વર્ષોથી વેરો ભરપાઈ નહીં કરનાર સામે આકરી કાર્યવાહી કરાશે: મિલકત જપ્તી અને સીલીંગ કરાશે: બાકીદારોને નોટિસ ફટકારવાનું શરૂ
ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં વેરા વસુલાત શાખાને રેકોર્ડબ્રેક 340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે પ્રથમ છ માસમાં માત્ર 141 કરોડની વસુલાત થવા પામી હોય હવે બાકીદારો સામે ધોંસ બોલાવવા કોર્પોરેશને શસ્ત્રો સજાવ્યા છે. શહેરમાં નવા ભળેલા વિસ્તારો સહિતના એરીયામાં બાકીદારોને વેરો ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
દિવાળી પૂર્ણ થતાંની સાથે જ હાર્ડ રિકવરીનો દૌર શરૂ કરવામાં આવશે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં મ્યુનિ.કમિશનર દ્વારા ટેક્સ રિકવરી સેલ ઉભો કરવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી આ સેલ ઉભો કરી શકાયો નથી. રૂા.340 કરોડના લક્ષ્યાંક સામે પ્રથમ છ માસમાં માત્ર 141 કરોડની વસુલાત થવા પામી છે. ત્યારે દિવાળીના તહેવાર પૂર્ણ થતાંની સાથે જ કોર્પોરેશન હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરી દેશે. હાલ શહેરમાં નવા ભળેલા વિસ્તારમાં જંત્રી ભાવ મુજબ અલગ અલગ કેટેગરી નક્કી કરાયા બાદ મિલ્કત ધારકોને ટેક્સના બીલ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
વર્ષોથી વેરો ભરપાઈ ન કરનાર રીઢા બાકીદારો સામે હવે આકરી કાર્યવાહી કરવામાં આવશે. નોટિસ પીરીયડ પૂર્ણ થતાંની સાથે જ રીકવરી શરૂ કરાશે. જે અંતર્ગત બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે અને જપ્ત કરી લેવામાં આવશે. પ્રથમ તબક્કે માત્ર મિલકતોના નળ જોડાણ અને ડ્રેનેજ જોડાણ કાપવામાં આવશે. ત્યારબાદ છતાં જો મિલકત ધારકો વેરો ભરવાની તસ્તી નહીં ઉઠાવે તો લાલ આંખ કરાશે.