એક બંગલા બને ન્યારા !
ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થયા બાદ ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારોમાં લોકો વધુ આવતા ફ્લેટ્સ કે ટેનામેન્ટ સોસાયટી કે એપાર્ટમેન્ટ વધવા લાગ્યા: શહેરી વિસ્તારોમાં જમીનની ખેંચ પડતા મકાન-બંગલાની જગ્યામાં ફ્લેટ બનવા લાગ્યા:
આજે લોકો મકાનને બદલે સેફ્ટીની દ્રષ્ટિએ ફ્લેટ વધુ પસંદ કરે છે: બ્રિટિશ અંગ્રેજી ભાષામાં ફ્લેટ અને
અમેરિકન અંગ્રેજીમાં એપાર્ટમેન્ટ શબ્દ ચલણમાં છે
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ આવાસ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજના દિવસે તેને સુસંગત આર્કિટેક્ચર દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. સાથોસાથ વિશ્વના ઘણા દેશોમાં રાષ્ટ્રીય કક્ષાએ માલસામાન દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. આવાસ દિવસની સાથે સુંદર મજાનું આર્કિટેક્ચર બિલ્ડીંગ હોય અને તેની અંદર અતિ ભૌતિક સુવિધા સંપન્ન માલસામાન હોય એવો બંગલો સૌ કોઈ પોતાનો હોય એવો ઇચ્છતા હોય છે. દરેક માનવીને એક બંગલા બને ન્યારા ની જેમ સુંદર બંગલાનાં માલિક બનવાની તીવ્ર ઈચ્છા હોય છે. આ વર્ષની ઉજવણી થીમ “શહેરી ભવિષ્ય બનાવવા માટે યુવા ધન આગળ આવે” છે , કારણ કે વિશ્વના 70 ટકા થી વધુ યુવાનો શહેરોમાં રહે છે.
દરેક માણસને પોતાનું શ્રેષ્ઠ ઘર કે આશરાની એક કલ્પના હોય છે. વર્ષોથી સાથે રહેતા સંયુક્ત પરિવારો સંતાનો મોટા થતાં અલગ રહેવા જતા રહે છે ત્યારે પ્રથમ પસંદગી પોતાનું સ્વતંત્ર ડેલીબંધ મકાન જ હોય છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફની માનવીની દોટે શહેરમાં વસ્તી વધારો કરી દેતા ગામના વિસ્તારોની સાથે શહેરના બહારના વિસ્તારોમાં મકાનો બનવા લાગ્યા. વર્ષો પહેલા જે જગ્યાએ કશુ જ ન હતું ત્યાં આજે હજારો લોકોનો વસવાટ જોવા મળી રહ્યો છે.
ઘર બસા કે દેખો કે ઘર સજા કે દેખોની વાતમાં આપણાં પરિવારના મોભીએ વર્ષો પહેલા લીધેલા મકાનની કિંમત આજે કરોડો રૂપિયા થઇ જતાં તે વેચીને દરેક સંતાનોના અલગ મકાન મા-બાપ કરી દેતા હોય છે. અત્યારે પણ બે સંતાન હોય તો પ્રારંભથી જ મકાનની પસંદગી, સગવડતાએ પ્રમાણે નક્કી કરાય છે. આજનો યક્ષ પ્રશ્ર્નએ છે કે રહેવા માટે ફ્લેટ સારો કે ટેનામેન્ટ, આના જવાબમાં મત મતાંતર જોવા મળે છે. ટેનામેન્ટ મકાન કે ડેલીબંધ મકાન લોકોની પ્રથમ પસંદગી હોય છે, પણ મોટા મકાનની સાફ-સફાઇ ન થઇ શકતા લોકો હવે ફ્લેટ વધુ પસંદ કરવા લાગ્યા છે. બન્નેના ફાયદાઓ સાથે ગેરફાયદા જોવા મળે છે. આજે તો વિકએન્ડ વિલાનો જમાનો આવ્યો છે.
આજે લોકો સેફ્ટીની દ્રષ્ટિએ ફ્લેટ વધુ પસંદ કરે છે. નાના બાળકોની ચિંતા નહી સાથે તમામ એમીનીટી હોવાથી અને એક સમુહ ફ્લેટમાં થવાથી તહેવારોની ઉજવણી જેવી ઘણી સવલતો મળતા લોકો હવે લોન લઇને પણ ફ્લેટમાં રહેવા જાય છે. ફ્લેટ શબ્દ મૂળ બ્રિટિશ અંગ્રેજી ભાષામાં જોવા મળે છે જ્યારે અમેરિકન અંગ્રેજી ભાષામાં એપાર્ટમેન્ટ શબ્દ ચલણમાં જોવા મળે છે. ઔદ્યોગીક ક્રાંતિ થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફની માનવીની દોટે શહેરોને જેટ ગતીએ મોટા બનાવી દેતા શહેરોના બહારના વિસ્તારોમાં પણ હવે જગ્યા પૂર્ણ થવા લાગી છે. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ જેવા વિવિધ શહેરોમાં જમીન-મકાનના ભાવો આસમાનને આંબી ગયા છે. આજે મકાનમાં એક કરોડ તો સાવ સામાન્ય વાત થઇ જાય છે. એક રીંગ રોડ બાદ બીજો, ત્રીજો ને ચોથો રોડ બનતા શહેર આસપાસના નજીકના ગામો શહેરમાં ભળી જતાં ત્યાં પણ જમીનના ભાવો સતત વધતા જ રહે છે.
