(1) આપણે સૌ જાણીએ છીએ કે કલાસમાં નબળા વિદ્યાર્થીને સામાન્ય રીતે સાવ ‘ઢ’ છે એમ ઉપમા અપાતી હોય છે. હવે આપણો સવાલ : ‘ ઢ ‘ જ શા માટે? ‘ક’, ‘ખ’ ‘ગ’ કે કોઈ અન્ય મૂળાક્ષર શા માટે નહીં?
આ રહ્યો જવાબ : ગુજરાતી ભાષાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એ સંસ્કૃતમાંથી ઉતરી આવેલી છે એ આપ સૌ જાણો છો. સંસ્કૃતમાંથી પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી અને છેલ્લે અર્વાચીન ગુજરાતી. તમને એ જાણીને નવાઈ લાગશે કે આજ સુધીના ગુજરાતી ભાષાના તમામ સંસ્કરણોમાં માત્ર ઢ વર્ણ એવો ને એવો જ રહ્યો છે. તેનો આકાર ક્યારેય બદલાયો નથી. અનેક ભાષાકિય પરિવર્તન બાદ પણ ઢ મૂળાક્ષર ‘ઢ’ જ રહ્યો, બાકીના બધા થોડા ઘણાં બદલાયા.
એટલે જ કોઈ શિક્ષકે ક્યારેક કોઈ એવો વિદ્યાર્થી કે જે સતત જ્ઞાન આપવા છતાં બદલાતો જ નથી, એવો ને એવો મૂઢ જ રહે છે એના માટે ‘ઢ’ ઉપમા વાપરી હશે! કેવા જ્ઞાની હશે એ શિક્ષકો જે આવી ચતુરાઈભરી ઉપમા શોધી લાવ્યા હશે!
(2) બે વાક્ય આમ છે : ‘ એ લોકો આવ્યા ‘ અને બીજું વાક્ય ‘એ લોકો આવ્યાં ‘ આ બન્નેમાંથી એક વાક્યમાં ‘ આવ્યા ‘ પર અનુસ્વાર છે અને એકમાં નથી. હવે આપણો સવાલ : બંને વાક્યોનો અલગ અર્થ થાય છે. શું તફાવત છે જણાવો.
આ રહ્યો જવાબ : બંને વાક્યોમાં માત્ર અનુસ્વારનો ફરક છે. જે અનુસ્વારવાળું વાક્ય છે તે સ્ત્રી અને પુરુષ બંનેનો અથવા માત્ર સ્ત્રીઓનો સમુદાય સૂચવે છે. અર્થાત આવનારાઓમાં સ્ત્રીઓ પણ સામેલ હતી એવું સૂચવાયું છે. અનુસ્વાર વગરનું વાક્ય માત્ર પુરુષ સમુદાય સૂચવે છે. અર્થાત આવનારા માત્ર પુરુષો જ હતા! બોલો, છે ને મજેદાર વાત! કેટલું ઝીણું કાત્યું છે આપણી માતૃભાષાએ!
(3) કોઈને નોતરું આપવા માટે આપણે સારી ભાષામાં ‘આમંત્રણ’ કે ‘નિમંત્રણ’ શબ્દ વાપરતા હોઈએ છીએ. હવે આપણો સવાલ : આમંત્રણ અને નિમંત્રણ માં શું ફરક?
લો, આ રહ્યો જવાબ : આમંત્રણ હંમેશા મોટા સમૂહ માટે હોય, નિમંત્રણ હંમેશા વ્યક્તિગત અથવા નાનકડા સમૂહ માટે હોય! અને એટલે જ ‘જાહેર આમંત્રણ’ લખાય, જાહેર નિમંત્રણ એમ ન લખાય. મળ્યું ને નવું જાણવા?
(4)કેટલાંક શબ્દો જુઓ : ‘માહિતી’ , ‘મોજણી’ , ‘વાટાઘાટ’ , ‘ચળવળ’ , ‘પેઢી’ , ‘નિદાન’ અને ‘ચંબુ’. હવે આપણો સવાલ : આ બધા શબ્દોમાં એક સામ્યતા છે તે શોધી કાઢો.
લો ભાઈ, આ રહી સામ્યતા : આ તમામ શબ્દો મરાઠી ભાષાના છે અને ગુજરાતી બની ગયા છે!
લાગી ને નવાઈ? હજી બીજા ઘણા મરાઠી શબ્દો ગુજરાતી બની ગયા છે. આ ઉપરાંત રુડી ગુજરાતી રાણીએ પોર્ટુગીઝ, તુર્કી, અરબી, ઉર્દૂ, સ્પેનિશ અને બીજી ઘણી ભાષાના શબ્દોને આવકારો આપ્યો છે. એની પણ યાદી ક્યારેક જાહેર કરીશું.
(5)કવિ દીપક બરડોલીકર અને મિલ્લત અખબાર વચ્ચે શું સામ્યતા છે?
બસ આવો સહેલો સવાલ અને કોઈ જવાબ નહિ? મૂંઝાઓ છો શા માટે, આ રહ્યો જવાબ : કવિ શ્રી દીપક બારડોલીકર ગુજરાતી ભાષાના પ્રખર કવિ છે અને પાકિસ્તાની છે!મિલ્લત અખબાર પણ ગુજરાતી ભાષાનું દૈનિક છે અને આજે પણ પાકિસ્તાનના કરાંચી શહેરમાંથી બહાર પડે છે. પાકિસ્તાનનો મોટો સમુદાય ગુજરાતી ભાષા બોલે છે. જાણ્યું હતું આવું ક્યારેય?