Abtak Media Google News
  • અવસર લોકશાહીનો…અવસર મારા ભારતનો
  • યુવા મતદારોને મૂંઝવતા વિવિધ પ્રશ્નોનો જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સરળ રીતે આપ્યા જવાબો : બાળકોના કઠપૂતળી રૂપે નૃત્ય પ્રદર્શનથી સૌ દંગ રહી ગયા

 રાજકોટ  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત વોટીંગ પ્રીમિયર લીગ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ઇલેક્શન આઈકોન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર  ચેતેશ્વર પુજારા સાથે વિવિધ શાળા, કોલેજોના યુવા મતદારોએ ગોષ્ઠિ કરી હતી. ઈમ્પીયરીયલ પેલેસ હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે યુથ  આઇકોન પુજારા તથા મહાનુભાવોએ બેટ બોલનું કર્ટન રેઝર કરી પ્રતીક રૂપે “વોટીંગ પ્રીમિયર લીગ”નો પ્રારંભ કરાવ્યો હતો.

‘વોટીંગ પ્રીમિયર લીગ-વોટકા દમ વિથ ચેતેશ્વર પુજારા” કાર્યક્રમમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રથમ વખત મતદાન સમયે બુથની જાણકારી, વોટર આઇ.ડી. મળ્યું ન હોય તો વોટિંગ કરી શકાય?, મતદારને હેલ્પ થઈ શકે તે માટે ઉપયોગી એપ્સ, પ્રથમ વખતનો મતદાનનો અનુભવ, મતદાનના આઇ.ડી.માં ફેરફાર તથા બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકો કઈ રીતે વોટ આપે છે, તેવા વિવિધ પ્રશ્નો ઇલેક્શન આઈકોન ચેતેશ્વર પુજારા તથા કલેક્ટર – રાજકોટને પૂછ્યા હતા. આ પ્રશ્નોના પ્રત્યુતરમાં કલેકટરએ વોટર હેલ્પલાઇન, સક્ષમ, નો યોર પોલિંગ સ્ટેશન જેવી એપ્લિકેશન તથા  સર્વિસ વોટરના બેલેટ મતદાન વગેરે વિશે માહિતી આપી હતી.

Young voters meeting with Cheteshwar Pujara at the Voting Premier League
Young voters meeting with Cheteshwar Pujara at the Voting Premier League

આ કાર્યક્રમમાં ધોળકિયા શાળાના બાળકો દ્વારા ઇલેક્શન એન્થમ” મૈ ભારત હું.. ભારત હૈ મુજ મે” ગીત પર કઠપૂતળી રૂપે નૃત્ય પ્રદર્શન કરી મતદાનના મહત્વને સમજાવ્યું હતું. આ તકે દિવ્યાંગ આઈકોન શૈલેષભાઈ પંડ્યા તથા થર્ડ જેન્ડર આઇકોન રાગીણીબેન પણ જોડાયા હતા. સૌ ઉપસ્થિતોએ મતદાન કરવાના શપથ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકાર નવનાથ ગવ્હાણે, અધિક નિવાસી કલેટ ચેતન ગાંધી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે,

અધિક કલેકટર અને સ્વીપના નોડલ ઓફિસર જીજ્ઞાસા ગઢવી, જિલ્લા પૂરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, પ્રાંત અધિકારી ચાંદની પરમાર,  જિલ્લા રમતગમત અધિકારી વી.પી.જાડેજા, મામલતદારો, અધિકારીઓ, પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો, ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

આપણો દેશ સૌથી મોટી જીવંત લોકશાહી તેનું ગર્વ : કલેકટર પ્રભવ જોશી

કલેક્ટર પ્રભવ જોશીએ સૌ ઉપસ્થિતોને આ ઉમદા કાર્યમાં યોગદાન અને પ્રોત્સાહન આપવા માટે બિરદાવ્યા હતાં તેમજ યુવા મતદારોને સંબોધતા કહ્યું હતું કે, મતાધિકારને “ટેકન ફોર ગ્રાન્ટેડ”  અને હળવાશથી લેવો ન જોઈએ. આપણા દેશની જીવંત લોકશાહીને લીધે આપણને સૌને આ અધિકાર પ્રાપ્ત થયો છે. આ અધિકાર પ્રત્યે જાગ્રત થઈને

આપણે સૌએ અચૂક મતદાન કરવું જોઈએ. આપણા પાડોશી દેશો તરફ નજર કરીએ તો તમામ દેશો લોકશાહીના અભાવે કે નબળી લોકશાહીના લીધે ગૃહયુદ્ધ, સૈન્ય સંચાલિત રાજ્ય, કે રાજાશાહી ધરાવે છે. એક ભારતીય તરીકે આપણે ગર્વ લઈ શકીએ કે આપણો દેશ સૌથી મોટી જીવંત લોકશાહી છે.

દરેક લોકોએ નૈતિક જવાબદારી સમજી મતદાન કરવું જ જોઈએ : ચેતેશ્વર પૂજારા

ઇલેક્શન આઈકોન ચેતેશ્વર પુજારાએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મતદાનને લઈ લોકોની જાગૃતતામાં અનેક ગણો વધારો થયો છે એટલું જ નહીં જ્યારે મતદાન કરવાનો સમય હોય ત્યારે દરેક લોકોએ પોતાની નૈતિક જવાબદારી સમજી મતદાન કરવું જોઈએ કારણ કે એક મત પણ એટલો જ મહત્વનો છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે આ વખતે અનેક નવા પ્રથમ વખત મત આપના યુવાઓને પણ એ જ અપીલ છે કે તેઓ તેમનો સમય કાઢી આ દેશના ઉત્સવમાં સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. બીજી તરફ હાલ ભારત દેશ જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેમાં મતદાન પણ એટલું જ જરૂરી અને મહત્વનું છે ત્યારે યોગ્ય પ્રતિનિધિ ને ચૂંટી હાલ જે દેશનો વિકાસ આગળ વધી રહ્યો છે તેને વધુ આગળ ધપાવવા માટે લોકોએ આગળ આવવાની જરૂરિયાત છે અને તે મુજબ હાલ મતદાન અંગે જાગૃતિ પણ ઘણાખરા અંશે વધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.