સર્વ નક્ષત્રોમાં બળવાન તેજસ્વી અને સર્વ કાર્યસિઘ્ધિ અપાવનાર પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તોમાં લોકો કરશે જમીન, મકાન, સોના, ચાંદી, વાહન તેમજ ઇલેકટ્રીક સામાન સહિતની ખરીદી: જી.એસ.ટી.ના માહોલ વચ્ચે ઝવેરીઓને ઘૂમ ખરીદી નિમળવાની આશા: દિવાળી પૂર્વે ખરીદીમાં બજારોમાં મંદીનું વાતાવરણ જોતા કાલે પુષ્ય નક્ષત્ર યોગમાં રાજયભરમાં સોનાનું વિક્રમી વેચાણ કે મંદી ! કેવું નિવડશે કાલનું પુષ્ય નક્ષત્ર યોગ ?
જીવનમાં દરેક વ્યકિત પોતાના વ્યાપાર-ધંધામાં તેમજ ઘરમાં સ્થિર મહાલક્ષ્મીની કૃપા ઇચ્છે છે. તેમજ આપણે ત્યાં દરેક શુભ પ્રસંગોમાં ચોઘડીયા જોવાની એક વિશિષ્ટ પ્રથા છે. ભારતીય પ્રજા શ્રેષ્ઠ અને ઉત્તમ નક્ષત્રમાં મનગમતી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરતી હોય છે. દિવાળીનો તહેવાર ખુબ જ નજીક આવી ગયો છે. ત્યારે લોકો ખાસ કરીને લગ્નસરાની ચીજવસ્તુઓ દિવાળી પૂર્વે ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રમાં ખરીદીને પરંપરા મુજબ વિશેષ મહત્વ અપાયું છે.
આવતીકાલે આસો વદ-૯ તા.૧૩ને શુક્રવારે પુષ્ય નક્ષત્રનાં શુભ મુહૂતોમાં ચોપડા ખરીદવા તેમજ ઓર્ડર આપવા માટેનો ઉત્તમ સમય છે. પુષ્ય નક્ષત્રના શુભ ચોઘડીયામાં સવારે ૬.૪૪ થી ૧૧.૦૬ સુધી ચલ, લાભ અને અમૃત, બપોરે ૧૨.૩૩ થી ર વાગ્યા સુધી શુભ ચોઘડીયું તેમજ રાત્રિના ૯.૨૮ થી ૧૧ વાગ્યા સુધી લાભ ચોઘડીયાનો શ્રેષ્ઠ સમય છે આ ત્રણેય ઉત્તમ મુહુતોમાં સુવર્ણ, રજત, શ્રીયંત્ર, કુબેર યંત્ર ખરીદવા માટે આવતીકાલનો દિવસ શ્રેષ્ઠ છે. ઉપરાંત આવતીકાલે પુષ્ય નક્ષત્રમાં આભૂષણો ની વ્યાપક ખરીદી થશે
પુષ્ય નક્ષત્રને સર્વ નક્ષત્રોમાં બળવાન ગણવામાં આવે છે દિવાળી પૂર્વે લોકો સોના-ચાંદીની ખરીદી માટે પુષ્ય નક્ષત્રને ઉત્તમ દિવસ માને છે ત્યારે ખાસ આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા બે મહત્વના નિર્ણયો નોટબંધી અને જી.એસ.ટી. ની પુષ્ય નક્ષત્ર ઉપર કેવી અસર જોવા મળશે ? તે જોવાનું રહ્યું. નક્ષત્રમાં સૌથી બળવાન, તેજસ્વી અને સર્વ કાર્ય સિઘ્ધિ અપાવનાર પુષ્ય નક્ષત્ર આવતીકાલે નોટબંધી અને જી.એસ.ટી.ની અસર વચ્ચે વેપારીઓને કેટલી સિઘ્ધિ અપાવશે ? હાલ તો બજારોમાં મોંધવારીને કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીના દિવસો નજીક હોવા છતાં બજારો સુમસામ પડી છે. આખા વર્ષનો મહત્વનો તહેવાર હોવા છતાં લોકો માત્ર જરૂરીયાત મુજબની અને પરંપરા અનુસાર ઉપયોગમાં લેવાની ચીજવસ્તુઓજ ખરીદી રહ્યા છે ત્યારે ખાસ એ જોવાનું રહ્યું કે દિવાળીને તો નોટબંધીની અસર નડી હવે આવતીકાલે સોનુ ખરીદવા માટેનલ ગોલ્ડન સમય એટલે કે પુષ્ય નક્ષત્ર યોગ ઝવેરીઓને ઘૂમ ખરીદી નિકળવાની આશાને કેટલી ફળશે.
નોટબંધી અને જીએસટીની અસર વચ્ચે આવતીકાલે પુષ્ય નક્ષત્રના શુભ મુહુર્તોમાં રાજયભરનાં સોનાના વિક્રમી વેંચાણ કે ભરપૂર મંદીનો માહોલ તેનો અંદાજ આવતીકાલે લગાવી શકાશે. તેમ છતાં આવતીકાલે વેપારીઓ દ્વારા નવા વેપાર-ધંધાની શુભ શરુઆત કરવામાં આવશે લોકો પોતાની જરૂરીયાત મુજબ જમીન મકાન, સોના-ચાંદી, વાહન કે ઇલેકટ્રીક સામાન સહીતની દરેક પ્રકારની વસ્તુઓની ખરીદી કરશે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલા કાર્યો સ્થિર રહેતા હોવાથી વેપારીઓમાં ચોપડા ખરીદવાની પરંપરા પ્રખ્યાત છે.