ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે સવારે મોરબીમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા આયોજીત પૂ.મોરારી બાપુની રામકથામાં સહભાગી થયા બાદ અચાનક રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ટૂંકી મુલાકાત દરમિયાન પણ તેઓએ અલગ-અલગ ચાર કાર્યક્રમોમાં હાજરી આપી મિડીયા સમક્ષ નિવેદન આપતા તેઓએ જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ દ્વારા યુવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવશે. તેઓના આ નિવેદન પરથી એક વાત બહુ સ્પષ્ટ થઇ જવા પામી છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અનેક સિટીંગ સાંસદોની ટિકિટ પર કાતર ફેરવી દેશે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટની ટૂંકી મુલાકાતે: વોર્ડ નં.4માં ભાજપના પેજ પ્રમુખના ઘેર પાટીલની ચાય પે ચર્ચા
ધારાસભ્ય ઉદય કાનગડના જનસંપર્ક કાર્યાલયની મુલાકાત લીધી: શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઇ મોલીયાના ઘેર લીધું ભોજન
આજે સવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું રાજકોટમાં આગમન થયું હતું. જ્યાં એરપોર્ટ પર શહેર ભાજપના હોદ્ેદારોએ તેઓનું સ્વાગત કર્યું હતું. અહિંથી તેઓ સિધા મોરબી ગયા હતા. અહિં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા ઝુલતા પુલ ધરાશાયી થવાની દુ:ખદ ઘટનામાં મોતને ભેટેલા હતભાગીઓના આત્માની શાંતિ માટે પૂ.મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સી.આર.પાટીલ સહભાગી થયા હતા. ત્યારબાદ તેઓ ફરી બપોરે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ શહેરના વોર્ડ નં.4માં વેલનાથ પરા વિસ્તારમાં ભાજપના સામાન્ય કાર્યકર અને પેજ કમિટીના પ્રમુખ ભવાનભાઇ સુરાણીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેઓના ઘરે 15 મિનિટ સુધી રોકાણ કરી ચા-પાણી પણ પીધા હતા. ત્યારબાદ તેઓ 68-વિધાનસભા પૂર્વ બેઠકના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના જનસંપર્ક કાર્યાલયની મુલાકાતે ગયા હતા. લોકોની સુવિધા માટે ધારાસભ્ય દ્વારા શરૂ કરવામાં આવેલા જનસંપર્ક કાર્યાલય થકી કરવામાં આવતી કામગીરીની સરાહના કરી હતી. બપોરનું ભોજન તેઓએ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઇ મોલીયાને ત્યાં લીધું હતું.
દરમિયાન મિડીયાને સંબોધન કરતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ ગુજરાતની તમામ બેઠકો 5 લાખ મતોની તોતીંગ લીડ સાથે જીત હાંસલ કરશે. ચૂંટણીમાં યુવા ચહેરાઓને વધુમાં વધુ ટિકિટ આપવામાં આવશે. તેવું પણ તેઓએ નિવેદન આપ્યું હતું.
આ તકે પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય 2મેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીગ ચેરમેન જયમીન ઠાકર સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે વિધાનસભા-68ના કોર્પોરેટરો, શહેરના પદાધિકારીઓ, વોર્ડ પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિધાનસભા-68 જનસેવા કાર્યાલય ખાતે શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, પરીમલ પરડવા, પૂર્વ ડે. મેયર વલ્લભભાઈ દુધાત્રા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
પૂ.મોરારીબાપૂના આશિર્વાદ લેતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે મોરબી ખાતે રામકથામાં ઉપસ્થિત રહી પૂ. મોરારીબાપુના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કથામાં શ્રોતાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે,પૂ.મોરારીબાપુની કથામાં મને બાપુના આશિર્વાદ મેળવવાનું સૌભાગ્ય આપ્યું તે બદલ કથાના આયોજકોનો હ્રદયથી આભાર. પૂ. મોરારીબાપુના દર્શન કરીને વિનંતી કરુ છું કે તેમની કથામાં જે રીતે ધર્મનો ઉદ્દેશ આપતા હોય છે, નિતિ પર ચાલવા અને અનિતિથી દુર ચાલવા સંદેશ આપતા હોય છે,
વ્યસન મુક્ત તેમજ સમાજને કુરિવાજથી દુર કરવા પૂ. મોરારીબાપુનો પ્રયાસ હરહમેંશ રહેતો હોય છે તેથી આ યજ્ઞ હમેંશા ચાલુ રાખે. કથાકાર પોતાની કથામાં સમાજ સુધારાની વાત રજૂ કરે ત્યારે ખૂબ મોટો પ્રભાવ પડે છે. કથાના કાર્યક્રમમાં જયારે કોઇ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર ભાગ લે છે એટલે તે ઘર્મભીરુ છે. કોઇ પણ કાર્યકર ધર્મભીરુ હોવો જ જોઇએ. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા,રાજ્ય સરકારના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા,ભાજપા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટ ,સુરત શહેરના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પરેશભાઈ પટેલ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.