વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા પોલીસે ઢોર માર મારતા મજૂરને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો
પડધરીના ધનજીભાઈ નામના ખેડૂતની વાડીએ મધરાતે જઈને પોલીસે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતિય ખેત મજૂરને ઢોર માર માર્યો હતો. વાડી ખાતે જુગાર કલબ ચાલતા હોવાના આક્ષેપ સાથે પડધરી પોલીસ વાડી ખાતે ધસી આવી હતી અને ત્યારબાદ મજૂરને બળજબરીથી જુગાર કલબ ચાલતા હોવાનું કબૂલ કરાવવા ઢોર માર માર્યો હતો તેમજ ત્યારબાદ વાડીના માલીકની ઘરે જઈને મોડી રાત્રે માર માર્યો હતો.
પડધરી તાલુકાના રૂપાવટી ખાતે રહેતા ધનજીભાઈ નામના ખેડૂતની વાડીએ પડધરી પોલીસ મથકની ટીમ રાત્રીના આશરે ૧૧ વાગ્યે ધસી આવી હતી. જ્યાં વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂર કેવલભાઈને વાડી ખાતેની ઓરડીમાં બોલાવી અહીં જુગાર કલબ કોણ ચલાવે છે તેવું પૂછ્યું હતું જેના જવાબમાં મજુરે કહ્યું હતું કે હું આજે સવારે જ મધ્યપ્રદેશથી આવ્યો છું. મજુરે તેની બસ ટીકીટ પણ પોલીસને બતાવી હતી તેમજ કહ્યું હતું કે મને જ્યાં સુધી ખબર છે અહીં કોઈ જ જુગાર કલબ ચાલતી નથી. જે બાદ પોલીસે મજૂરને ધોકા પાઇપ વડે ઢોર માર માર્યો હતો. મજુરે વાડી માલિકને ફોન કરવાનું કહેતા પોલીસે મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. જે બાદ પોલીસ વાડી માલિક ધનજીભાઈના ઘરે પહોંચી દીવાલ ટપી ઘરમાં પ્રવેશ કર્યો હતો તેમજ ધનજીભાઈને તારી વાડી ખાતે ’તું જુગાર કલબ ચલાવે છે’ તેવું કહી ઢીકકા પાટુ વડે માર માર્યો હતો તેવો આક્ષેપ કરાયો છે. પોલીસે યેન કેન પ્રકારે ખેડૂત પાસે જુગાર કલબ ચલાવતો હોવાનું કબૂલ કરવા ફાંફા માર્યા હતા પરંતુ કંઈ હાથ નહીં લાગતા ખાલી હાથ પોલીસ મથક પરત ફર્યા હતા.
આ અંગે મજૂરે અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું ગઈકાલે સવારે જ મધ્યપ્રદેશથી પરત ફર્યો છું. રાત્રીના આશરે ૧૧ વાગ્યે આશરે ૧૦ થી ૧૫ પોલીસકર્મીઓ આવ્યા અને મને ઓરડીમાં બોલાવી પાઇપ વડે માર માર્યો હતો. મેં માર મારવાનું કારણ પૂછતાં મને કહ્યું હતું કે હું અને મારા શેઠ અહીં જુગારધામ ચલાવીએ છીએ. મેં આ બાબતે તમામ સ્પષ્ટતાઓ કરી તેમ છતાં પોલીસે માર મારવાનું શરૂ રાખ્યું હતું. મારો ફોન પણ લઈ લીધો હતો તેમજ મારી બસની ટીકીટ પણ છીનવી લીધી હતી. પોલીસને મેં વારંવાર આજીજી કરી કે તમે મારા શેઠને ફોન કરવા દો પરંતુ મારી વાત માની નહિ અને મને માર માર્યો તેમજ મારી પત્ની સાથે ગાળા ગાળી કરી હતી. અંતે તેઓ મને મારા શેઠના ઘરે રૂપાવટી ખાતે લઈ ગયા હતા જ્યાં ઘરની ડેલી બંધ હોવાથી દિવાલ ટપીને પોલીસે ઘરમાં પ્રવેશ કરી ધનજીભાઈને બહાર બોલાવીને તેમને પણ માર માર્યો હતો તેમજ જુગારધામ અંગે કબૂલાત આપવા કહ્યું હતું.
મામલામાં વાડીના માલિક ધનજીભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રીના આશરે ૧૨:૩૦ વાગ્યે પડધરી પોલીસ મથકના પીએસઆઇ પરમાર સહિતની ટીમ મારી ઘરે આવી હતી. તેમણે મને જુગારધામ અંગે કબૂલાત આપવા કહ્યું હતું પરંતુ મેં સ્પષ્ટ શબ્દોમાં આ બાબતને વખોળી કાઢતા પોલીસે મને ઢીકકા પાટું વડે માર માર્યો હતો. મને ઉંધા અવળા સવાલો પૂછ્યા હતા તેમજ આવતીકાલે તું પડધરી પોલીસ મથક ખાતે હાજર થઈ જજે નહીં તો અમે ફરીવાર આવીશું કહીને ધમકાવ્યો હતો.
આ અંગે ધનજીભાઈની વાડીમાં ભાગીદારી ધરાવતા શક્તિસિંહ જાડેજાએ કહ્યું હતું કે ગત ૩ દિવસ પહેલા રૂરલ એલસીબીએ પડધરી પોલીસની નાક હેઠળ રેઇડ કરી હતી જેથી પડધરી પોલીસ દબાણમાં આવી સામાન્ય અને નિર્દોષ જનતાને ડરાવી ધમકાવી રહી છે. અન્ય ગુન્હાખોરોની પ્રવૃતિઓ પડધરી પોલીસ જોઈ શકતી નથી પરંતુ ફક્ત નિર્દોષ પ્રજાને પરેશાન કરવાનું જ પોલીસને સુજે છે. તેમણે ’અબતક’ના માધ્યમથી જીલ્લા પોલીસ વડાને અપીલ કરતા કહ્યું હતું કે આ મામલે સચોટ તપાસ થવી જોઈએ તેમજ પડધરી પોલીસ અન્ય કોઈ નિર્દોષ સાથે આવું ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરે નહિ તે માટે આકરા પગલાં લઇ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.