રીક્ષામાં આવેલ ચાર શખ્સો સામે નોંધાતો ગુનો: માથામાં બોટલ મારી દેતા ચાર ટાંકા આવ્યા
રાજકોટની ભાગોળે શાપર-વેરાવળ ઔદ્યોગીક વસાહતમાં શીતળા મંદિર પાસે પગપાળા જઈ રહેલા યુવાનના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી લેવાનો પ્રયાસ કરી રીક્ષામાં આવેલા ત્રણ શખ્સોએ કાયમી બોટલ અને છૂટા પથ્થરના ઘા ઝીંકી હુમલો કર્યાની અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવ્યાની પોલીસમા ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ કોટડાસાંગાણી શાપર-વેરાવળ સર્વોદય સોસાયટીમાં રહેતા કાનજીભાઈ વાલજી મકવાણા ઉ.૩૧એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના ભાવેશ દેવીપૂજક અને ત્રણ અજાણ્યા શખ્સોનાનામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ડ્રાયવીંગનો વ્યવસાય કરતા કાનજી મકવાણા તા.૧૪-૯ મંગળવારે સાંજે પગપાળા શીતળા મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રીક્ષામાં આવેલા આરોપીઓએ ફરિયાદી યુવાનને રોકી મોબાઈલ ફોન ઝુંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદી યુવાને આરોપીઓનો પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા આરોપીઓએ કાનજી મકવાણા પર સોડાબોટલ અને પથ્થર વડે હુમલો કરી માથામાં બોટલ મારી દેતા ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ આરોપીઓ ફરિયાદી યુવાન પાસેથી .૧૫,૪૯૦ની કિંમતનો મોબાઈલ ફોન આંચકી નાસી ગયા હતા. આ ઘટના અંગે શાપર-વેરાવળ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.