ઢોલ, નગારા, બ્યુગલ, પીપુડાના અવાજો સાથે શનિવારે જામશે નયનરમ્ય આકાશી નજારો : આ તહેવારનું યુવા વર્ગમાં અનેરું આકર્ષણ: આપણા દેશમાં સૌપ્રથમ ઈ.સ. પૂર્વે 1750 માં પ્રથમવાર પતંગ ઉડી હતી.
ભારતમાં સંક્રાંતના અનેક નામ અને રૂપ જોવા મળે છે, મહારાષ્ટ્રમાં ક્રિકાંતિ, બંગાળમાં સંક્રાતિ, તામિલનાડુ અને દક્ષિણ ભારતને બંગાળમાં પોંગલ, યુપી અને બિહારમાં ખીચડી પણ કહેવામાં આવે છે, વિશ્ર્વમાં સૌ પ્રથમ પતંગ ચગાવનાર હુઆનસંગ હતા જેમણે ઇ.સ.પૂર્વે 206માં પતંગ ચગાવી હતી
સૂર્યનું પણ એક નામ છે પતંગ, રામચરીત માનસના બાલકાંડમાં તુલસીદાસે પતંગનો ઉલ્લેખ કર્યો છે: આ પર્વ ઘણું પ્રાચિન અને વ્યાપક પણ છે: ઉત્તરાયણ પ્રકાશ, પ્રકૃતિ, સંસ્કૃતિ, આકાશ અને સૂર્ય ઉપાસનાનું પર્વ છે: આપણાં દેશમાં સર્વપ્રથમ 1750માં ઉડાડી હતી, પતંગ બાજીનો શોખ નવાબી શોખ કહેવાતો
મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ શનિવારે સવારથી સાંજ અગાસી કે નાના મોટા ગ્રાઉન્ડમાં પતંગબાજો પોતાની પતંગ ચગાવીને એકબીજાની પતંગ કાપશે ત્યારે એ.કાઇપો છે એવા નારા લગાવશે. સંક્રાંતિએ આપણાં ગુજરાતીઓનો રંગ અનેરો હોય છે. ડિસેમ્બરના પ્રારંભેથી પતંગો આકાશમાં ઉડવાની શરૂઆત થઇ જાય છે. સંક્રાંતિ બાદના દિવસે વાસી ઉત્તરાયણ પણ અમદાવાદીઓ એટલા જ ઉત્સાહથી ઉજવે છે. હિન્દી ફિલ્મો અને ઘણા ગુજરાતી ગીતો પણ પતંગને લઇને ખૂબ જ સફળ થયા હતાં. અગાસી ઉપર ઢોલ, નગારા, પીપુડાને બ્યુગલના અવાજોથી કાલે આકાશી પતંગનો ઇતિહાસ બહુ પ્રાચિન છે. એક અંદાજ મુજબ ઇ.સ.પૂર્વે 206માં ચીનમાં પ્રથમ પતંગ ચગાવાયો હતો.
સૂર્યનું મકરરાશીમાં પ્રવેશનું વૈજ્ઞાનિક કારણ સાથે જોઇએ તો સૂર્યનું એક નામ પતંગ પણ છે. તુલસીદાસે રામચરીત માનસના બાલકાંડમાં પતંગનો ઉલ્લેખ કર્યો છે. ભગવાન રામે પોતાના ભાઇઓ અને હનુમાન સાથે પતંગ ઉડાડી હતી. આપણા દેશમાં સૌ પ્રથમ પતંગ રાજાશાહી યુગમાં 1750માં ઉડી હતી ત્યારે પતંગબાજીનો શોખ નવાબી શોખ ગણાતો હતો. આપણાં દેશમાં સંક્રાંતિના વિવિધ નામો જોવા મળે છે. જેમાં ક્રિકાંતિ, પોંગલ, ખીચડી વિગેરે છે.
ઉત્તરાયણ પર્વ પ્રકાશ, પ્રકૃતિ, સંસ્કૃતિ,આકાશ અને સૂર્ય ઉપાસનાનું પર્વ છે. આ દિવસે દાનનું પણ ઘણું મહત્વ છે. આ દિવસે રાશી પ્રમાણેનું દાન સાથે ગાયને ઘુઘરી ખવડાવે છે. દેશમાં ગુજરાત સાથે બંગાળ, મહારાષ્ટ્રી, તામિલનાડુ, યુ.પી. અને બિહાર જેવા વિવિધ રાજ્યોમાં મકરસંક્રાતિનું વિશેષ મહત્વ છે.મારી, તમારીને સૌની ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગોનો ઉત્સવ જેમાં માનવીનો ઉત્સાહ અને આનંદ ભણતા હર્ષોલ્લાસના નવરંગ ખીલી ઉઠે છે.
