જાખણ રાજરાજેશ્વરી ધામ ખાતે ૧૩મો નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશીપ સ્પર્ધા સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો
યોગ એ કોઈ ધર્મ નથી, યોગ એ સમગ્ર માટે છે તેવો મંત્ર સમગ્ર વિશ્વએ સ્વીકાર્યો છે તેમ જાખણ રાજ રાજેશ્વરી ધામ ખાતે ઇન્ડિયન ફેડરેશન ઓફ યોગા આયોજિત યોગા કલ્ચરલ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા યોજાયેલા ૧૩મો નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પીયનશીપ સ્પર્ધાના સમાપન સમારોહ કાર્યક્રમ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ યોગ તરફ વળ્યું છે. ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી ૨૧મી જૂનને ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે સ્વીકાર કરેલ છે. મંત્રીશ્રી ચુડાસમાએ યોગ એ કોઈ ધર્મ નથી, યોગ શરીરના રોગ ભગાડે છે અને શરીરને સંતુલિત રાખે છે તેથી જ આજે ડોક્ટરો, વકીલો, વેપારીઓ સહિત હરકોઈ પોતાના શરીરને સ્વસ્થ રાખવા યોગ કરતા થઈ ગયા છે તેમ વધુમાં ઉમેર્યું હતું.
રાજ રાજેશ્વરી ધામ ખાતે તારીખ ૨૩ થી ૨૫ એમ ત્રણ દિવસ યોજાયેલ ૧૩મા નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં વિવિધ ૧૬ રાજ્યોમાંથી ૩૫૦ યોગ સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલ હતાં. જેમા વિજેતા થયેલ યોગ સ્પર્ધકોને મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મહાનુભાવોના હસ્તે શિલ્ડ, ટ્રોફી તથા પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ હતા.
રાજરાજેશ્વરી ધામ ખાતે યોજાયેલ સ્પર્ધામાં મિસ્ટર યોગીઓ ઓફ ઇન્ડીયાનો ખિતાબ પ્રાપ્ત કરનાર જૂનાગઢના યોગસ્પર્ધકશ્રી શાહનવાજ વાજા અને મીસ યોગીની ઓફ ઇન્ડિયાનો ખીતાબ પ્રાપ્ત કરનાર ભાવનગરની યોગસ્પર્ક કુ. લક્ષ્મી યાદવ ઉપરાંત ટીમ ચેમ્પિયન ગર્લ્સમાં ટીમ ગુજરાત અને ટીમ ચેમ્પિયન બોયઝમાં ટીમ ગુજરાત અને જનરલ ટોફી પણ ટીમ ગુજરાતને મંત્રીશ્રી ચુડાસમાના હસ્તે એનાયત કરવામાં આવી હતી.
આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી રાજરાજેશ્વરી ધામ ખાતે પધારેલા પૈકી કાશ્મીરથી આવેલ શ્રી રામચંદ્ર દાસજી, હરિયાણાનાશ્રી નિરજભાઇ સોઢી તેમજ રાજસ્થાનના શ્રી નરેન્દ્ર ભાઈએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને આ આયોજન બદલ આભાર વ્યક્ત કરી ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી.
સ્વાગત પ્રવચન પૂર્વ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ શ્રી એન. એસ. જાડેજા એ કરી હતી. આ પ્રસંગે આચાર્ય ધર્મવિજયજી, શ્રી સંતોષભાઇ કામદાર, શ્રી હનુમંતસિંહજી, શ્રી રમુભા જાડેજા, શ્રી ફતેસિંહજી જેસોલ, શ્રી ઓશોકસિંહ ગોહિલ, શ્રી ચંદ્રસિંહ ઝાલા, શ્રી હર્ષદભાઇ સોલંકી, કોચ, યોગ શિક્ષકો સહિત વિશાળ સંખ્યામાં યોગપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.