેસ સ્ટેશન સ્થાપવાની મહત્વકાંક્ષા ધરાવે છે. જેના માટે ચીને વર્ષ ૨૦૧૬માં તિયોગવોંગ-૨ સ્પેસ સ્ટેશન પ્રાયોગીક ધોરણે અંતરીક્ષમાં તરતુ મુકયુ હતું. ચીન આ બન્ને સ્પેસ સ્ટેશનના માધ્યમથી અવકાશમાં પોતાની ધાક જમાવવાનો દાખલો વિશ્ર્વ ઉપર બેસાડવા માંગે છે. તિયોગવોંગ-૧ના પ્રયોગથી ચીનને આ ક્ષેત્રે આત્મવિશ્ર્વાસ વધી ગયો છે. ચીન-૨૦૧૨માં અવકાશી પ્રયોગના ભાગ‚પે અંતરીક્ષ યાત્રીઓ પણ મોકલી ચુકયું છે. જેમાં એક અંતરીક્ષયાત્રી મહિલા હતી.
હાલ તિયોગવોંગ-૧ ગમે ત્યારે પૃથ્વી પર પડે તેવી શકયતા છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશવાથી આ યાનનો મોટાભાગનો હિસ્સો નાશ થઈ જશે. જો કે, વધેલો હિસ્સો વિશાળ તારાજી સર્જે તેવી ભીતિ નકારી શકાય નહીં. હાલ નાસા સહિતની સ્પેશ એજન્સીઓ આ સ્પેસ સ્ટેશન કયાં સ્થળે અને કયારે પડશે તેનો તાગ મેળવવા મથામણ કરી રહી છે.