હલકુ લોહી હવાલદારનું… લશ્કરમાં ‘ઊંટ’ જ બદનામ હોય તેવી ગુજરાતી ભાષાની કહેવતો અત્યારે કોરોના કટોકટીમાં સરકારી તંત્ર માટે બરાબર માફક આવતી હોય તેમ મહામારીના આ કપરાકાળમાં વિશાળ પ્રશાસનીક સંચાલન અને કોરોના કટોકટી સામેની વ્યવસ્થાની પડકારજનક પરિસ્થિતિમાં સરકાર અને તંત્ર માટે આભ ફાટયું હોય ત્યાં થીંગડુ ક્યાં દેવા જવું… જેવી પરિસ્થિતિ વચ્ચે પણ એક બાદ એક લહેરમાં વધુમાં વધુ સલામતી અને ઓછામાં ઓછા નુકશાનના સારા પ્રયત્નો અને તેના પરિણામો આવી રહ્યાં છે. પરંતુ સરકારી તંત્રની કામગીરી પર વારંવાર વિવિધ અદાલતોથી લઈ સુપ્રીમ કોર્ટ સુધીની ટીપ્પણીઓની પસ્તાળ સામે કેન્દ્રએ હવે પોતાનું સ્ટેન્ડ લીધુ હોય તેમ ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રાખી રોકડુ પરખાવતા સાફ જણાવી દીધુ હતું કે, સરકારી તંત્ર પર બિનજરૂરી ટકટક ન થવું જોઈએ.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, અત્યારે કોરોના કટોકટીની વિકટ પરિસ્થિતિમાં અનેક પડકારો સામે તંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારો, નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કામ કરી રહ્યાં છે. કેમ વધુમાં વધુ સારી કામગીરી થાય તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમ છતાં ન્યાયતંત્રની બિનજરૂરી ટકટક તંત્રનું મોરલ ડાઉન કરનારી બની છે. કેન્દ્ર સરકારે અદાલતો દ્વારા કરવામાં આવતા માછલા ધોવા જેવા અભિપ્રાયો અને ટીપ્પણીઓના મારાથી અદાલતોમાં સરકાર અને ન્યાય તંત્ર વચ્ચે ભારે ન્યાયીક ખેંચતાણ ચાલે છે. કોરોના કટોકટી દરમિયાન પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં યોજાયેલી ચૂંટણી બાદ કોરોનાના સંક્રમણમાં વધારા અંગે દાખલ થયેલી પીઆઈએલમાં ચૂંટણીપંચને જવાબદાર ઠેરવવાની દાદમાં મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણીપંચ સામે શા માટે હત્યાનો ગુનો ન નોંધવો તેવી ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી સામે ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટ સુધી બુહાર લગાવી હતી પરંતુ ન્યાયીક રીતે ચૂંટણીપંચ સમક્ષ એકધારૂ આકરૂ વલણ અને પંચને તેની જવાબદારી લેવાનું જણાવવામાં આવ્યું હતું. આ જ રીતે દિલ્હીમાં ઓક્સિજન સિલીન્ડર અને પ્રાણવાયુનો પુરવઠો પુરો પાડવાનો મુદ્દો પણ સરકાર અને અદાલત વચ્ચે ચર્ચાયો હતો.
દિલ્હીને પુરો પ્રાણવાયુ પડાતો ન હોવાના મુદ્દે સરકાર પર માછલા ધોવાયા હતા. આ તમામ ઘટનાક્રમોને લઈને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ મુક્તા જણાવ્યું હતું કે, હવે હદ થઈ છે અત્યારની વર્તમાન વૈશ્ર્વિક કોરોના કટોકટીમાં સરકાર, વહીવટી તંત્રને પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. તંત્ર, નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોના દોરી સંચાર મુજબ જ કામ કરી રહી છે. ન્યાય તંત્રને દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. ન્યાયતંત્રની આ દખલગીરી અને ટકટકથી તંત્રનું મોરલ ડાઉન થાય છે. આ બધી પરિસ્થિતિ તબીબો, વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો ખુબજ સારી રીતે કરે છે. હા થોડી ઘણી ભુલ રહી જાય છે તેને સુધારવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર ઓક્સિજનના વિતરણમાં અવ્યવસ્થા અંગે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા તેની સામે કેન્દ્ર સરકારે સોગંદનામુ રજૂ કરીને આ વ્યવસ્થા ટાસ્કફોર્સ દ્વારા નિષ્ણાંતોની દેખરેખ થતી હોવાનું જણાવ્યું હતું. તમામ વસ્તુ જવાબદારીપૂર્વક થતી હોવાનું જણાવ્યું હતું. ઓક્સિજનને દરેક રાજ્યની જરૂરીયાત મુજબ આપવામાં આવે છે. રાજ્યની વસ્તી, હોસ્પિટલોની સંખ્યા અને જરૂરીયાત મુજબ ઓક્સિજનનું વિતરણ થતું હોવાનું કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની સુઓમોટો સામે પોતાનો પક્ષ મુક્યો હતો.
30 એપ્રીલ અને 6 મેના રોજ સુપ્રીમ કોર્ટની ખાસ ખંડપીઠના આદેશો સામે પણ કેન્દ્ર સરકારે ઘણા પ્રશ્ર્નો ઉઠ્યા હતા. રસીકરણના રાષ્ટ્રીય અભિયાન, જરૂરી દવાનો પુરવઠો સરકાર પોતાની રીતે રાજ્યની જરૂરીયાત મુજબ કામ કરે છે જ છે કેન્દ્ર અને સરકાર વચ્ચે સંકલન માટે નિષ્ણાંત બેસાડવામાં છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, બધુ કામ બરાબર ચાલે છે. હવે હદ થઈ ગઈ છે અમને અમારૂ કામ કરવા દો…, કેન્દ્ર સરકારે રસીકરણ અંગેની નીતિ સમજાવતા જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક ધારા-ધોરણ મુજબ 45 વર્ષથી લોકોને રસીથી સુરક્ષીત કરવાથી લઈને રસીકરણ માટેની વ્યવસ્થા બે વયજૂથના લોકો વચ્ચે અંતર સહિતની તમામ વ્યવસ્થા બંધારણની કલમ 14 અને 21 મુજબ કરવામાં આવે છે. તેમ છતાં અદાલતમાં કેન્દ્ર પર પસ્તાળ પાડવામાં આવે છે તે કેટલું યોગ્ય, કેન્દ્ર સરકાર પોતાની રીતે કામ કરે છે, નિરીક્ષણ કરે છે, દેખરેખ રાખે, ન્યાયતંત્રની સુચના અને માર્ગદર્શનનું પાલન કરીને ઓછામાં ઓછી ભુલ અને તૃટી રહેતેનું ધ્યાન રાખે છે તેવી પરિસ્થિતિમાં અદાલતનું બિનજરૂરી ચંચુપાત હવે બંધ થવું જોઈએ. હવે કેન્દ્ર અને ન્યાયતંત્ર વચ્ચે કોરોના કટોકટીને લઈને વારંવાર ઉભા થતાં ઘર્ષણને લઈ હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ મજબૂત કરીને ન્યાયતંત્રની બિનજરૂરી ચંચુપાત બંધ થવી જોઈએ તેવો મજબૂત પક્ષ રાખ્યો હતો.