ગ્રામ પંચાયતની ચુંટણીનાં જુના મનદુ:ખનો ખાર રાખી ૧૦ શખ્સો બાઈક પર આવી બે યુવાનો પર ખુની હુમલો કરતા યુવાનનું સારવારમાં મોત

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામની સીમમાં ગ્રામ પંચાયતની ચુંટણી વખતે થયેલ ઝઘડાનો ખાર રાખી ૧૦ શખ્સોના ટોળાએ સંધી યુવાન સહિત બે શખ્સો પર ખુની હુમલો કરી શરીરે ગંભીર ઈજા કરી નાસી જતા જામજોધપુર પોલીસમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. તે દરમિયાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં રહેલા યુવાને હોસ્પિટલનાં બિછાને અંતિમ શ્ર્વાસ લેતા બનાવ હત્યામાં પલટાયો હતો.

બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ જામજોધપુરના ગઢકડા ગામે રહેતો અયુબ યુસુફભાઈ સફીયા (ઉ.વ.૨૪) નામના સંધી યુવાને જામજોધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ગઢકડા ગામે રહેતો અશરફ યુસુફ સફીયા, ઈમ્તીયાઝ યુસુફ સફીયા, અસલમ હુશેન સફીયા, એજાજ દાઉદ સફીયા, ઈબ્રાહીમ વલી મામદ, અબ્બાસ કારીયા હુસેન, સલીમ વલી મહમદ, સાહિલ વલી મામદ, અઝરૂદીન વલી મામદ અને ઈરફાન યુસુફ સફિયાનું નામ આપ્યા છે.  અયુબ સફીયાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અગાઉ ગ્રામ પંચાયતની ચુંટણી વખતે થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી ઉપરોકત ૧૦ શખ્સો અલગ-અલગ બાઈક પર આવી મુસ્તાક ઓસમાણ સફીયા તથા ગામના વાલોદ વલ્લભ કરશનને ગઢકડા ગામે હતા ત્યારે ધોકા, પાઈપ, છરી, તલવાર જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી મુસ્તાકને મારી નાખવાના ઈરાદે શરીરે ગંભીર ઈજા કરી આંખમાં ઝેરી સ્પે છાંટી હત્યા કરવાના ઈરાદે ખુની હુમલો કરી નાસી ગયા હતા. બનાવ બાદ બન્ને યુવાનોને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ જામજોધપુરની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં જામનગર ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની જાણ જામજોધપુર પોલીસમાં કરવામાં આવતા પોલીસે બંને યુવાનોની હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી હુમલાખોર ૧૦ શખ્સોની શોધખોળ આદરી છે. ગંભીર રીતે ઘવાયેલા ગઢકડા ગામનાં મુસ્તાકને વધુ સારવારમાં જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વહેલી સવારે યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને મૃતકનાં પરીવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવનાં પગલે શેઢવડાળા પોલીસ મથકનાં પીએસઆઈ એ.ડી.વાળા સહિતનો પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઈ પ્રાથમિક તપાસ હાથધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.