ફ્લેટમાં પોતાના અંદરનો ભાગ જ મળે છે, જ્યારે મકાનમાં તમારો જ કબજો પૂર્ણ હોવાથી તમો તેમાં ગમે તે કરી શકવા માટે સક્ષમ બની જાવ છો, જે ફ્લેટમાં તમને સ્કોપ મળતો જ નથી. ફ્લેટના નિયમો તમને બંધનકર્તા હોય જ્યારે તમારા ટેનામેન્ટમાં તમારો જ હક્ક પૂર્ણ હોવાથી તમારા જ નિયમો હોય છે. હવે પેક ટેનામેન્ટ સોસાયટી પણ બનવા લાગી છે. સરકાર પણ ઘરવિહોણા માટે એક-બે કે ત્રણ બેડના ફ્લેટની આવાસ યોજના બનાવવા લાગી છે. આજે તો રોકાણ માટે જમીન-મકાન શ્રેષ્ઠ વિકલ્પ હોવાથી લોકો તેમાં વધુ વળતર મળતા રોકાણ વધુ કરે છે. સોલ્જરી પ્રોજેક્ટના યુગમાં એક જ પરિવારનાં દશ ફ્લેટ પણ જોવા મળે છે.
ફ્લેટ કલ્ચર એટલું બધુ વિકસ્યુ છે કે આજે મોટાભાગનાં શહેરોમાં પ્રવેશો ત્યાથી જ મલ્ટી સ્ટોરી બિલ્ડીંગો જોવા મળવા લાગે છે. સ્વતંત્ર મકાનો તોડીને પણ બિલ્ડર લોબી વિશાળ ફ્લેટ બનાવવા લાગ્યા છે. આજે મોટા શહેરો 20 થી 40 માળના અદ્યતન સુવિધાથી સજ્જ ફ્લેટ બનવા લાગ્યા છે. ધનાઢ્ય લોકોના ડુપ્લેકસ ફ્લેટનો નજારો તો આપણી આંખો ચાર કરી દે છે. ફ્લેટ કે મકાન રહેઠાણો ધરાવતાને ‘સોસાયટી’ શબ્દ બોલાય છે. ફ્લેટએ સામાન્ય રીતે આરામદાયક જીવન, ઉચ્ચજીવન શૈલી સાથે તમામ ભૌતિક સુવિધાથી સજ્જ હોવાથી વૈભવી જીવન નિર્વાહ પ્રદાન કરે છે. આપણાં ગુજરાતના શહેરોની વાત કરીએ તો શહેરો પ્રમાણે મકાનોના ભાવ અલગ-અલગ જોવા મળે છે. સુરત-બરોડા કે અમદાવાદમાં મળતા મકાન-ફ્લેટ કરતાં રાજકોટનો ભાવ થોડો વધુ જોવા મળે છે. ઓછી રકમનાં એક-બે બેડના ફ્લેટ મધ્યમ વર્ગ વધુ લેવા પ્રેરાય છે, જો કે લોન સુવિધા વધુ ઉપલબ્ધ હોવાથી હવે લોકો અડધો કરોડનો ખર્ચ કરવા વિચારતા પણ નથી. ફ્લેટની વિવિધ વિંગોના સમુહને સોસાયટી કહેવાય છે. બહુમાળી ઇમારતોથી શહેરો આજે સિમેન્ટના જંગલો બની ગયા છે. નાના રહેઠાણો સામાન્ય વર્ગ માટે અને આલિશાન બંગલા કે લક્ઝરી ફ્લેટ ઉચ્ચ વર્ગ માટે ગણાય છે. ફ્લેટ કરતાં ટેનામેન્ટ તમને વધુ સ્વતંત્રતા આપે છે, હવે તો પાર્કીંગવાળા મસ્ત મકાનો બની રહ્યા છે. લોકો જ્યારે મકાન-ફ્લેટ ખરીદે છે ત્યારે તે પાર્કીંગનું પ્રથમ વિચારે છે, કારણ કે આજે દરેક ઘરમાં બે-ત્રણ વાહનો સાથે કાર પણ હોવાથી તે આ બાબતે બાંધછોડ કરતા નથી. ફ્લેટમાં આજે જીમ, થિયેટર, સ્વીમીંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા હોલ જેવી તમામ ફેસીલીટી મળતાં લોકોને ઘણી રાહત થઇ જાય છે. આપણાં વડીલોએ એ જમાનામાં લીધેલા મકાનો તે સમયનાં રૂપિયાની તુલનામાં આજે લાખો-કરોડો ગણાતા આપણને સારૂ લાગે છે ,પણ તેને વેંચીને બીજે લેવા જાવ ત્યારે ખબર પડે કે કેટલા ભાવ વધી ગયા છે. નાના-મોટા મકાનો-ફ્લેટોની આજે બહુ ડિમાન્ડ છે. એરીયા પ્રમાણે બિલ્ડરો પોતાનો માલ વધુ ખપે તેવા આયોજન જ કરે છે. ગામ-શહેરના અમુક વિસ્તારોના ભાવ તો આપણે ખાલી સાંભળા જ મળતાં ચક્કર આવી જાય છે. પૃથ્વી પર રહેતો દરેક માનવી સમજણો થાય ત્યારથી પોતાનું એક ઘરનું ઘર બનાવવામાં જ જીવન ખર્ચી નાંખે છે.