લોકઅદાલતમાં કેસ થતો નથી અને મેમોના સમયની સ્પષ્ટતા કરવા તાકીદ
ઈ-મેમો સંદર્ભે રાજકોટ ટ્રાફિક શાખાના એસીપીએ વાહનચાલકોને મોબાઇલમાં એસએમએસ દ્વારા કેટલાક સમય પહેલાના ઈ-મેમોની દંડની રકમ ભરવી તેમજ લોકઅદાલતમાં કેસ ન થઈ શકતો હોવા છતાં કેસ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, આ સંદર્ભે એડવોકેટ કે.ડી. શાહે રાજકોટના પોલીસ કમિશનર અને ટ્રાફિક બ્રાન્ચના એસીપીને લીગલ નોટિસ આપી ઉપરોક્ત બંને સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવે અન્યથા કોર્ટ કાર્યવાહી માટે તાકીદ કરી છે.
એડવોકેટ કે.ડી. શાહે તેમના અસીલ યુવા લોયર્સના હિમાંશુ એચ. પારેખ વતી રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને ટ્રાફિક બ્રાન્ચના એસીપી મલ્હોત્રાને ગુરુવારે લીગલ નોટિસ આપીને જણાવ્યું છે કે, હજારો વાહનચાલકોને ટ્રાફિક બ્રાન્ચ મારફતે મેસેજ કરવામાં આવ્યા છે કે જે વાહનચાલકને ઈ-મેમો મળ્યો છે, તેઓએ તાકીદે દંડની રકમ ભરી દેવી, જોકે છેલ્લા 6 મહિના એટલે કે નવેમ્બર 2021 પછી જે ઈ-મેમો જનરેટ થયા હોય તે વાહનચાલકને જ દંડની રકમ ભરવી પડશે, તેવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આથી 6 મહિના અગાઉ જે વાહનચાલકોને ઈ-મેમો મળ્યા છે તેમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે. પોતાના પર કેસ થશે તેમ માનીને અનેક વાહનચાલકોએ દંડની રકમ ભરવા માટે લાઈનો લગાવી દીધી હતી અને ગણતરીના દિવસોમાં જ આઠ લાખથી વધુનો દંડ ભરી દીધો હતો.
આ ઉપરાંત અખબારોને આપેલી યાદીમાં એસીપી મલ્હોત્રાએ એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે વાહનચાલકોને ઈ-મેમો મળ્યો છે અને દંડની રકમ ભરી નથી તેઓની સામે લોકઅદાલતમાં કેસ કરવામાં આવશે. આ અંગે નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે લોકઅદાલત એ સમાધાનનું માધ્યમ છે. ત્યાં કોઇની સામે કેસ કરવામાં આવતા નથી.
ઉપરોક્ત બંને બાબતે વહેલામાં વહેલી તકે સ્પષ્ટતા કરીને લોકો ગેરમાર્ગે ન દોરાય તેથી સાચી હકીકત અખબારના માધ્યમથી લોકોને પહોંચે તેમ કરવું જોઈએ. જો રાજકોટ ટ્રાફિક પોલીસ આ અંગે કોઇ સ્પષ્ટતા નહિ કરે તો આગામી દિવસોમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ લીગલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.
વાહનચાલક દંડ ભરવાની ના કહે તો એનસી કેસ થાય, તેમાં સરકારી વકીલસેવા મળી શકે
યુવા લોયર્સના એડવોકેટ હિમાંશુ પારેખે જણાવ્યું હતું કે, વાહનચાલકથી કોઇ ભૂલ થાય અને ઈ-મેમો મળે તો આવા વાહનચાલકોએ દંડની રકમ ફરજિયાતપણે ભરવી તેવો કાયદામાં કોઇ ઉલ્લેખ નથી. ટ્રાફિક પોલીસ માત્ર એનસી કેસ કરી શકે અને કોર્ટ નક્કી કરે કે વાહનચાલકને કેટલો દંડ કરવો. વાહનચાલક એનસી કેસ લડવા માગતો હોય તો તેને સરકારી વકીલની પણ વિનામૂલ્યે સેવા મળી શકે છે.
તેમજ ટ્રાફિક બ્રાન્ચના એસીપી મલ્હોત્રાએ લોકઅદાલતમાં કેસ કરવાની જે વાત કરી છે તે સદંતર વાહિયાત છે, લોકઅદાલત સમાધાનનું માધ્યમ છે આથી પોલીસે લોકોને ડરાવવાની નહિ પરંતુ ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાની અને રાજકોટમાં ટ્રાફિક સુવ્યવસ્થિત રીતે ચાલી શકે તેના માટે જે દબાણો થઈ ગયા છે તે દૂર કરવાની જરૂર છે.