આઈપીએલમાં નવા ‘સિતારા’ ચમકી રહ્યા છે !!!

ચેન્નઈ સુપર કિંગ્સની ‘ડેડીઝ આર્મી’ને હૈદરાબાદના યુવા ખેલાડીઓએ મ્હાત આપી જીત કબજે કરી

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલની ધુરંધર ટીમ તરીકે ઓળખવામાં આવી છે ઉપરાંત આ ટીમમાં સૌથી વધુ અનુભવી ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનુભવ બજારમાં વેચાતો મળતો નથી પરંતુ ઉંમરને ક્રિકેટ સાથે કોઈ નિસબત નથી તેવો ઘાટ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના મેચમાં જોવા મળ્યો હતો. બંને ટીમો વચ્ચે સ્લોમોશનમાં સાપ સીડીની રમત માફક મેચ ચાલી રહ્યો હતો પરંતુ યુવા ખેલાડી પ્રિયંમ ગર્ગ અને અભિષેક શર્માએ મેચનો રૂપ પલ્ટી દીધો હતો. હારેલો મેચ જીતાડવામાં હૈદરાબાદના આ બંને ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ટોસ હાર્યા બાદ ચેન્નઈએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બોલીંગ વેળાએ ૧૧ ઓવરમાં માત્ર ૬૯ રન આપી હૈદરાબાદના મુખ્ય ૪ ખેલાડી ડેવિડ વોર્નર, જોની બેરેસ્ટો, મનિષ પાંડે અને કેન વિલિયમ્સનને પેવેલિયન ભેગા કરી દેવામાં આવ્યા હતા. મેચ ખીસ્સામાં આવી ગઈ હોય અને ત્યારબાદ ધોની મેચ હારે આ વાત ગળા નીચે ઉતારવી મુશ્કેલ છે પરંતુ ગઈકાલના મેચમાં આવું ચોકકસ થયું હતું.

૬૯ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા બાદ અભિષેક શર્મા અને પ્રિયંક ગર્ગની જોડીએ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવા હાથ મિલાવ્યા હતા. આ જોડી ક્રિઝ પર ભેગી થઈ તે સમયે ચેન્નઈના રવિન્દ્ર જાડેજા ૪, બ્રેન બ્રાવો ૩, પિયુષ ચાવલા અને સાર્દુલ ઠાકુરની ૨ જયારે દિપક ચહરની એક ઓવર બાકી હતી. ધોની પાસે વિકલ્પોની કોઈ કમી ન હતી પરંતુ કયાંક યુવાન પ્રતિભાઓને પારખવામાં ધોની ઉણો ઉતર્યો હોય તેવું સામે આવ્યું હતું. પ્રિયમ અને અભિષેકની જોડીએ ૭ ઓવરમાં ૭૭ રન ફટકારી મેચનું રૂપ બદલી નાખ્યું હતું.

બંને યુવા ખેલાડીઓની ઈનીંગ વિશે જો વાત કરવામાં આવે તો વિલિયમ્સનને આઉટ કર્યા બાદ ધોનીએ ૧૨મી ઓવર રવિન્દ્ર જાડેજાને આપી ગર્ગએ પહેલા બોલે એક રન લીધો ત્યારબાદ ડાબોડી અભિષેકે ડાબોડી જડુ સામે પાંચ બોલમાં ફકત એક જ રન લઈ શકયો. મેચ પર ચેન્નઈની પકડ યથાવત રહી હતી. ૧૩મી ઓવરમાં ચાવલાએ માત્ર ૬ રન આપ્યા. ઈનીંગની ૧૪મી અને જાડેજાની બીજી ઓવરમાં બંને યુવાનોએ મેચને ચોથા ગીયરમાં નાખી અભિષેકે  એક ચોગ્ગો અને એક છગ્ગો લગાવી ૬ બોલમાં ૧૪ રન લીધા. જાડેજાએ રન આપતા ધોનીએ બ્રાવો પર વિશ્ર્વાસ મુકયો. બ્રાવોની ઓવરમાં બંને યુવાનોએ ૯ રન બનાવ્યા. ૧૫ ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર ૧૦૦/૪ પર પહોંચ્યો હતો. પાટર્નરશીપને તોડવા ધોનીએ સેમ કરનને વિકેટ લેવાની જવાબદારી સોંપી હતી. ઈંગ્લેન્ડના ઈન્ટરનેશનલ બોલર કરન્ટ આવે એ રીતે ઈન્ડિયાના અંડર-૧૯ ટીમના કપ્તાન પ્રિયમ ધોયો ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પ્રિયમે એક ઓવરમાં ૨૨ રન કબજે કર્યા તે બાદ જોડીને તોડવાની જવાબદારી ધોનીએ ચહરને સોંપી જે ચહરે તેવું કર્યું પણ ખરું પરંતુ તેના પહેલા પાંચ બોલમાં બંને યુવાઓએ ૫ બોલમાં ૧૩ રન લઈ મેચનો રૂપ પલટાવી દીધો. ૨૦ ઓવરના અંતે બંને ખેલાડીઓએ હૈદરાબાદને સ્લો પીચ પર ૧૬૪ રનના  લક્ષ્ય સુધી પહોંચાડયું. યુવાઓની આ પ્રતિભાએ ધુરંધરોની ટીમને જાણે હંફાવી દીધી હોય તે રીતે ધોની-જાડેજાની ૭૨ રનની પાર્ટનરશીપ પણ ચેન્નઈને જીતાવી ન શકી. જાડેજાએ ફકત ૩૫ બોલમાં ૫૦ રન બનાવ્યા જયારે ધોની ૪૭ રને અણનમ રહયો તેમ છતાં ચેન્નઈએ હારનો સામનો કરવો પડયો. સમગ્ર મેચમાં યુવા ખેલાડીઓની ભૂમિકા ખુબ મોટી રહી. કહી શકાય કે આઈપીએલ ભલે આર્થિક દ્રષ્ટિએ રમાતો હોય પરંતુ આઈપીએલને કારણે નવા સિતારાઓ પ્રકાશમાં આવતા હોય છે. ભારતની ટીમની આઈપીએલ મારફતે નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ મળતા હોય છે. યુવા પ્રતિભાઓએ હૈદરાબાદનો ‘ સનરાઈઝ ’ ખરા અર્થમાં કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.