સામાજીક-વ્યવસાયીક વ્યવસાયમાં તબીબી વ્યવસાયને સૌથી વધુ સન્માનીય દરજ્જો આપવામાં આવ્યો છે. તબીબને ભગવાન સમાન ગણવાની સામાજીક પરંપરા અને તબીબો પર જે રીતે સમાજનો વિશ્ર્વાસ હોય છે તેની સામે તબીબોને પણ સામાજીક વિશ્ર્વાસનું જતન કરીને પોતાની સેવામાં કોઈ જાતની કચાસ ન રહે અને તબીબી વ્યવસાય નાણા કમાવવાનું માધ્યમ નહીં પરંતુ સેવાનો પર્યાય છે તેમ સમજીને તબીબને જીવન પર્યત 24 કલાક દર્દીઓની સેવા માટે તૈયાર રહેવાનું ઉત્તરદાયિત્ય નિભાવવાનું હોય છે. ત્યારે સમય, સ્થિતિના પરિવર્તન વચ્ચે હવે ક્યાંકને ક્યાંક તબીબી વ્યવસાયમાં સેવાના મુદ્રાલેખની જગ્યાએ ક્યાંકને ક્યાંક તબીબી વ્યવસાયને આર્થિક ઉપાર્જનનું માધ્યમ ગણવાનો (કુ) દ્રષ્ટિકોણ અનાયાસે ફાલીફૂલી રહ્યું છે. 170 કરોડની આબાદી ધરાવતા વિશ્ર્વના સૌથી મોટા લોકતાંત્રીક દેશમાં માથાદીઠ ગણતરીની સામે તબીબોની સંખ્યા ખુબજ ઓછી છે. ગુજરાતની જ વાત કરીએ તો હજારો નાગરિકો વચ્ચે જે સંખ્યામાં તબીબો હોવા જોઈએ તેટલી સંખ્યામાં નથી. સૌથી વધુ તબીબોની અછત ગ્રામ્ય વિસ્તારમાં થાય છે. સરકારે જો કે, મેડિકલ વ્યવસાયને વધુને વધુ વિસ્તારવાનો અભિગમ સાથે ગુજરાતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનું આયોજન કર્યું છે. તમામ જિલ્લામાં મેડિકલ કોલેજ ધમધમતી થાય તો પણ જે ઝડપે વસ્તીનો વધારો થઈ રહ્યો છે. તેની સામે તબીબોની ઘટ રહેશે જ.
બીજી તરફ તબીબોની ઘટને સરભર કરવા માટે રાજ્ય સરકારે એમબીબીએસ પાસ થતાં તબીબો માટે ફરજિયાતપણે ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરશીપ કરવાનો નિયમ બનાવ્યો છે. પરંતુ જૂનીયર તબીબો ગ્રામ્ય વિસ્તારમાં ફરજ પર હાજર થતાં નથી. સરકારે આવા તબીબો સામે દંડનીય કાર્યવાહીના ભાગરૂપે બોન્ડ ખરીદવાનો નિયમ બનાવ્યો છે. જુનીયર તબીબો બોન્ડની ખરીદીરૂપે દંડ ભરવા તૈયાર થાય છે પરંતુ ગામડામાં ફરજ બજાવવાથી દૂર ભાગે છે.
એમબીબીએસ ડોકટરોને ગ્રામ્ય વિસ્તારમાં ફરજ સોંપવાની જોગવાઈ કરવામાં આવી પરંતુ તેમની પાસે કામ લેવામાં આવતું નથી. જે તબીબો ગ્રામ્ય વિસ્તારઅને ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા નથી ત્યાં ગરીબોને નાછુટકે સેવા કરવાની ફરજ પડે છે.
રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોનું મહેકમ છે પરંતુ મોટાભાગની જગ્યાઓ ખાલી રહી છે. જિલ્લા હોસ્પિટલોમાં ફૂલટાઈમ સર્જન, પેથોલોજી, ઓર્થોપેડીક, રેડિયોલોજિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ, સાયકો, ઈએનટી, ડેન્ટલ જેવા નિષ્ણાંતોની મોટાભાગની જગ્યાઓ ખાલી હોય છે.
તબીબનો વ્યવસાય સેવા અને પવિત્ર વ્યવસાય માનવામાં આવે છે પરંતુ બદલાતા સમયમાં મોંઘા અભ્યાસક્રમો અને ખર્ચ કરીને તૈયાર થતાં તબીબો ખાનગી પ્રેકટીસમાં અભ્યાસમાં ખર્ચાયેલા નાણા જલ્દીથી કવર કરવા માટે ગ્રામ્ય વિસ્તારની સેવા કરવાને બદલે ખાનગી પ્રેક્ટિસમાં વધારે મન પરોવે છે. તબીબ સમુદાયમાં સેવાનો ભાવ હોવો જોઈએ તેમાં ક્યાંક વર્તમાન પરિસ્થિતિએ ખાંચ ઉભી કરી દીધી છે. તબીબોનો વ્યવસાય સંપૂર્ણપણે માનવ સેવાના અભિગમને ચરિતાર્થ કરવા માટે હોય છે. ત્યારે જૂનીયર તબીબે દંડ ભરવાનું પસંદ કરે છે. પણ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવાથી દૂર રહે છે. તબીબોનો આ બદલાયેલો અભિગમ ખરેખર તબીબી વ્યવસાયના મુળભૂત સિદ્ધાંતથી પર જ ગણાય. તબીબોએ પોતાના વ્યવસાયને માનવ સેવાનો પર્યાય ગણવો જોઈએ, કમાણીનું માધ્યમ નહીં. જ્યારે જુનીયર તબીબોમાં આ સમજ કેળવાશે ત્યારે ખરા અર્થમાં તબીબનો વ્યવસાય પવિત્ર ને નિસ્વાર્થ બની રહેશે અને ક્યારેય જરૂરીયાતમંદ દર્દીને નિષ્ણાંત તબીબની સારવારથી વંચિત નહીં રહેવું પડે… પ્રાર્થના કરીએ કે આપણા દેશમાં આ પરિસ્થિતિ જલ્દીથી સાકાર થાય.
2