ઢોલ, નગારા, બ્યુગલ, પીપુડાના અવાજો સાથે જીંજરા, ગોલાબોર, ચીકી, શેરડી સાથેની અનેરી રંગત જોવા મળશે
આ વર્ષે વડાપ્રધાન મોદી, સરદાર સ્ટેચ્યુ, પબજી, છોટા ભીમ, બાબી, સ્પાઈડર મેન, લવબર્ડ, આંખવાળી પતંગ, વ્હાઈટ ચીલ, સોનેરી ઝુમખાવાળી સાથે પ્લાસ્ટીકના કાગળની પતંગ બજારમાં જોવા મળે છે. ખાસ આ વર્ષે પક્ષીઓની પતંગમાં બાજ સહિતનાની પતંગ અત્યારથી આકાશે ઉડવા લાગી છે.
અગાસીને ઉજવાશે મિત્ર-ગ્રુપ-પરિવાર સાથે ગમતાનો ગુલાલ એ કાયપો છે… ઢોલ, નગારા, બ્યુગલ, પીપુડાના અવાજો સાથે જીંજરા, ગોલાબોર, ચીકી, શેરડી સાથેની અનેરી રંગત જોવા મળશે. રંગીલુ રાજકોટ તહેવાર પ્રીય છે, ઉત્સવપ્રીય છે. હજી હમણાં જ થર્ટી ફસ્ટ ને નવલાવર્ષની ઉજવણી ગઈ ત્યાંજ ૧૪ જાન્યુઆરીની મકર સંક્રાંતિ -ઉતરાયણ આવી ગઈ, રાજકોટીયન્સને બસ ઉજાણીનું બહાનું જોઈએ તહેવારોમાં રાજકોટ વાળાને ‘મોંઘાઈ’ કયારેય નડતી નથી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચાયનીઝ-દોરા, તુકકલ પર પ્રતિબંધ છે. છતા સંક્રાંતિની રાતે આકાશે જોઈ લેજો !! જો કે આ વખતે સજજડ વેચાણ બંધ હોવાથી આકાશે ‘તુકકલ-ટમટમ નહી દેખાય… કદાચ !!
આ વર્ષે પતંગ બઝારનો ભાવ ગત્ વર્ષ કરતા નહિવત વધારો થયેલ છે. વર્ષોથી હજી પણ ખંભાતી કાગળની પતંગની માંગ વિશેષ છે રૂા.૧૦ના પંજાથી શરૂ કરીને રૂા.૧૦૦ રૂા. પંજો રાજકોટમાં મળે છે. પ્લાસ્ટીકની પતંગનો પંજાનો ભાવ રૂા.૩૦ છે. ઉતરાયણમાં પતંગ-ફિરકીનું મહત્વ છે. અગાસીએ ગ્રુપ સાથે ચિચિયારીમાં પરિવાર સામેલ થતા હોય છે તો ‘મસ્ત’ તૈયાર થઈને અવનવા ચશ્મા-ગોગલ્સ પહેરીને ફિરકી પકડીને આનંદ માણતા મહિલા ગ્રુપો જોવા મળે છે. આ વર્ષે ચાયના દોરા પર પ્રતિબંધ છે. ત્યારે બરેલી-સુરતી દોરા-નાનાબાળથી મોટેરા યુવા ગ્રુપ માટે ફિરકી બજારમાં ઉપલબ્ધ છે. રૂા.૨૦માં ૨૫૦ વાર નાના ટબુકડા માટે તો રૂા.૬૦૦ સુધીમાં ૨૦૦૦થી વધુ વાર સારા દોરાની ફિરકી બજારમાં આવી ગઈ છે. ગત વર્ષની સરખામણીએ ૨૦૨૦માં બહુ જ નહિવત ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
ફિરકી પતંગની સાથે વિવિધ પ્રકારનાં ચશ્મા, પીપુડા, વિવિધ ટોપી, રંગ-બેરંગી ફુગ્ગાઓ, માછલી-સ્પાઈડરમેન, મીકી માઉસ, ડોરેમોન-બેનટેન-જુદા જુદા પક્ષીઓનાં હવા ભરેલ બલુન-ટોય પણ ઉત્સવમાં સામેલ થશે.
જાપાનને મનાય છે પતંગનું પિયર!
જાપાન કાઈટ ફેસ્ટીવલનું પિયર ગણાય છે અહિં લગભગ દર વર્ષે ડઝનબંધ પતંગોત્સવ યોજાય છે. ત્યાં પતંગનાં સંગઠનો, એસોસિયન, સભાઓ, કલબો વિગેરેની ભરમાર છે. ત્યાંતો દર વર્ષે પતંગોત્સવનું કેલેન્ડર બહાર પડાય છે. વિદેશોમાં કાઈટ વર્લ્ડ, ધ કાઈટ બોર્ડર, કાઈટ લાઈફ વિગેરે સામાયિકો પણ નીકળે છે. ચીનમાં વિશ્ર્વનું સૌથી મોટુ પતંગમ્યુઝિયમ છે. જેમાં જુદા જુદા દેશની બે હજારથી વધુ પતંગોનો ખજાનો છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે લોકોએ પતંગ ઉડાડીને આઝાદીનો જલ્સો માણ્યો હતો. બીજા વિશ્વ યુધ્ધ વખતે વિસ્ફોટક માહિતી મોકલવાના સંકેત માટે પતંગનો ઉપયોગ થયો હતો. થાઈલેન્ડમાં તો પતંગ યુધ્ધનાં ૭૮ નિયમો બનાવાયા છે. જાપાનમાં ૧૭૬૦માં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ હતો કારણ કે ત્યાંના લોકો કામકાજ કરતાં પણ પતંગ ઉડાડવામાં મશગુલ બની જતા હતા. એક સમયે ચીનમાં પણ સાંસ્કૃતિક ક્રાંતિ દરમ્યાન પ્રતિબંધ મૂકીને પતંગ ઉડાડતા ઝડપાય તો ત્રણ વર્ષની જેલ કરીને તેના પતંગોનો નાશ કરાતો વાયરલેસનાં શોધક માર્કોનીએ એટલાન્ટિકની સામે પારથી અવાજનાં મોજા પકડવા પતંગનો ઉપયોગ કરતા જુદા જુદા દેશનાં લશ્કરનાં તાલિમ -જાસુસી માટે હાલમાં વિવિધ રીતે પતંગોનો ઉપયોગ કરવામાં આવે છે.