ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની તોફાની સદીની મદદથી ભારતે ત્રીજી ટી20માં 200 પ્લસનો મજબૂત સ્કોર ખડક્યા બાદ બોલર્સની લડતને સહારે આફ્રિકા સામે 106 રને જીત મેળવીને શ્રેણી 1-1થી સરભર કરી હતી. ગઈકાલની મેચમાં યંગ ઇન્ડિયાએ જબરદસ્ત પર્ફોમન્સ કરી સિરીઝ બરાબર કરી લીધી છે.જોહાનિસબર્ગમાં રમાયેલી ત્રીજી ટી20માં ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 201 રન નોંધાવ્યા હતા. જવાબમાં યજમાન ટીમ 95 રનમાં ઓલ આઉટ થઈ હતી. કુલદીપ યાદવે 17 રનમાં પાંચ વિકેટ ઝડપીને સપાટો બોલાવ્યો હતો. કુલદીપે બીજી વખત ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પાંચ વિકેટની સિદ્ધી મેળવી હતી. સૂર્યકુમાર યાદવે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચોથી સદી ફટકારી હતી.

ત્રીજી ટી20માં ભારતની 106 રને જીત: ભારત 201/7, સૂર્યકુમાર 100 અને જયસ્વાલ 60, આફ્રિકા 95 રનમાં ખખડ્યું

આ સાથે જ તે દક્ષિણ આફ્રિકામાં ટી20માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. ભારતે 30 રનની અંદર બે વિકેટ ગુમાવી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે 41 બોલમાં 60 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. બીજીતરફમેન ઓફ ધ મેચ સૂર્યકુમારે 56 બોલમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી સદી ફટકારીને કેપ્ટન્સ ઈનિંગ્સ રમી હતી. જયસ્વાલે કેપ્ટન સૂર્યકુમાર સાથે ત્રીજી વિકેટ માટે 112 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી જેને પગલે ભારત લડાયક સ્કોર ઉભો કરી શક્યું હતું. બેટિંગ બાદ ભારતના બોલર્સે શાનદાર બોલિંગ કરતા આફ્રિકાને 95 રન સુધી સિમિત રાખ્યું હતું.

મોહમ્મદ સિરાઝે પ્રથમ ઓવર મેઈડન ફેંકી હતી. આફ્રિકાની અડધી ટીમ 75 રનમાં પેવેલિયન પરત પહોંચી હતી. ફિલ્ડિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવને પગમાં ઈજા થતા તે મેદાન છોડી ગયો હતો અને વાઈસ કેપ્ટન જાડેજાએ કમાન સંભાળી હતી. સ્પિન બોલર્સ જાડેજા અને કુલદીપ યાદવે આફ્રિકાની કરોડરજ્જૂ પર પ્રહાર કર્યો હતો અને 95 રનમાં સમગ્ર ટીમ સમેટાઈ ગઈ હતી. કેપ્ટન માર્કરમ (25) અને ડેવિડ મિલર (35) લડત આપી શક્યા હતા. ટી20માં ડેબ્યૂ કરનાર ડોનોવાન ફરેરાએ 12 રન કર્યા હતા. આ ત્રણ બેટ્સમેનને બાદ કરતા અન્ય કોઈ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો નહતો. કુલદીપ યાદવે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. જાડેજાએ બે તથા મુકેશ કુમાર અને અર્શદીપે એક-એક વિકેટ મેળવી હતી.

સુર્યકુમારે રોહિતની બરાબરી કરી, મેક્સવેલનો પણ રેકોર્ડ તોડ્યો

ભારતના ‘મિસ્ટર 360 ડિગ્રી’ બેટ્સમેન સૂર્યકુમાર યાદવે જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની ત્રીજી T20 મેચમાં કોહરામ મચાવ્યો છે. તેણે સિરીઝની આ છેલ્લી T20 મેચમાં સદી ફટકારી હતી. ટી20 ટીમની કેપ્ટનશીપ કરી રહેલા સૂર્યાએ 55 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે તેણે અનુભવી રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી. આ મેચમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા.સૂર્યકુમાર યાદવે 55 બોલમાં પોતાની સદી પૂરી કરી,

જ્યારે તેણે ઇનિંગની છેલ્લી ઓવરના પ્રથમ બોલ પર રન કરીને 2 રન પૂરા કર્યા. આ સાથે તેણે શક્તિશાળી ઓપનર રોહિત શર્માની બરાબરી કરી લીધી. હવે રોહિત અને સૂર્યકુમારે T20 ઈન્ટરનેશનલમાં 4-4 સદી ફટકારી છે. તેના સિવાય ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે પણ T20 ઈન્ટરનેશનલમાં 4 સદી ફટકારી છે. સૂર્યાએ તેની કારકિર્દીની 60મી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.