ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની સેલેરી જાણીને તમને આશ્ચર્ય થશે. 44 વર્ષના સુંદર પિચાઈએ વર્ષ 2016માં ગ્રોસ પગાર અને માનદવેતન મળીને 20 કરોડ ડોલર એટલે કે લગભગ (1285 કરોડ રૂપિયા)ની કમાણી કરી હતી. આ પ્રમાણે 2016માં તેમને દર મહિને અંદાજે 1 અરબ રૂપિયાનો પગાર ગૂગલે ચૂકવ્યો હતો. આ રકમ 2015ની સરખામણીએ બમણી છે. ભારતમાં જન્મેલા સુંદર પિચાઈએ 2015માં ગૂગલના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
ગૂગલની સહભાગી કંપની આલ્ફાબેટનો શેર ચાલુ વર્ષે ઝડપથી વધ્યો છે. જેના કારણે પ્રથમ વખત કંપનીના માર્કેટ કેપ 600 અબજ ડોલર(આશરે 38 લાખ કરોડ રૂપિયા) પહોંચી ગઇ છે. પિચાઇએ ગૂગલની કેટલીક સફળ પ્રોડક્ટનું લોન્ચિંગ કર્યું છે. તેમની લીડરશિપ અંતર્ગત ગૂગલે તેની કોર એડવર્ટાઇઝિંગ અને યૂટ્યૂબ બિઝનેસ દ્વારા થતાં સેલ્સને પણ બૂસ્ટ કર્યું છે. આ ઉપરાંત મશીન લર્નિંગ, હાર્ડવેર અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. 2016માં ગૂગલે નવા સ્માર્ટફોન, વર્ચ્યુઅલ રિયલ્ટી હેન્ડસેટ, રૂટર અને વોઇસ કન્ટ્રોલ સ્માર્ટ સ્પીકર રજૂ કર્યા હતા. આ તમામ પ્રોડક્ટ માર્કેટમાં ઘણી સફળ સાબિત થઈ હતી. જેના કારણે ગૂગલ રેવન્યૂમાં મોટાપાયે વધારો નોંધાયો હતો.
44 વર્ષીય સુંદર પિચાઇનો જન્મ ચેન્નઈમાં 1972માં થયો હતો. તેમનું મૂળ નામ પિચાઇ સુંદરરાજન છે પરંતુ તેમને સુંદર પિચાઇના નામથી ઓળખવામાં આવે છે. તેમણે બેચલર ડિગ્રી આઈઆઈટી ખડગપુરમાંથી મેળવી હતી. અને યુએસમાં સુંદરે એમએસની ડિગ્રી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મેળવી છે. વોર્ટન યુનિવર્સિટીમાંથી તેમણે એમબીએ કર્યું છે. તેઓ ગૂગલ સાથે 2004થી સંકળાયેલા છે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ અને 2008માં લોન્ચ થયેલા ગૂગલ ક્રોમના ડેવલપમેન્ટમાં તેમની મોટી ભૂમિકા રહી છે.