આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે વધુ ૧૦ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી સાત બેઠક હાલ ભાજપ પાસે છે અને ૩ બેઠક કોંગ્રેસ પાસે છે. આપના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, સો થી વધુ બેઠક પર ચૂંટણી લડવા આપને દરખાસ્તો મળી છે તેની સમીક્ષા કરીને કેટલી બેઠકો પર ચૂંટણી લડવી તેની વિચારણા કરવામાં આવશે. ગોપાલ રાયે જણાવ્યું હતું કે, આપના કાર્યકરો દિલ્હી સરકારના સફળ પ્રોજેક્ટ લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને ઇમાનદાર વિકલ્પનો વાયદો કરી રહ્યા છે જેને આવકાર સાંપડી રહ્યો છે. ભાજપના આટલા વર્ષના શાસન પછી પણ રાજયમાં વંચિતોનો ઉધ્ધાર થયો નથી અને સંખ્યાબંધ ગેરરીતિઓ કરવામાં આવી છે તે બાબતને પણ ઉજાગર કરવામાં આવશે. આપ દ્વારા અગાઉ પણ દસ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. નવા દસ ઉમેદવારમાં અનેક યુવાન છે તથા સમાજના વિવિધ વર્ગમાંથી આવેલા છે. જેમાં ખેડૂત, વ્યાપારી, શિક્ષક, એડવોકેટ-આરટીઆઇ એકટિવીસ્ટ, સમાજસેવક વિગેરેનો સમાવેશ થાય છે. બાપુનગરમાંથી ઉમેદવાર જાહેર કરાયેલા અમજદ પઠાણ રાજપુર વોર્ડના ભૂતપૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર છે.

ગાંધીનગર ઉત્તર-ગુણવંત પટેલ, બોટાદ-જીતુભાઇ બાવળિયા, કતારગામ-નાગરાજ અંબાલિયા, રાજકોટ ઇસ્ટ-અજીત લોખિલ, સુરત પશ્વિમ-સલીમ મુલતાની, કરંજ-જિજ્ઞેશ મહેતા, પાલનપુર-રમેશ નભાણી, ગાંધીધામ-ગોવિંદ દાંડીચા, જામનગર ગ્રામ્ય-પરેશ ભંડેરી અને બાપુનગર-અમજદ પઠાણ ને ઉમેદવાર બનાવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.