લોકડાઉન પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિ દિવસ ૧ હજાર લોકોને જમાડવાનો નિર્ધાર
કોરોનાનાં કહેર વચ્ચે જયારે લોકડાઉનની સ્થિતિ સર્જાયેલી છે ત્યારે જરૂરીયાતમંદ લોકોને નિયમિત ભોજન અને રાશન કિટ મળી રહે તે હેતુસર અનેકવિધ સેવાકિય સંસ્થાઓ આગળ આવી છે અને લોકોને તેમની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ મળી રહે તે માટે કાર્ય પણ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન યંગ ઈન્ડિયા રાજકોટ ગ્રુપ દ્વારા સેવાકિય પ્રવૃતિ હાથ ધરવામાં આવી રહી છે.
આ તકે યંગ ઈન્ડિયા રાજકોટ ગ્રુપના સભ્યો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ ખાતે જયારથી કોરોનાને લઈ લોકડાઉન શરૂ થયું છે. તે સમયથી પ્રતિ દિવસ ૧ હજાર જરૂરીયાતમંદ લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં લોકડાઉન જયારે પૂર્ણ થશે તે સમય સુધી અવિરત ભોજન સેવા આપવામાં આવશે.
એવી જ રીતે યંગ ઈન્ડિયા રાજકોટ ગ્રુપ દ્વારા પોલીસ કર્મીઓ કે જે ચોવીસ કલાક પોતાની ફરજ બજાવી રહ્યા છે અને લોકોને સુરક્ષિત રાખવા જે પ્રયત્નો હાથ ધરે છે તે સર્વેને દરરોજ આઈસ્ક્રીમ, જયુસ તથા ચા-કોફી પણ પીવડાવવામાં આવે છે અને તેમની કામગીરીને પણ બિરદાવવામાં આવે છે. આ સાથે યંગ ઈન્ડિયા ગ્રુપ જરૂરીયાતમંદ લોકો અને તેવા લોકો કે જે ઔધોગિક એકમોમાં રહે છે તેમના માટે અનાજની કિટ પણ બનાવવામાં આવી છે. જેમાં ૧ હજાર લોકોને આ કિટ વિતરણ કરવામાં આવશે. કિટમાં ચોખા, ઘઉંનો લોટ, ખાદ્યતેલની બોટલ અથવા પાઉચ, નમક, મરચુ, ખાંડ, બટેટા સહિતની ચીજવસ્તુઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ કિટ માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ શહેર નજીકનાં ગામોમાં પણ કિટ વિતરણ કરવામાં આવશે. શહેરમાં જે ખુબ જ મોટા રસોડા ધમધમી રહ્યા છે તે તમામ રસોડામાં પુરતી ચીજવસ્તુઓ પણ પહોંચાડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ગ્રુપ દ્વારા રાશન તથા જરૂરીયાતની સામગ્રી પણ પહોંચાડાઈ છે.