ઉભરતા ક્રિકેટરોને લઇને બીસીસીઆઈનો મોટો નિર્ણય: ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા બાદ જ નેશનલ ટિમમાં મળશે તક: વનડે ફોર્મેટમાં 20 ખેલાડીઓનું પુલ બનશે
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ કેટલાક મોટા નિર્ણય લીધા છે. આજે બીસીસીઆઈમુખ્યાલયમાં અધ્યક્ષ રોજર બિન્ની ઉપરાંત મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને એનસીએના પ્રમુખ વીવીએસ લક્ષ્મણે એક રીવ્યુ બેઠક કરી હતી જેમાં કેટલાક નિર્ણય લેવાયા છે. ઉભરતા ક્રિકેટરોને લઈને પણ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુ વર્ષે ઘરઆંગણે યોજાનારા આઇસીસી વન ડે વર્લ્ડકપ અગાઉ ભારતીય ક્રિકેટ બોર્ડે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.
વન ડે વર્લ્ડકપ અને ભારતના અન્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ટીમ ઈન્ડિયાના સ્ટાર્સના આઇપીએેલના વર્ક-લોડ પર નજર રાખવામાં આવશે. ટૂંકમાં ભારતના સ્ટાર ખેલાડીઓ આઇપીએલમાં આ વખતે ગણતરીની મેચીસમાં રમતા જોવા મળે તેવી શક્યતા છેે. આ ઉપરાંત ખેલાડીઓની ફિટનેસમાં સુધારો લાવવાના આશય સાથે બીસીસીઆઇએ ટીમ ઈન્ડિયામાં સિલેક્શન માટે ‘યો યો’ ટેસ્ટને ફરજીયાત બનાવી દીધો છે.
સેક્રેટરી જય શાહે 50 ઓવરના વર્લ્ડકપ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બીસીસીઆઈ વનડે ફોર્મેટમાં 20 ખેલાડીઓનો પૂલ બનાવવા જઈ રહ્યું છે. વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ 20 ખેલાડીઓને ટીમમાં રોટેટ કરવામાં આવશે.
ઉભરતા ક્રિકેટરોએ પહેલા ઘરેલુ ક્રિકેટમાં રમવું પડશે પછી નેશનલ ટીમમાં મળશે તક
પુરુષ ટીમ અને વર્લ્ડ કપ 2023 ની ભાવિ યોજનાઓને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી તમામ આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ સાથે કામ કરશે. આઈપીએલ 2023માં રમનારા કોર ક્રિકેટરો પર નજર રાખવામાં આવશે. ઉભરતા ક્રિકેટરોએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે ત્યાર બાદ જ તેમને રાષ્ટ્રીય ટીમમાં તક આપવામાં આવશે.
યો-યો ટેસ્ટ અને ડેક્સા ટેસ્ટમાં પાસ થનારા ક્રિકેટરોને જ તક
બોર્ડની મીટિંગમાં બીજા પણ નિર્ણય લેવાયા છે જે અનુસાર યો-યો ટેસ્ટ અને ડેક્સા ટેસ્ટમાં પાસ થનારા ક્રિકેટરોને જ વધુ તક આપવામાં આવશે. તેમને બીસીસીઆઇના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. આ બેઠકમાં બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની ઉપરાંત મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને એનસીએના પ્રમુખ વીવીએસ લક્ષ્મણ પણ સામેલ છે.
બેઠકમાં ત્રણ નવા પ્રસ્તાવ પાસ થયા
- ઉભરતા ખેલાડીઓએ હવે સ્થાનિક સીરિઝમાં સતત રમવું પડશે, જેથી તેઓ રાષ્ટ્રીય ટીમની પસંદગી માટે તૈયારી કરી શકે.
- યો-યો ટેસ્ટ અને ડેક્સા સિલેક્શન પ્રોસેસનો હિસ્સો બનશે જે સિનિયર ટીમના પૂલમાં રહેલા ખેલાડીઓ પર લાગુ કરવામાં આવશે.
- વનડે વર્લ્ડ કપ 2023 અને અન્ય સીરિઝને ધ્યાનમાં રાખીને, એનસીએ તમામ આપીએલ ફ્રેન્ચાઇઝીસ સાથે વાત કરશે અને ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ અંગે ચર્ચા કરશે.
કાલથી શ્રીલંકા સામે ટી20 સિરીઝ
આ સિવાય ટી20 માટે અલગ કોચ અને સપોર્ટિંગ સ્ટાફ પણ લાવી શકાય છે. જોકે બીસીસીઆઈએ આ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. સિનિયર ખેલાડીઓને 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી શ્રીલંકા ટી20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે, જ્યારે સિનિયર ખેલાડીઓ વનડે સિરીઝમાં ઉપલબ્ધ રહેશે. આ પછી જ્યારે નવી પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે, ત્યારે ટી-20ની કેપ્ટનશીપ પર નિર્ણય લેવામાં આવી શકે છે.