સમગ્ર આકાશમાં નવરંગી પતંગોનો નયનરમ્ય નજારો જોવા મળે છે. પંખીઓ પણ ઉડતા જોવા મળતા નથી, જો કે તેને દોરાથી બચાવવા તે આપણો કરૂણા ધર્મ છે. લપેટ..લપેટ..જેવા અવાજો આપણી સાંસ્કૃતિક વિવિધતાના આ તહેવારમાં બાળથી મોટેરા ઉમળકાભેર જોડાય છે. રાત્રે ફાનસ પણ ઉડાડીને આકાશના કાળારંગમાં પ્રકાશમય નજારો જોવા મળે છે. આ દિવસે પતંગો-પતંગો વચ્ચે આકાશી યુધ્ધ જોવા મળે છે. જેમાં જેનો દોરો પાકો હોય તે પતંગબાજો બીજાની પતંગ ધડાધડ કાપવા લાગે છે. ચીનમાં કપાયેલો પતંગ પકડવો અપશુકનિયાળ ગણાય છે. આપણે ત્યાં પતંગોત્સવ પણ યોજાય છે, જેમાં દેશ-વિદેશના પતંગબાજો પોતાની કરતબ બતાવીને વિવિધ આકારના મોટા પતંગો ઉડાડે છે.
પતંગનો ઇતિહાસ લગભગ અઢી હજાર વર્ષ કરતાં પણ જુનો હોય તેવું લાગે છે. 549 એડી સમયગાળામાં બચાવ અભિયાનનાં ભાગરૂપે પતંગો ચગાવાતી હતી. પ્રાચિન અને મધ્યકાલિન યુગમાં તેનું વર્ણન જોવા મળે છે કે માપણી કરવા, હવાનું પરિક્ષણ કે સિગ્નલ આપવા ઉપરાંત લશ્કરમાં પણ તેનો ઉપયોગ કરાતો હતો. આપણો દેશ આઝાદ થયો ત્યારે લોકોએ પતંગો ઉડાડીને ખુશી વ્યક્ત કરી હતી. દર 15મી ઓગષ્ટે દિલ્હીમાં પતંગો ચગાવવાની પરંપરા છે. ગુલામીના સમયમાં 1927માં ‘ગોબેક સાઇમન’ લખેલી પતંગો દેશભક્તોએ ઉડાડી હતી.
ચીનથી પતંગબાજીનો શોખ ઉડીને ભારત આવ્યો હતો. આ સાથે એશિયામાં, ઇજીપ્ત અને ગ્રીસમાં પણ પતંગબાજી શરૂ થઇ હતી. આ દિવસે જીંજરા, તલ, મમરાના લાડુ, ગોલાબોર, ચીકી જેવા ખોરાકનું પણ આપણી સંસ્કૃતિમાં મહત્વ છે. ટોકીયોના એક ગામમાં પતંગ ઉપર બાળકનું નામ અને જન્મતારીખ લખીને ઉડાડવાની અનોખી પરંપરા છે. અહીં 2500 કિલોનો મોટો પતંગ ઉડાડ્યો હતો. જેની દોરી પકડવા 100 માણસોની મદદ લેવાય હતી. પતંગ સાવચેતીથી ચગાવવીને અકસ્માતથી સાવધ રહેવા બાળકોને સમજાવવા આજના યુગમાં જરૂરી છે.
આપણાં ગુજરાતમાં પતંગ ચગાવવાનો શોખ ન હોય તેવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે. રાઇટ ભાઇઓએ પતંગ ઉપરથી પ્રેરણા લઇને વિમાનની શોધ કરી હતી. ઇ.સ.1860 થી 1910 સુધીનો ગાળો પતંગ માટે સુવર્ણકાળ બન્યો કારણ કે તેના ઉપરથી ઘણી શોધ થઇ હોવાનું જાણવા મળે છે. લગભગ 2500 વર્ષ પહેલા દુનિયામાં પતંગ ઉડાડવાનું શરૂ થયું હતું. ચીનમાં એક રમતના ભાગરૂપે પતંગ ઉડાડતા હતા. ચીન પછી જાપાન, કોરીયા, થાઇલેન્ડ, બર્મા, ભારત, અરબસ્તાન અને આફ્રિકામાં પતંગો ઉડવા લાગી હતી.
