સમગ્ર વિશ્વમાં પ્રતિવર્ષ તા.૨૧મી જૂન વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે. વલસાડ જિલ્લામાં પણ અનેક સ્થળોએ પતંજલિ યોગ સમિતિ, શિવ ક્લાસીસ, આર્ટ ઓફ લિવિંગ વગેરે સંસ્થાઓના સહયોગથી તા.૨૧/૬/૧૮ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણીનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તિથલ સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમના આયોજન અંગે જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી.
આ ઉપરાંત વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં તાલુકા કક્ષાના તેમજ નગરપાલિકાઓમાં પણ યોગા કાર્યક્રમો યોજાનાર છે. આ ઉપરાંત જિલ્લાની શાળાઓમાં પણ યોગા કાર્યક્રમ યોજાશે. વિશ્વ યોગ દિવસ ઉજવણીમાં સૌને સહભાગી બનવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, નિવાસી અધિક કલેક્ટર આઇ.જે.માલી, નાયબ પોલીસ અધિક્ષક ઝાલા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.