• સ્વયં અને સમાજ માટે યોગ
  • સરહદી ગામ  નડાબેટમાં રાજયકક્ષાના  યોગ દિવસની ઉજવણી: રાજકોટમાં  પાંચ સ્થળે  હજારો લોકોએ યોગ કર્યા: એકવા યોગ બન્યાં આકર્ષણનું કેન્દ્ર
  • સામાન્ય  નાગરિકથી માંડી રાજકીટ  નેતા સામાજીક અને  સેવાકિય   આગેવાનોએ કર્યા હોંશભેર  યોગા: જમીન, પાણી અને આકાશમાં  સર્વત્ર યોગની બોલબાલા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં  આજે  ઉત્સાહભેેર 10માં આંતરરાષ્ટ્રીય  યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં  યોગદિનની રાજયકક્ષાની ઉજવણી બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટ  ખાતે કરવામાં આવી હતી. જેમાં  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને  ગૃહરાજય મંત્રી હર્ષભાઈ સંઘવી જોડાયા હતા.  આજે જમીન, પાણી, આકાશમાં સર્વત્ર યોગની  બોલબાલા   જોવા મળી હતી. નાના ભૂલકાથી  માંડી  વડીલો, સામાન્ય નાગરિકથી લઈ રાજકીય નેતા, સામાજીક અને સેવાકીય આગેવાનો હોંશભેર યોગોત્સવમાં જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ  2014માં યુનાઈટેડ નેશન્સની  મહાસભામાં  21મી જૂનના દિવસે  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે  ઉજવવાનો  પ્રસ્તાવ  મૂકયો હતો. જેનો સ્વિકાર કરવામાં આવ્યો હતો. 21 જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ભારત સહિત વિશ્ર્વભરમાં દશમાં આંતરરાષ્ટ્રીય   યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જમ્મુ-કાશ્મીર ખાતે યોગ દિવસની ઉજવણીમાં  સામેલ થયા હતા જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહરાજય મંત્રી હર્ષભાઈ સંઘવી સરહદી ગામ નડાબેટ ખાતે  રાજયકક્ષાની  યોગ દિવસની  ઉજવણીમાં સામેલ થયા હતા. આ વર્ષ વિશ્ર્વ યોગ દિવસની થીમ ‘સ્વયં અને સમાજ માટે  યોગ’ રાખવામાંઆવી છે.   રાજયભરમાં આઠ મહાનગરપાલિકા, 32 જિલ્લા પંચાયત, 251 તાલુકા પંચાયત, 20 નગરપાલિકા સહિત કુલ  312 સ્થળોએ  યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજયભરમાંથી સવા કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.’

  • ઉપલેટામાં રાજકોટ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી
  • પ્રાચીન યોગવિદ્યાનો પ્રભાવ વિશ્ર્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે પરસોત્તમ રૂપાલા
  • રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી  ઉપલેટા ખાતે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

આ તકે સાંસદ  પરશોત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ભારતની ગૌરવશાળી પરંપરા યોગવિદ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયો, તેના કારણે ભારતની આ સાંસ્કૃતિક ધરોહર વિશ્વ માનવજાત માટે ઉપયોગમાં આવવાનું શરુ થયું તે ગૌરવની વાત છે. આ પ્રાચીન વિદ્યાનો પ્રભાવ વિશ્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે ત્યારે આપણે પણ તેની સાથે વધુ જોડાવાનો પ્રયાસ કરવાની આવશ્યકતા છે. જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમના તાલુકા સ્તરે કરેલા આયોજનને સાંસદએ બિરદાવ્યું હતું. આ સાથે નવી પેઢી વધુમાં વધુ યોગવિદ્યા સાથે જોડાઈને સ્વસ્થ બને તેવી અપીલ પણ તેમણે કરી હતી.

આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણીએ   જણાવ્યું હતું કે, યોગ એ આપણા ઋષિમુનિઓએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. યોગને રોજિંદા જીવનમાં અપનાવવાની અપીલ પણ તેમણે કરી હતી. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાએ સંબોધનમાં કહ્યું હતું કે, આધુનિક જીવનશૈલીના કારણે આજે લોકો શારીરિક, માનસિક, સામાજિક સહિતની ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, બાળકો યુવાનોમાં મોબાઈલ જેવા ગેજેટના ઉપયોગથી તનાવ વધ્યો છે, ત્યારે શરીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગ એકમાત્ર ઉપાય છે. યોગ એ શરીર, મન અને આત્માને જોડવાની અનોખી પ્રાચીન પદ્ધતિ છે. હજજારો વર્ષ પહેલાં ઋષિ પતંજલિએ યોગસૂત્રમાં યોગના જ્ઞાનને રજૂ કર્યું છે.

શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે યોગ કરવા પર તેમણે ભાર મુક્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર  પ્રભવ જોશી, જિલ્લા પોલીસવડા   જયપાલસિંહ રાઠોર, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક કલેકટર  ચેતન ગાંધી, ઉપલેટા પ્રાંત અધિકારી  જે. એન. લીખિયા, ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણી, અગ્રણી  અલ્પેશ ઢોલરિયા તથા રવિ માંકડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ભારતે વિશ્ર્વને યોગની ભેટ આપી છે: વજુભાઈ વાળા

અબતક સાથેની વાતચીત માં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા એ જણાવ્યું હતું કે યોગ દિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ છે. યોગ ભારતીય સંસ્કૃતિની અંદર જીવન જીવવાની પદ્ધતિ છે.ભારતે વિશ્વ ને યોગની દેન આપી છે.. વ્યક્તિ ચારિત્રવાન અને સમાજને ઉપયોગી બને એવા સંસ્કાર નિર્માણ કરવા માટે યોગ છે. યોગના આઠ પ્રકાર હોય છે. આઠમાંથી બે યોગાના પ્રકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આઠ પ્રકારની યોગની ક્રિયા છે તે જે માણસ પ્રાપ્ત કરે તેને યોગી પુરુષ કહેવાય છે. હિન્દુસ્તાનનો દરેક વ્યક્તિ ચારિત્રવાન, સમાજલક્ષી, સમાજને ઉપયોગી, અને યોગી તરીકે જીવન અર્પણ કરી રાષ્ટ્રની સેવા કરે તેના માટેનું આ શ્રેષ્ઠ કાર્યક્રમ છે. વિશ્વ એ પણ આ કાર્યક્રમને અપનાવ્યો છે. આજથી આપણા જીવનમાં યોગી થવા માટેની પદ્ધતિની શરૂઆત કરવી જોઈએ.

યોગમાં મન લાગી જાય તો વ્યસન દૂર થાય: રામભાઇ મોકરિયા

અબતક  સાથેની વાતચીતમાં સાંસદ રામભાઈ મોકરીયા એ જણાવ્યું હતું કે આજરોજ આંતરરાષ્ટ્રીય 10માં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનોમાં બધા દેશોની સંમતિથી 21 જૂનને યોગ દિવસ તરીકે વધાવ્યો હતો. યોગ કરવાથી તનની મનની શાંતિ રહે છે. યોગ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. યોગમાં મન લાગી જાય તો વ્યસન   દૂર થાય છે. આખા વિશ્વને યોગ્ય ભારતની દેન છે. આપણો ઋષિમુનિઓનો દેશ છે યોગ પરંપરાથી ચાલ્યો આવે છે. નડાબેટ એટલે આપણી બોર્ડર અને કાશ્મીર માં 370 ની કલમ હટિયા બાદ ત્યાં શાંતિ છે અને ત્યાં મોદી સાહેબ યોગ કરી શકે છે. રાજકોટ કોર્પોરેશનના માધ્યમથી બધા લોકો સાથે મળી યોગ દિવસનિ ઉજવણી કરી છે. કોર્પોરેશન દ્વારા અલગ અલગ પાંચ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. દેશભરમાં અને વિશ્વમાં કરોડો લોકો યોગમાં જોડાઈ. યોગ ભગાડે રોગ સ્લોગન અપનાવી લઈએ તો તન મનથી સ્વસ્થ રહીએ.

રોગથી બચવા યોગ આવશ્યક  રમેશભાઈ  ટીલાળા

અબતક સાથેની ખાસ વાતચીતમાં રમેશ ભાઈ ટીલાડાએ જણાવ્યું હતું કે યોગ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે . યોગ કરવાથી અનેક બિમારીઓથી બચી શકાય છે . તેમણે વધુમાં જણાવ્યું હતું કે આત્માનું પરમાત્મા સાથેનું મિલન યોગ કરાવે છે .આદિ અનાદી કાળથી ઋષિ મુનિઓ યોગ કરતા હતા. આપણે પણ જો સ્વસ્થ જીવન જીવવું હોય તો યોગ કરવા જોઈએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.