બે સગા ભાઇને છરીના ઘા ઝીંકી પિતરાઇ ભાઈ ફરાર: એક ગંભીર
રાજુલાના ઘાચીવાડમાં રહેતા પિતરાઇ વચ્ચે ચારેક માસથી ચાલતી તકરારના કારણે બે સગા ભાઇ પર પિતરાઇએ છરીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા એકનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. એકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘાચીવામાં સ્વામી નારાયણ મંદિર સામે રહેતા ઇરફાન યુનુસભાઇ વારૈયા અને અને તેના નાના ભાઇ ઇમરાન ઉર્ફે અલ્ફાઝને ચારેક માસ પહેલાં પિતરાઇ વસીમ રહીમ વારૈયા સાથે ઝઘડો થયો હોવાથી ગઇકાલે બપોરે છરીથી હુમલો કરી ઇરફાનની હત્યા કર્યાની અને ઇમરાનની હત્યાની કોશષિ કર્યાની તેના પિતા યુનુસભાઇ ગનીભાઇ વારૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ઘાચીવાડમાં રહેતા યુનુસભાઇ અને તેના મોટા ભાઇ રહીમભાઇ બાજુમાં જ રહે છે. યુનુસભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જ્યારે રહીમભાઇને સંતાનમાં વસીમ એક પુત્ર છે. વસીમ અને ઇરફાન વચ્ચે ચારેક માસ પહેલાં ઝઘડો થયો હોવાથી બંનેના પરિવાર વચ્ચે બોલવાના સંબંધ ન હોવાથી ગઇકાલે ઇરફાન અને ઇમરાન નમાજ પઢીને ઘરે જમવા ગયા ત્યારે વસીમ રહીમ છરી સાથે તેના ઘરે ઘસી આવ્યો હત અને બંને ભાઇ પર હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા ઇરફાનને વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ અને ઇમરાન ઉર્ફે અલ્ફાઝને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ઇરફાનની હત્યાનો ગુનો નોંધી પી.આઇ. જીતેન્દ્રસિંહ દિલુભા ઝાલાએ ભાગી છુટેલા વસીમ વારૈયાની શોધખોળ હાથધરી છે. હત્યા બાદ ઘાચી સમાજ મોટ સંખ્યામાં એકઠા થતા પોલીસે ઘાચીવાડ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.