ઓનલાઈન પાસની સાથે અનુકુળતા મુજબ ઓફલાઈન પાસની પણ વ્યવસ્થા ગોઠવાઇ  દરરોજ અંદાજે ૧૦ હજાર ભાવિકોને દર્શનનો લાભ આપવાનું આયોજન

સોમનાથ મંદિરમાં શ્રાવણના પવિત્ર માસના પ્રથમ દિવસે જ ભાવિકોની ભારે ભીડથી હોબાળો થયો હતો. જેના પગલે ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન પાસની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જો કે આ વ્યવસ્થા ઉપર પણ અનેક પ્રશ્નો સર્જાતા હવે ઓફલાઈન પાસની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

કોરોનાની વૈશ્વિક મહામારી અને વધતી જતી યાત્રીઓની સંખ્યાને ધ્યાને રાખીને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર સાથે સંકલન સાધી તેમજ ટ્રસ્ટના સેક્રેટરી સાથે પરામર્શ કરી ભક્તો સરળતાથી દર્શન કરી શકે તેવુ આયોજન ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવ્યું છે.

તા.૨૫ને શનિવારથી જ્યારે દર્શન માટે પાસ સિસ્ટમ અમલી કરવામા આવી છે. જેમાં ભકતોએ ટ્રસ્ટની વેબસાઈટ www. somnath.org ઉપર મુકવામાં આવેલ દર્શન અંગેની લિંક ખોલીને યાત્રિકોએ ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલ સમયના દર્શન સ્લોટ મુજબ તારીખ અને સમય પસંદ કરી દર્શન માટેનું બુકીંગ કરાવી શકશે.

હાલની પરિસ્થિતિમાં સામાજિક અંતર જાળવીને દર્શનની વ્યવસ્થા ગોઠવેલ હોય દિવસ દરમિયાન ૯ હજારથી ૧૦ હજાર લોકો દર્શન કરી શકે તેવો અંદાજ છે. આ દર્શન માટેની પાસની પ્રિન્ટ અથવા મોબાઈલમાં પાસ દેખાડીને દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે. દરેક યાત્રિકોએ દર્શન માટેનું બુકીંગ કરાવવું ફરજીયાત છે. કોઈ યાત્રિકો દર્શન માટેનું ઓનલાઇન બુકીંગ કરાવવાનું ભૂલી ગયા હોય અથવા તો ન કરાવ્યું હોય તેવા યાત્રિકો તેમજ સ્થાનિક શ્રધ્ધાળુંઓને દર્શન માટેના પાસ દરેક ૩૦ મિનિટના સમય સ્લોટમાં પરિસ્થિતિને અનુરૂપ ઇસ્યુ કરવામાં આવશે.

દર્શન પાસ માટે સોમનાથ મંદિરની સામે આવેલા જુના પથિકાશ્રમની જગ્યામાં ટ્રસ્ટ દ્વારા દર્શન પાસ માટેના ૪ કાઉન્ટર કરવામાં આવ્યા છે. જ્યાંથી પાસ સરળતાથી મેળવી શકાશે. પાસ મેળવવા માટે પણ ભક્તોએ સામાજિક અંતર જાળવીને લાઈનમાં ઉભા રહેવાનું રહેશે. વિશેષમાં શ્રધ્ધાળુંઓ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઇન પૂજાવિધિ નોંધીને પણ શ્રાવણ માસમાં પૂજાવિધિનો લાભ લઇ શકશે. ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા અગાઉ માત્ર ઓનલાઇન પાસની જ વ્યવસ્થા ગોઠવાઈ હતી. પરંતુ આ વ્યવસ્થાથી હોબાળો મચે તેમ હોય હવે ઓફલાઇન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.