ધોરાજીમાં આવેલી સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ -૧૧ સાયન્સની વિદ્યાર્થીનીએ સ્યુસાઇડ નોટમાં પિતા પર ફિટકાર વરસાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હૈયું કંપાવનારી સ્યુસાઇડ નોટમાં પિતા પર “તમે ક્યારેય મને તમારી પુત્રી માની જ નથી, આઇ હેટ યુ પાપા, મારા એક એક આંસુનો બદલો લઈશ” ગળાફાંસો ખાઇ લીધો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ કુતિયાણામાં રહેતી અને હાલ ધોરાજી રોયલ સ્કૂલમાં ધોરણ ૧૧માં સાયન્સમાં અભ્યાસ કરતી દિવ્યા રમેશભાઈ ડોડીયા નામના વિદ્યાર્થીનીએ સ્કૂલની હોસ્ટેલમાં ૩૧૮ નંબરના રૂમમાં જ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરંતુ આપઘાત પહેલા દિવ્યાએ હૈયું કંપાવતી સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં તેણીએ પોતાના પિતા રમેશભાઈ પર ફિટકાર વરસાવ્યો હતો.
દિવ્યા ડોડીયાએ જ્યાં ગળાફાંસો ખાધો તે રૂમમાંથી તેણીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં પિતા ખૂબ ગુસ્સે થતા હોઇ પિતાએ ક્યારેય પોતાને દીકરી ગણી ન હોય તેવા શબ્દો સુસાઇડ નોટમાં લખ્યા છે. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, દિવ્યાએ અંતિમ પગલું ભરતાં પહેલાં અડધો કલાક ફોન પર પરિવારજનો સાથે વાત કરી હતી. હાલ ધોરાજી પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી છે અને વધુ તપાસ હાથધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
હૈયું કંપાવતી વિદ્યાર્થિનીની સ્યુસાઇડ નોટ
“પપ્પા, મારા મરવાનું એક જ કારણ છો અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું. મારા મરવા પાછળ મને એક ‘બા’ નો અફસોસ છે. જેણે મને મા-બાપ બન્નેનો પ્રેમ આપ્યો. સોરી ડેડ’
આઈ હેટ યુ પાપા ‘મા જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ. મા મને માફ કરી દેજો કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ.”