ગુજરાત રાજય યોગ બોર્ડ પતંજલી વેલનેસ તથા ધીમીડો નેચરકેર સંયુકત ઉપક્રમે સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ
અબતક,રાજકોટ
ભારતની પ્રાચિન અને સાંસ્કૃતિક ધરોહર એવી યોગ પધ્ધતિને રાજયમાં ઘરેઘર સુધી પહોંચાડવાની નેમ સાથે કાર્યરત ગુજરાત રાજય યોગ બોર્ડ, પતંજલી વેલનેશ રાજકોટ તથા ધી મીડો નેચર કેર સેન્ટરના સંયુકત ઉપક્રમે આજરોજ રાજકોટ સ્થીત હેમુગઢવી હોલ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીની ઉપસ્થિતીમાં યોગસંવાદ અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્યશ્રી વિજયભાઇ રુપાણીએ જણાવ્યું હતું કે વ્યકતિથી સમષ્ટી અને અને જીવથી શીવને જોડી ચારિત્ર્યવાન સમાજના નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણમાં યોગ અતિ મહત્વપૂર્ણ અને સફળ માધ્યમ બની રહ્યું છે. ઋષિ મુનિઓ તથા સિધ્ધો દ્વારા અપાયેલી અનેક સાંસ્કૃતિક ધરોહરો આ રાષ્ટ્રને મળેલી છે. યોગ અને આયુર્વેદ આ પૈકીની જ એક સાંસ્કૃતિક ધરોહર છે, જે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસો થકી સમગ્ર વિશ્વમાં સર્વસ્વિકૃત અને વ્યાપ્ત બની છે. પ્રતિ વર્ષ 21મી જુનના રોજ ઉજવાતા ’વિશ્વ યોગ દિવસ” નિમિત્તે સમગ્ર વિશ્વ યોગમય બની જાય છે. જે ભારત માટે ગૌરવની બાબત છે. રૂપાણીએ યોગ બોર્ડની કામગીરી અને હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા યોગ પધ્ધતિને ગુજરાતમાં ગ્રામ્યકક્ષા સુધી પહોંચાડવાની નેમ સાથે રાજય યોગ બોર્ડની સ્થાપના થયેલી છે. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ યોગ ટ્રેનરો તૈયાર કરવા બદલ રૂપાણીએ બોર્ડની કામગીરીને બરીદાવી હતી.
ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીએ સહર્ષ જણાવ્યું હતું કે આગામી જુન 2021 સુધમાં એક લાખથી વધુ યોગ ટ્રેનરો તૈયાર કરવાની બોર્ડની નેમ છે. સ્વસ્થ અને તંદુરસ્ત શરીર સાથે નિર્ભય અને નિર્ણાયક નાગરીકોયુકત સમાજની રચના સાથે ગુજરાતને સર્વાંગી રીતે વિકસીત રાજય બનાવવા તથા આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણ થકી ભારતને વિશ્વગુરૂ બનાવવા અગ્રેસર થવા તેઓએ ઉપસ્થીત સૌને અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાની મહામારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને રોગયુકત દર્દીઓને રોગ મુકત બનવવામાં યોગ અને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની રહી હતી. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પૂષ્પ અને પુસ્તક વડે સ્વાગત કરાયું હતું.
યોગ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં ક્રમાંકિત સ્પર્ધકોનું સન્માન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમમાં મેયર ડો.પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શીતા શાહ, મીડો નેચર કલબના નિલેષ કાછડીયા, લાઇફ મીશનના કેતનજી, ઓશો સત્સંગ કેન્દ્રના સત્યપ્રકાશજી, બોર્ડના સભ્ય પ્રકાશભાઇ ટીપરે, ડો. ચંદ્રસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં યોગ ટ્રેનરો અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.