જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર આયુર્વેદ શાખા દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સ્થળોએ ‘‘યોગ સપ્તાહ શિબીર‘‘નું તા.૨૧/૬/૨૦૧૮ થી તા.૨૭/૬/૨૦૧૮ સુધી આયોજન કરવામાં આવેલ છે. આ યોગ સપ્તાહ શિબીર દરમ્યાન દરરોજ સવારે ૭-૦૦ કલાક થી ૯-૦૦ કલાકના સમયગાળામાં યોગ, આસન, પ્રાણાયામનું નિદર્શન અને તેના દ્વારા રોગમુકિત તેમજ નીરોગી રહેવા માટે આયુર્વેદના પથ્યાપથ્ય અને આહાર-વિહારની સમજણ આપવામાં આવશે.
જેમાં ડાયમંડ સોસાયટી વાડી, અલંકાર ટોકીઝની પાછળ, શ્રી એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજ બસ સ્ટેન્ડ રોડ, કૃષ્ણનગર અર્બન હેલ્થ સેન્ટર, સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા સુરેન્દ્રનગર ખાતે આવી શિબિર યોજાશે. જયારે શ્રી ગાયત્રીશકિત પીઠ, બસ સ્ટેશન પાસે લીંબડી ખાતે આ શિબિર યોજાશે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
યોગમાં પ્રજાજનોને સ્વયંભુ અને ઉત્સાહથી જોડાવવા જિલ્લા કલેકટરશ્રીની અપીલ
સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા ૨૧ મી જૂને ‘‘યોગ દિનની‘‘ સુરેન્દ્રનગરમાં પણ ઉજવણી થનાર છે. આ યોગ કાર્યક્રમમાં પ્રજાજનો સ્વયંભુ અને ઉત્સાહથી જોડાય તે માટે જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશે જિલ્લાના અગ્રણીઓ, વેપારી એશોસીએશનો, ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળા તાથા કોલેજના આચાર્યશ્રીઓ એક બેઠક કલેકટર કચેરી ખાતે બોલાવી હતી.
શ્રી કે. રાજેશે આ બેઠકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે,સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ૬ સ્થળોએ સવારે ૬-૦૦ વાગ્યાથી યોગ નિદર્શન શરૂ થશે. આ નિદર્શનમાં અંદાજે ૨ લાખ લોકો સ્વયંભુ અને ઉત્સાહપૂર્વક ભાગ લેવાના છે તે જિલ્લા માટે ગૌરવ સમાન છે.
હજુ વધારેને વધારે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને અને યોગ નિદર્શનમાં ભાગ લે તે માટે કલેકટરશ્રીએ ખાસ અપીલ કરી હતી. કલેકટરશ્રીની આ અપીલને સારો પ્રતિભાવ લોકોએ આપ્યો છે.