સોશિયલ મીડિયા પર દરરોજ એક યા બીજા વીડિયો જોવા મળે છે, જ્યારે માતા-પિતા પોતાના બાળકોને મારતા જોવા મળે છે. આજકાલ મા-બાપનો ગુસ્સો બાળક પર નિકળે છે એ વાત સામાન્ય બની ગઈ છે.તેનાથી તેમના મન પર નકારાત્મક અસર પડી શકે છે. આ તેમની સાથે જીવનભર રહી શકે છે. કેટલાક મનોચિકિત્સકોનું કહેવું છે કે બાળકો પર કોઈ અન્યનો ગુસ્સો ઠાલવવાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તો જાણો કેમ ગુસ્સામાં બાળક પર હાથ ન ઉપાડવો જોઈએ…
બાળકોને મારવા જોઈએ નહીં
મનોચિકિત્સકોનું કહેવું છે કે શારીરિક સજાની અસર એટલે કે બાળકોને મારવાથી તેમના માનસિક સ્વાસ્થ્ય માટે સારું નથી. આ તેમના માટે આઘાતજનક અનુભવ પણ હોઈ શકે છે. આનાથી તેમને ચિંતા પણ થઈ શકે છે, જે મિત્રતા અને અભ્યાસને અસર કરે છે, કારણ કે બાળકનો આત્મવિશ્વાસ અને વિશ્વાસ ડગમગી જાય છે. આનાથી લાંબા ગાળે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આના કારણે બાળકો આગામી સમયમાં ક્યારે માર ખાશે તેનો ડર સતાવે છે.
તેમના મનમાં એ રહે છે કે તેઓ કદાચ કોઈ ભૂલ કરશે તો તેમને મેથીપાક મળશે. આ કારણે તેઓ તેમના માતા-પિતાથી ઘણી બધી બાબતો છુપાવવા લાગે છે અથવા ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કરી શકતા નથી. તેથી, માતાપિતાએ સમજવું જરૂરી છે કે તેઓએ તેમના બાળકો સાથે ખુલ્લા સંબંધો જાળવવા જોઈએ, જેથી તેઓ કોઈપણ ખચકાટ વિના તેમની પાસે તેમની લાગણીઓ વ્યક્ત કરી શકે અને તેમને તેમના મિત્ર માને.
બાળકો પર મારની અસર
નિષ્ણાતો કહે છે કે જો તમને લાગે છે કે તમે બાળકને માર મારવાથી તેનામાં ડર જગાડીને કોઈપણ ખોટું કામ કરતા રોકી શકો છો, તો તે ખોટું છે, કારણ કે સંશોધનમાં હંમેશા જાણવા મળ્યું છે કે મારવાથી બાળકોનો ગુસ્સો વધે છે. આંતરિક રીતે, તેમનો આત્મવિશ્વાસ એટલો ઘટે છે કે તેઓ પોતાની જાતને વ્યક્ત કરી શકતા નથી. આનાથી તેમના પર નકારાત્મક અસર પડે છે. તેમને વારે વારે મારવાથી તે રીઢા બની જશે. થોડા સમય પછી, પાછુ તે એજ ભૂલ કરશે. એવું માનશે કે ચાલો માર જ તો મારશે. આટલું જ નહીં સમયની સાથે તેના સંબંધો પણ જટિલ થવા લાગે છે. તેમનામાં પહેલા જેવો લગાવ નથી રહેતો અને તેઓ તેમના માતા-પિતાથી દૂર જવા લાગે છે.
બાળકો પર થનારી અસર
મગજનો વિકાસ અટકી શકે છે
ચિંતા થઈ શકે છે
વિશ્વાસ કરી શકતા નથી
મોટા થવાથી ઉદાસી અને ખાલીપણું આવે છે
દરેક ભૂલ માટે પોતાને દોષી ઠેરવે છે
ઓછો આત્મવિશ્વાસ
સંબંધો, કોમ્યુનિકેશન સ્કીલ, પ્રોબ્લેમ સોલ્વીંગ સ્કીલ્સ પર અસર થાય છે
શું કરવું, શું ન કરવું
- માતાપિતાએ તેમના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. શક્ય તેટલું બાળકને ભૂલ સમજાવો.
- બાળકોને સાચા-ખોટાની સમજણ આપો અને તેમને સુધારવાની તક આપો.
- જ્યારે બાળકો કંઈક સારું કરે છે, ત્યારે તેમના ખુલ્લેઆમ વખાણ કરો.
- બાળકો પર હાથ ઉપાડવાનું ટાળો.
- બાળકની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરો.
- અભ્યાસમાં તેની રુચિ વધારવાનો પ્રયાસ કરો.
- બાળકને પ્રોત્સાહિત કરો.
- અન્ય બાળકો સાથે તેની સરખામણી કરશો નહીં.
- માતાપિતા એ બાળકો પાસેથી તેમની અપેક્ષાઓ ઘટાડવી જોઈએ.