ડિપ્રેશનથી કંટાળી અગાઉ પણ બે વખત યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ;ડિપ્રેશનના કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટને મળવા પહોંચ્યો’તો, પરંતુ આવેગવશ આત્યંતિક પગલું ભરી લીધાનું અનુમાન
રાજકોટના દોઢ-સો ફૂટ રિંગરોડ પર શિતલપાર્ક અને અયોધ્યા ચોક વચ્ચે આવેલા ધ એસ્પાયર બિલ્ડિંગના ૧૨મા માળેથી ઝંપલાવીને યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. ડિપ્રેશનના કારણે ભરેલા આ આત્યંતિક પગલાંના કંપારીજનક સીસીટીવી ફૂટેજની ક્લિપ વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અયોધ્યા ચોક પાસેના ધ એસ્પાયર બિલ્ડિંગ ખાતે ભાવિક ગિરીશભાઈ ભાતેલિયા (૨૧) નામના યુવાને ઊંચાઈ પરથી પટકાઈને મૃત્યુ પામ્યાની જાણ થતાં યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. એ દરમિયાન ૧૦૮ ઈમર્જન્સી સર્વિસ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી અને યુવકને તપાસતાં મૃત્યુ પામ્યાનું સ્પષ્ટ બન્યું હતું.
યુનિવર્સિટીના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલાએ બિલ્ડિંગમાંના સીસીટીવીનું રેકોર્ડિંગ ચેક કર્યું તો લાલ ટી-શર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ પહેરેલો આ યુવક પલ્સર બાઈક પર ૧૧.૪૭ મિનિટે બિલ્ડિંગમાં ૧૩મા માળે જઈ ત્યાંથી એક માળ પગથીયાં ઉતરીને ૧૨મા ફલોર પરના સ્મોકિંગ ઝોનમાં પાળીએ ચડીને ત્યાંથી ૧૧:૫૦ મિનિટે ઊંધા જ પડતું મૂકતો દેખાયો હતો.
તેના બાઈક પરથી રૈયારોડ, ૨-તિરૂપતિનગરનું સરનામું મળ્યું અને તેના સગાને જાણ કરાતા કાકા, માસા, માતાએ આવીને આ યુવક ભાવિક જ હોવાનું ઓળખી બતાવ્યું હતું.
બીએસસી. થયેલા ભાવિકે થોડા દિવસ પહેલાં જ પોતાનાં ઘર પાસે હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓની દુકાન શરૂ કરી હતી, પરંતુ છ મહિનાથી ડિપ્રેશનમાં હતો.
અગાઉ ગત જુલાઈમાં તેણે એસ્પાયર બિલ્ડિંગના ૧૩મા માળે કોમલબેન બક્ષી નામના સાયકોલોજીસ્ટને ક્ધસલ્ટ કર્યા હતા તથા કોઈ સાયકિયાટ્રીસ્ટ પાસે ટ્રીટમેન્ટ પણ ચાલુ હતી. તેના પિતા બેંક કર્મચારી રહી ચુક્યા છે અને હાલ નિવૃત્ત છે.