ધરો આઠમ :
ધરો આઠમ ભાદરવા સુદ આઠમને એટલે કે આજે 6 સપ્ટેમ્બર ના દિવસે ઉજવાય છે. સ્ત્રીઓ ધરો આઠમના દિવસે ધરો (ધ્રો, ધ્રોખડ) કે દૂર્વાની પૂજા કરે છે. આ દિવસે માતા પોતાના સંતાન માટે વ્રત રાખે છે, આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે. હિંદુ ધર્મમાં મૃતકની ઉત્તરક્રિયાઓમાં ધરો આઠમના દીવસે ધરોની છાબડી આપવાની પણ એક વિધી હોય છે જેમાં મોટે ભાગે મૃતકની પુત્રીને છાબડીમાં વસ્ત્ર અને ધરોનું દાન આપવામાં આવે છે.
વ્રત વિધિ :
આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠી, સ્નાન કરી ધરાની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધજો. આ દિવસે ટાઢું જમવું. ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળનાં વડાં વગેરે લઈ શકાય. આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે.
વ્રત કથા :
એક ગામમાં સાસુ-વહુ સંપીને રહેતી હતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતાં હતા. વહુને એક દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા.
એવામાં ઘરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું કે વહું ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ.
વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી આ દિવસે ખાસ કેવી રીતે વાઢી શકાય? માટે તેણે સાસુને ના પાડી. આથી સાસુએ છણકો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું? તારું કપાળ?
આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ વાઢવા માટે ગઈ. છોકરાને ઘોડિયમાં સુવડાવી, બારણે સાંકળ ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનો જીવ ના ચાલ્યો. ઘરા આઠમના દિવસે લીલું ઘાસ કંઈ રીતે વઢાય? આથી વહુ ઘરો બાજુમાં રાખી અન્ય ઘાસ વાઢવા લાગી.
સાસુ-વહુ ઘાસ વાઢી ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે માટે જલદી ઘરે જાઓ.
સાસુ-વહુ તો આ સાંભળી હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા. જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું. વહુએ અડધા પડધા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ઘરો વીંટળાઈ ગઈ હતી.
આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરો માએ મારા બાળકને બચાવી લીધું. સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ખાસ ન કાપવાનો નિર્ણય લીધો. આવો છે આ વ્રતનો પ્રભાવ