બીએપીએસ સંસ્થા ના ચોથા આધ્યાત્મિક વારસદારનો જન્મોત્સવ કાલે દેશ-પરદેશમાં દિવ્યતાપૂર્વક ઉજવાશે
યોગીજી મહારાજ એટલે બીએપીએસ સંસ્થાના ચોથા આધ્યાત્મિક વારસદાર. તેમનું જીવન ખુબજ સેવામય હતું. યોગીજી મહારાજ પ્રથમ દ્રષ્ટિએ જોતા ખૂબ સાદા સરળ ભલાભોળા અને અત્યંત નિર્માણની ગરીબ પ્રકૃતિના સંત લાગે. તેમણે ગોંડલ મંદિરમાં મહંત તરીકે ઘણા વર્ષો સુધી સેવા કરી. પરંતુ તેઓની સાચી બ્રાહ્મી સ્થિતિ ઉપર થી ઓળખાય તેવી નહોતી. તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતમાં સંત ના ચોષઠ લક્ષણો લખ્યા છે પરંતુ વ્યાસજી જો કોઈ લક્ષણ લખવાનું ભૂલી ગયા હોય તો તે આ યોગીજી મહારાજમાં દેખાશે. શ્રીમદ્ ભાગવતમાં ભગવાન બ્રાહ્મી સ્થિતિની વાત કરતાં કહે છે કે જેને બ્રાહ્મીસ્થિતી હોઈ તે દરેક માં સમ ભાવ રાખે.
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના અવસાન બાદ કુંવર વિરભદ્રસિંહજી આશીર્વાદ લેવા યોગીજીમહારાજ પાસે ગોંડલ આવ્યા. સ્વામીએ તેમની આગતા સ્વાગતા કરી, હારતોરા કર્યા કરી ખુબ આશીર્વાદ આપ્યા. સમગ્ર માનવ સમુદાય યોગીજી મહારાજ ના દર્શનમાં તલ્લીન હતો, ત્યારે યોગીજી મહારાજે જાતે કુમારના ડ્રાઈવરને બોલાવી ખબરઅંતર પૂછ્યા, આશીર્વાદ આપ્યા અને પ્રસાદ પણ આપ્યો. ખરેખર યોગીજીમહારાજની દ્રષ્ટિમાં રંક અને રાય બંને પ્રત્યે સમભાવ હતો.
એક વાર વડોદરા માં પારાયણ પ્રસંગે હરિભક્તોએ ખુબ દબદબાપૂર્વક યોગીજી મહારાજ ની શોભાયાત્રા કાઢી, અને તેઓની આનાકાની છતાં ભક્તોએ એમને હાથી ઉપર પધરાવ્યા. જયારે શોભાયાત્રા પુરી થઇ ત્યારે સંતોએ કહ્યું: પબાપા ! તમે હાથી ઉપર બહુ શોભતા હતા. યોગીજી મહારાજ કહે,હું ક્યાં હાથી ઉપર બેઠો હતો? શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ બેઠા હતા, આપણે તો વાસણ ઉટકનારા… આપણે શું બેસીએ? કોઈએ કહ્યું આરામમાં નથી જવું? યોગીજી મહારાજ કહે આ હાથી એ થી ઉતાર્યા એ જ આરામ…
આ ઉક્તિ માં કેટલો બધો અર્થ ભર્યો છે! જેને બ્રાહ્મીસ્થીતી સ્વયં સિદ્ધ હોઈ તે જ માનની આટલી ઉપેક્ષા કરી શકે.. યોગીજી મહારાજ સંસ્થાના ધણી હતા છતાં એ પોતે સદા દાસભાવે વર્તતા. પોતે કરેલા કાર્યો નો યશ ભગવાન અને ગુરુવર્યો ના શિરે ચઢાવવો એ કોઈ સામાન્ય જીવની વાત નથી. પરમાત્મા અને ગુરુ સાથે સ્વામીસેવક ભાવ રહે તે જ સાચી બ્રાહ્મીસ્થીતી વાળા સંત કહેવાય.
યોગીજી મહારાજ ના દાસભાવની ચરમસીમા તો એ કહેવાય કે તેઓ પોતાના ભક્તો ને પણ ગુરુ કહીને બોલાવતા. તે સંદર્ભે તેઓ કહેતા કે હું સૌમાં ભગવાનને જોવ છું. તેમની આવી પ્રેમલક્ષણાં ભક્તિને વશ થઇને ઠાકોરજી ભાવનગરમાં પ્રભુદાસ શેઠને ત્યાં સૌના આશ્ચર્ય વચ્ચે થાળ જમી ગયા હતા. તેમની ગુરુભક્તિ પણ એવી જ શ્રેષ્ઠ હતી. ગુરુ ના એક ઈશારે ૪૦ વર્ષ સુધી રોજ ૩૦૦-૩૦૦ રોટલા ઘડીને મજૂરો ને જમાડયા. ગુરુના એક વચને ભારત દેશની આઝાદી માટે ૧૮ વર્ષ સુધી રોજ ૨૫-૨૫ માળા વિશેષ કરતા. કારણ કે તેમને ગુરુની પ્રસન્નતાથી મોટી પ્રાપ્તિ બીજી કોઈ નહોતી.
યોગીજી મહારાજ એક આર્ષદ્રષ્ટા પુરુષ હતા. તેમણે ભાવિ પેઢીનો વિચારકારીને યુવાનો અને બાળકોને સત્સંગ તરફ વળ્યાં અને સંસ્કૃતિ ના પાયા મજબૂત કર્યાં. તેમણે બ્રહ્મવિદ્યાની પાઠશાળાઓ શરુ કરી. બાલસભા, યુવા સભા શરુ કરી. તેમણે અનેક ગુરુકુલો અને છાત્રાલયો ની સ્થાપના પણ કરી. તેમણે દેશવિદેશમાં વિચરણ કરીને જીવનના છેલ્લા શ્વાસ સુધી અનેક ના જીવનને સાચી રાહ બતાવી છે. પૂજ્ય રવિશંકર મહારાજે યોગીજી મહારાજ વિષે કહ્યું છે કે, પરમ પૂજ્ય યોગીજી મહારાજનું જીવન નિર્મળ છે.
એ મહાપુરુષે પોતાનું જીવન સમાજ ને દ્રષ્ટિ માં રાખીને એટલે કે માર્ગદર્શક બનીને વ્યતીત કર્યું છે. એમણે આધ્યાત્મિક આનંદ ખુબ ભોગવ્યો છે. તેઓ ખુબ આનંદ માં રહે છે અને સાથી ઓને આનંદ વહેંચે છે. એવા અલમસ્ત યોગી જેમને લોકો જોગી મહારાજ ના નામે ઓળખતા એવા ભગવાનમય સંત યોગીજી મહારાજ જેવા ગુણો સૌમાં આવે તેવી પ્રાર્થના સદા કરવી જ રહી.આવતીકાલેપ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજનો જન્મોત્સવ દેશવિદેશના તમામ બી.એ.પી.એસ.ના મંદિરોમાં દિવ્યતાપુર્વક ઉજવાશે.