વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૪મીએ વિવિધ પ્રકલ્પોનો શુભારંભ

૪૭૦ કરોડના ખર્ચે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પીટલને વધુ સજજ કરાઇ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ જુનાગઢ ખાતે તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને મહેસુલ મંત્રી યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે ખાસ ઉપસ્થીત રહેશે

ગીરનાર પર્વતના ૧૦ હજારથી વધુ પગથિયા ચડવામાંથી  મળશે મૂક્તિ

નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના મહત્વના આરોગ્ય,પ્રવાસન અને ખેડૂતોને લગતા વિવિધ પ્રકલ્પોનો દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૪મી ઓક્ટોબરે દિલ્હીથી વર્પ્યુઅલી શુભારંભ કરાવશે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને ઊર્જા મંત્રી  સૌરભભાઇ પટેલ જૂનાગઢ ખાતે તથા નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ અને મહેસૂલ મંત્રી  કૌશિકભાઇ પટેલ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી સહભાગી બનશે.

નાયબ મુખ્યમંત્રી  પટેલે ઉમેર્યુ કે, એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સન્ટીટ્યુટને રૂા. ૪૭૦ કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. જેમાં હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.

જેમાં ૮૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાના બાળકોકે જન્મતાની સાથે કે  જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે જેનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરાશે.

તેમણે ઉમેર્યુ કે, દેશના સૌથી મોટા રોપ વે-ગિરનાર રોપવેનું પણ આ જ દિવસે લોકાર્પણ કરાશે.

ગિરનારની ટોચ પર આવેલા ભગવાન દત્તાત્રેયના દર્શન માટે ૧૦ હજારથી વધુ પગથિયા ચડીને જવું પડતુ હતું.  એમાંથી યાત્રિકો-વૃદ્ધો , બાળકોને મુક્તિ મળશે અને રોપવેના દ્વારા દર્શનનો લાભ લઇ શકશે. સાથે સાથે ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયન જોવા માટે લાખ્ખો પર્યટકો દર વર્ષે ગુજરાત આવે છે તેમના માટે પણ આ રોપ વે નું નવું નજરાણું આહલાદક બની રહેશે.

IMG 20200224 WA0042

રોપ વે ધ્વારા ગીરનારના જંગલને જોવાનો અનેરો લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે જેના લીધે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું  પણ સર્જન થશે.

નાયબ મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે,રાજ્યના ખેડૂતોની વર્ષો જૂની માંગણી ખેતીમાં સિંચાઇની સુવીધા મળે માટે દિવસે વીજળી આપવાની હતી તે માંગણી પણ સરકારે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

પ્રથમ તબક્કામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના અંદાજે બે થી ત્રણ હજાર ગામડાંઓના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી પુરી પાડતી કિસાન સૂર્યોદય યોજનાનો પણ આ જ દિવસે વડાપ્રધાન દ્વારા શુભારંભ કરાવાશે. આમ, રાજ્યના નાગરિકોને આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેની સિંચાઇ સુવીધા માટેના આ પ્રકલ્પોનું લોકાર્પણ થતાં રાજ્યના નાગરિકોની સુખાકારી વધશે અને વધુને વધુ સવલતો મળતી થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.