હિતેશ રાવલ, સાબરકાંઠા:
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠાના એક દિવસના મહેમાન બન્યા હતા. જ્યાં તેમને ભાજપ દ્વારા યોજાયેલા સ્નેહમિલન સંમેલનમાં હાજરી આપી કાર્યકરો ટેકેદારો તેમજ સ્થાનિકોને છોડમાં રણછોડની સાથોસાથ અન્યમાં પણ રણછોડ જેટલી મહત્તા આપવાની સૂચક ટિપ્પણી કરી હતી.

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા સ્વામીનારાયણ મંદિરમાં આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને કડક સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું કે છોડમાં રણછોડની વાતો કરવાવાળા આપણી સામેના વ્યક્તિને ભગવાન જેટલું મહત્વ આપતા નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ કાર્યકરોને સાથે લઈને ચાલવું જરૂરી છે. હાલના તબક્કે છેવાડાના માણસોના કામ થાય તે જરૂરી છે.

 

તમને જે તકલીફ પડે તે અમારા સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ છે. નિરામય ગુજરાત અભિયાનની વ્યવસ્થા આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. લોકોને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે આપને પડતી તમામ તકલીફ અમારા ધ્યાન પર આવશે તે દૂર કરાશે.કયા કામ સાચા કે ખોટા તે લિસ્ટ આપો.અમારે કેટલી મજા છે તે અમને ખાસ પૂછવું, કામ કરનારાઓને એસીમાં પણ પરસેવા થાય છે.

તેમણે નામ લીધા વગર વિપક્ષને ટાંકીને કહ્યું કે પહેલાના સમયમાં કોઈપણ વ્યક્તિ કામ લઈને આવે તો સ્થાનિક કક્ષાએ બેસેલા લોકો વિવિધ અને વિરોધાભાસી નિવેદનો આપતા હતા. જો કે હાલમાં કોઈપણ વ્યક્તિનું કોઈ પણ કામ હોય અને જરૂરી હોય તો તેને પ્રાથમિકતા આપવી તે ભાજપની નેમ છે. આગામી સમયમાં યોજાનારી ચૂંટણી મામલે કાર્યકરોને ખાસ યાદ કરી જણાવ્યું હતું કે હાલના તબક્કે કોઈપણ પ્રકારનો વિરોધાભાસ હોય તે ત્યાગી આગળ વધવાની જરૂરિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.