રોડ અકસ્માતમાં ગંભીર ઈજાઓ બાદ હોસ્પિટલ ખસેડતી વખતે એમ્બ્યુલન્સમાં લાગી આગ: બંને વખત યુવાનનો ચમત્કારીક બચાવ
કહેવાય છે કે મોતને કોઈ રોકી શકતું નથી પરંતુ એ નિશ્ર્ચિત સમય પહેલા પણ આવી શકતું નથી. નેહતોર શહેરના બિજનોર ગામે ૨૫ વર્ષીય ગૌરવકુમાર નામના એક યુવાન સાથે એક ગજબ ચમત્કાર થયો છે. આ યુવાને એક કલાકમાં મોતને બે વાર હાથતાળી દીધી એટલે કે માત્ર એક જ કલાકમાં બે વખત મોતના મુખમાંથી બહાર આવ્યો.
જયારે આ યુવાન ઘરે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં કાર સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવાને જાતે ૧૦૮ નંબર ડાયલ કરી એમ્બ્યુલન્સ બોલાવી જે ઘટનાસ્થળે તુરંત જ પહોંચી ગઈ હતી પરંતુ ગૌરવને એમ્બ્યુલન્સમાં પ્રવેશ્યાના પંદર મિનિટ બાદ એમ્બ્યુલન્સમાં જ ઓચિંતી આગ ભભુકી ઉઠી હતી. ભારે જહેમત બાદ આ યુવકને હોસ્પિટલ ખસેડાયો. ઘટનાને જાણનાર તમામ લોકોને ખબર હતી કે જો હોસ્પિટલ પહોંચવામાં સેંકડોનું પણ મોડુ થશે તો આ યુવાનનું મોત નિશ્ર્ચિત છે પરંતુ એમ્બ્યુલન્સમાં આગ લાગ્યા બાદ પણ આ યુવકને કંઈ થયું નહીં.
છે, ને અંચબિત કરી મુકે તેવી વાત, પહેલા જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો અને પછી આગની ઝપેટમાં આવ્યો. તેમ છતાં પણ તેનો બચાવ થયો. એટલે જ કહેવાય છે ને કે જાકો રાખે સાંઈયા માર સકેના કોઈ ! હોસ્પિટલમાં એડમીટ ગૌરવે જણાવ્યું કે, જયારે મારું એકસિડન્ટ થયું ત્યારે મને લાગતું હતું કે હવે હું બચી શકીશ નહી કારણકે અકસ્માતમાં મને ખુબ જ ઈજા પહોંચી છે અને ત્યારબાદ એમ્બ્યુલન્સમાં આગ લાગતા સુનિશ્ર્ચિત કરી લીધુ કે મારુ બચવું અશકય છે. પરંતુ હું જીવીત છું. ભગવાને મને એકવાર નહી પરંતુ બે વાર જીવનદાન આપ્યું છે.