નિઓ રાજકોટ ફાઉન્ડેશનની પરંપરા અનુસાર દેશના નામાંકિત કલાકારો ઉપરાંત શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને મંચ પુરુ પાડવાના હેતુથી તથા હાલની કોરોના પરિસ્થિતિને અનુરુપ સંસ્થા દ્વારા સપ્ત સંગીતિ 2021 કલાસિકલ મ્યુઝિક વર્ચ્યૂઅલ કોન્સર્ટ સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ સીરિઝના પ્રથમ વર્ચ્યૂઅલ પ્રિમિયર શોમાં ગત રવિવારે આગ્રા ધરાનાની શૈલીના યુવા કલાકારા શ્રી પ્રિયા પુરુષોત્તમનના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટયુબના ઓનલાઈન માધ્યમથી યોજાયેલ કાર્યક્રમને ન ફકત દેશના પણ વિદેશના કલાપ્રેમી શ્રોતાઓની પણ ભરપૂર સરાહના પ્રાપ્ત થયેલ હતી.
કલાસિક્લ મ્યુઝીક વર્ચ્યુઅલ કોન્સર્ટનો પ્રથમ પ્રિમિયમ શો
સપ્ત સંગીતિમાં યુવા શાસ્ત્રીય ગાયિકા પ્રિયા પુરૂષોતમનની પ્રસ્તુતિને અદ્ભૂત પ્રતિસાદ
કાર્યક્રમની શરુઆતમાં શ્રી પ્રિયા પુરુષોત્તમને રાગ બિહાગમાં બડા ખ્યાલમાં તેમના ગુરુ પંડિત દિનકર કૈકીની એ સ્વરબધ્ધ કરેલી રચના તેમજ મધ્ય લયમાં “પૈજનિયા છનકે છમકન લાગી” બંદિશ તાલ તિનતાલમાં અને અંતભાગમાં તરાનો રજુ કર્યો. સભાના બીજા ભાગમાં રાગ પરજમાં, બંદિશ મન મોહન બ્રિજ કો રસિયાની ત્રિતાલમાં, આલાપ-તાન-બોલતાન સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી રજૂઆત કરી હતી. અંતમાં તેણીએ દ્રુતલયમાં મો કો રોકોના પનઘટ પે જાને દો બંદિશ તિનતાલમાં રજૂ કરી હતી. આ પ્રસ્તુતિમાં પ્રિયાજી સાથે હાર્મોનિયમ પર પંડિત વ્યાસમૂર્તિ કટ્ટી તથા તબલા પર સાગર ભારથરાજ એ સંગત આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પંડિત વ્યાસમૂર્તિજી ભારત રત્ન પં. ભીમસેન, પં. વેંકટેશ કુમાર, પં. રાજન-સાજન મિશ્રા જેવા મૂર્ધન્ય કલાકારો સાથે ઘણાં વર્ષોથી હાર્મોનિયમ સંગત કરતા આવ્યા છે.
આ વર્ચ્યૂઅલ કોન્સર્ટ સીરિઝ જુનથી ડિસેમ્બર 2021 સુધી દર મહિને દેશના ખ્યાતી પ્રાપ્ત બે કલાકારોના ગાયન-વાદનના કાર્યક્રમોના પ્રિમિયર શો પ્રસ્તુત કરશે, જેને દેશ-વિદેશના કલારસિકો ઘરબેઠા માણી શકશે. આ સીરિઝની આગામી પ્રસ્તુતી તા.27 જુન રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે જાણીતા કલાકાર ષડજ ગોડખિંડીના બાંસુરીવાદનનો પ્રિમિયર ખાસ સપ્ત સંગીતિના દર્શકો માટે યોજાશે. જેમાં આ સુરીલા કલાકારાને સાંભળવાનો લાહવો સપ્ત સંગીતિના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી બિલકુલ નિ:શુલ્ક લઈ શકાશે. આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હવે કાર્યક્રમનું સ્વરુપ વર્ચ્યૂઅલ હોવાથી ન ફકત શહેર, રાજય કે દેશના, પરંતુ સમગ્ર વિશ્વના કલાપ્રેમી લોકો આ કાર્યક્રમોને મનભરીને ઓનલાઇન માધ્યમોથી માણી રહ્યા છે.