ડોક્ટર એટલે કે ભગવાનનું સ્વરૂપ. ભગવાન બાદ ડોક્ટર જ છે જે માનવને જીવનદાન આપી શકે છે. છેલ્લા ઘણા સમયથી રાજયમાં એવા કિસ્સા સાંભળવા મળી રહ્યા છે કે ડોકટરે દેવદૂત બનીને રસ્તા પર અથવા તો કોઈ પણ ઈમરજન્સીમાં પ્રસુતાની સફળ ડિલિવરી કરાવે છે ત્યારે વધુ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં બોટ ૧૦૮ ની ટીમ દ્વારા પ્રસુતાની ડીલેવરી કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના દેવભૂમિ દ્વારકા જીલ્લાની છે જ્યાં ઓખા બોટ ૧૦૮ ની ટીમે એક ગર્ભવતી મહિલાને બોટ ની અંદરજ પ્રસૂતિ કરાવી ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એકા એક મહિલાને પ્રસવ પીડા ઉપડતાં બોટની અંદર જ પ્રસુતિ કરવામાં આવી હતી. બાળકના ગળા ફરતે નાળ વીંટળાય ગઈ હોવા છતા સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકને બચાવી લેવામાં આવ્યા હતા.
માતાએ આપ્યો ફૂલ જેવા દીકરાને જન્મ
દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ટાપુમાં રહેતા બેનને પ્રસુતિ પીડા વધી જતા બોટ 108ને બોલાવવામાં આવી હતી. બોટ ૧૦૮ની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર હાજર થઈ અને ૧૦૮ના ઈ એમ ટી – હરેશ જાદવ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી નવજાત બાળક અને માતાને સારવાર આપી 108 દ્વારા ઓખા સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.