આપણાં દેશમાં કાયદાની નજરે પતંગ વિમાન શ્રેણીમાં આવે છે તેથી 83 વર્ષ જુના કાયદા ઇન્ડિયન એરક્રાફ્ટ-1934 મુજબ જો લાપરવાહીથી પતંગ ઉડાડતા નુકશાન થાય તો કાયદાની કલમ-11 મુજબ પતંગ ચગાવનારને બે વર્ષની સજાને 10 લાખ રૂપિયાનો દંડ છે. જો કે આજ દિવસ સુધી આવી કોઇને સજા થઇ નથી. આપણા દેશમાં દિલ્હીમાં 15 ઓગષ્ટે, હરિયાળામાં ત્રીજ ઉપર, પંજાબમાં વૈશાખી પર્વે પતંગ ચગાવાય છે. ગુજરાતનો પતંગોત્સવ વિશ્ર્વભરમાં જાણીતો છે. ચીન, જાપાન, ઇન્ડોનેશીયા અને અમેરિકામાં દર વર્ષે પતંગ મહોત્સવ યોજાય છે. આપણા ગુજરાતમાં પતંગનો કારોબાર 800 કરોડથી વધુ છે તો ખાલી આપણા ગુજરાતમાં 400 કરોડનો વેપાર થાય છે. દુનિયામાં સૌથી મોટુ કાઇટ મ્યુઝિયમ ચીનમાં છે જ્યાં વિશ્ર્વભરની એક હજારથી વધુ પતંગો જોવા મળે છે.
જાપાન કાઇટ ફેસ્ટીવલનું પિયર ગણાય છે, અહિં વર્ષમાં ડઝનબંધ પતંગોત્સવ યોજાય છે. જાપાનમાં તેના સંગઠનો, ક્લબો, એસોસિયન કાર્યરત છે. દર વર્ષે પતંગોત્સવનું કેલેન્ડર બહાર પડાય છે. વૈશ્ર્વિકસ્તરે પતંગ યુધ્ધના 78 નિયમો બનાવાયા છે. જાપાનમાં 1760માં પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો કારણ કે લોકો કામ કરતા ન હતા. ચીનમાં પણ સાંસ્કૃતિક ક્રાંતિ સમયે પતંગ ઉડાવવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. આપણે ત્યાં વર્ષોેથી ખંભાતી કાગળમાંથી જ પતંગો બનાવાય છે. પતંગ-ફિરકીની જોડીને જેમ માનવી સાથે મકરસંક્રાતિ જોડાયેલ છે.
પતંગોની શોધનો દાવો કરનાર ચીન અને ગ્રીક !!
પતંગની સૌ પ્રથમ શોધ હકિમલ કમાને બનાવી હોવાનો ચીનનો દાવો છે તેમણે ડ્રેગન નામનો પતંગ બનાવ્યો હતો. ચીન-કોરિયા અને જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેર ખબર માટે થતો હતો. અમદાવાદના પાલડી ખાતે કાઇટ મ્યુઝિયમ આવેલું છે.
છઠ્ઠી સદીમાં ચીનના રાજાએ પતંગને લઇને ઘણા પ્રયોગો કર્યા હતા
આપણે શનિવારે સૌ પરિવાર સાથે અગાસી ઉપર જઇને પતંગ ચગાવીશું પણ પતંગના ચિત્ર-વિચિત્ર ઉપયોગ પણ પ્રાચિનકાળમાં થયા હતાં. છઠ્ઠી સદીમાં ચીનના રાજાએ મોટી પતંગ સાથે ચોરને બાંધીને ઉંચાઇ પરથી ધક્કો લગાવતા હતા. અઢારમી સદીમાં તો ફોટોગ્રાફી કરવા માટે પતંગનો ઉપયોગ કર્યો હતો. સોળમી સદીમાં એક ચોરે પતંગના સહારે કિલ્લાની ટોચે લગાવેલી સોનાની માછલી ચોરી ગયો હતો. 1984માં ચેકોર-લોવેકિયાની જેલમાંથી 15 વર્ષનો છોકરો મોટી પતંગને સહારે ભાગી ગયો હતો.
1907માં ગ્રેહામ બેલેએ 50 ફૂટ ઊંચો પતંગ આકાશમાં ઉડાડીને હવામાનની માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. 1749માં સ્કોટલેન્ડના બે શિક્ષકોએ પતંગની દોરી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણાતામાન નોંધવાની કોશિશ કરી હતી. વાદળાંની વિજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ પતંગના માધ્યમથી 1800માં થયો હતો.
યુધ્ધ અને કટોકટીમાં સંદેશા મોકલવા, બે સ્થળ વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ માપવા પતંગનો ઉપયોગ કરાયો હતો. કદાચ ત્યારથી જ પતંગની શોધ થઇ હશે. માણસને આકાશમાં ઉડાડવા પતંગનો સહારો લઇને હેન્ગ ગ્લાઇડરો બન્યા હતાં. ઇ.સ.900માં કોરીયા અને રશિયાના સેનાપતિઓ પતંગ સાથે હથિયારધારી ઘોડેસ્વાર માણસના પૂતળાં બાંધીને દુશ્મનો ડરાવીને ભગાડી મુક્યા હતાં. 1827માં પતંગના સહારે એક ગાડી દોડાવી હતી.