કોરોના સંકટમાં બે માસથી કપરી ફરજ બજાવે છે
કોરોના રોગચાળા સમયે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનું મનોબળ મક્કમ બને, આરોગ્ય જાળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે તંદુરસ્તીનું માર્ગદર્શન સત્ર યોજાયું હતું.
કોરોના સંકટને બે મહિના થવા આવ્યા.એના પ્રારંભથી જ પોલીસ અધિકારીઓ અને જવાનો સતત કઠિન ફરજો બજાવી રહ્યા છે. નોકરીના સમયમાં પણ રોજીંદા કરતા વધુ સમય જાય છે અને નોકરીની સાથે ભોજન સેવા, વડિલ વૃદ્ધોની દેખભાળ સહિત વિવિધ સેવાઓ આ ગણવેશ ધારી કોરોના યોદ્ધાઓ આપી રહ્યાં છે. કોરોનાથી જાતને બચાવવાનો, પરિવારને બચાવવાનો અને લોકોને સાવચેત રાખવાનો તણાવ પણ છે.
આ સંજોગોમાં પોલીસ અઘિકારીઓ અને કર્મચારીઓનું આરોગ્ય જળવાય,મનોબળ મક્કમ બને રોગ પ્રતિકારક શક્તિ વધે એવા હેતુસર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન પ્રમાણે નાયબ પોલીસ કમિશનર અને સાથી અધિકારીઓ દ્વારા યોગ સાધન, પ્રાણાયામ અને ઉચિત આહાર એ જ ઔષધના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં યોગાચાર્ય દુષ્યંત મોદીએ અપાન પ્રાણની ક્રિયા દ્વારા આરોગ્યનું રક્ષણ અને રોગ પ્રતિકારક શક્તિમાં સંવર્ધનમાં ઉપયોગી યોગિક પ્રયોગોનો અભ્યાસ કરાવ્યો હતો. આપણો રોજીંદો આહાર જ ઉત્તમ ઔષધ કેવી રીતે બની શકે એના માર્ગદર્શન રૂપે સુનીલ પટેલે રોગ પ્રતિકારક શક્તિ વધારતી ભોજન પદ્ધતિની જાણકારી આપી હતી.જ્યારે પૂર્વી મોદીએ પોલીસ ફરજો માટે જરૂરી ચુસ્તી, તંદુરસ્તી અને માનસિક તનાવ મુક્તિ માટે પ્રાણાયામની અગત્યતા સમજાવવાની સાથે એની તાલીમ આપી હતી. જે. પી. રોડ પોલીસ મથક ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયાં હતાં.