વરસાદની સીઝન શરૂ થતાંની સાથે જ રોગોનો ફેલાવો દિવસેને દિવસે વધતો જાય છે. આ દિવસોમાં જ તમારે તમારા સ્વાસ્થયની કાળજી લેવી જરૂરી બને છે. ત્યારે કેટલાક લોકો તેમના સ્વાસ્થય અને બોડી ફિટ રહે તે માટે જીમ જઈને વર્કઆઉટ કરતાં હોય છે. પણ વરસાદની આ ઋતુમાં બહાર જઈને જોગિંગ કે દોડવા જેવી કસરત કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જ્યારે ભારે વરસાદ આવતો હોય ત્યારે જીમમાં જવું પણ શક્યના હોય.
ત્યારે આવા સમયમાં તમે ઘરે જ વર્કઆઉટ કરીને ચરબી બર્ન કરી શકો છો અને વજન ઘટાડી શકો છો. સાથોસાથ જો આપડે જીમ જવાનું બંધ કરી દઈએ તો તમારું સ્વાસ્થય બગાડવાની શક્યતાઓ રહે છે. તેથી જો તમારા માટે આ સીઝનમાં કસરત કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો તમે જીમમાં જઈ શકતા નથી અને વજન ઘટાડવા અને પોતાને ફિટ રાખવા માટે ઘરે જ કસરત કરવા માંગો છો. તો તમે ઘરે જ કેટલાક વર્કઆઉટ્સ કરીને તમારી બોડીને ફિટ અને હેલ્ધી રાખી શકો છો. આ કસરતોની મદદથી તમે જીમમાં ગયા વિના પણ ઘરે જ તમારા વજનને ઘટાડી શકો છો.
બેસ્ટ એરોબિક કસરતોમાંથી એક દોરડા કૂદવાનું
ઘરે જ સરળતાથી કરી શકાય તેવી કસરતોમા દોરડું કૂદવાનું પ્રથમ નંબરે આવે છે. તે બેસ્ટ એરોબિક કસરતોમાંથી એક માનવામાં આવે છે. આ વ્યાયામ માત્ર હૃદયની તંદુરસ્તી માટે જ નહીં પણ શરીરમાં રક્ત પરિભ્રમણને વધારવામાં ઉપયોગી બને છે. સાથોસાથ તમારા પગને પણ મજબૂત બનાવે છે. જો તમે દરરોજ દોરડા કૂદવાનું રાખશો. તો આ કસરત તમારી કેલરી બર્ન કરવામાં ઘણી રીતે મદદરૂપ બને છે.
ડાન્સ
કેટલાક લોકોને ડાન્સ કરવો ગમતો હોય છે. આ એક સારી કસરત માનવામાં આવે છે. જો તમે વરસાદના દિવસોમાં જીમમાં જઈ શકતા નથી. તો તમે ઘરે ડાન્સ કરી શકો છો. તમે ઍરોબિક્સ હલનચલનનો સમાવેશ કરીને કેલરી ઘટાડી શકો છો.
ઘરે સ્ટ્રેચિંગ કરવું એકદમ સરળ
ઘરે સ્ટ્રેચિંગ કરવું એકદમ સરળ રીત છે. સ્ટ્રેચિંગ સાથે કસરત શરૂ કરવાની હંમેશા સલાહ આપવામાં આવે છે. આ કસરત કરવાથી માંસપેશીઓ પર વધુ ભાર નથી આવતો. આમાં તમે સીધા ઉભા રહો અને બંને હાથ ઉપર રાખી. તમારા હાથને ઉંચા કરો અને તમારા આખા શરીરને ઉપર ખેંચો ત્યારબાદ આગળ નમીને તમારા અંગૂઠાને સ્પર્શ કરો. આ કસરત ઓછામાં ઓછી 10 વખત કરવાથી તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક છે.
પુશ-અપ્સ પણ ખૂબ જ સારી ઇન્ડોર કસરત
પુશ-અપ્સ પણ ખૂબ જ સારી ઇન્ડોર કસરત માનવામાં આવે છે. જમીન પર એક સાદડી ફેલાવો અને તમારા પેટ પર સૂઈ જાઓ. ત્યારબાદ તમારી હથેળીઓને તમારા ખભા પાસે રાખીને તમારા શરીરને તમારી હથેળીઓ અને પગના અંગૂઠા પર ઉઠાવો. થોડીવાર આ જ સ્થિતિમાં રહો અને પછી નીચે આવો. તમે તમારી કેપેસિટી મુજબ આ કસરત કરી શકો છો.
સ્ક્વોટ્સ કરવાથી તમારી ગતિશીલતામાં સુધરશે
સ્ક્વોટ્સ કરવાથી તમારી ગતિશીલતામાં સુધારો થાય છે. આ એક એવી કસરત છે જે તમે ઘરે ગમે ત્યાં કરી શકો છો. સૌથી પહેલા તમારા બંને હાથ સામે ખુલ્લા રાખીને સીધા ઉભા રહો. ત્યારબાદ છાતીને થોડી બહાર કાઢો. હવે ધીમે-ધીમે તમારા ઘૂંટણ વાળો અને એવી રીતે બેસો કે જાણે તમે ખુરશી પર બેઠા હોવ. ત્યારબાદ તમારા ઘૂંટણને અંગૂઠાની સાથે લાઇનમાં રાખો. હવે ધીમે-ધીમે નીચે વળો અને જ્યાં સુધી તમારી જાંઘો જમીનની બરાબર ન થઈ જાય ત્યાં સુધી વળો. હવે તમારા શરીરને ચુસ્ત રાખો. હવે આ સિટ-અપ્સ કરવાનું શરૂ કરો. તેમજ ઉપર આવતી વખતે ધીમે-ધીમે શ્વાસ છોડો. તમે 10 મિનિટ માટે આ કરી શકો છો.