મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના આયોજનો: વિવિધ સ્થળે યાત્રાનું સ્વાગત થશે
બજરંગદળ દ્વારા હનુમાન જયંતિ નિમિતે તા.૩૧ને શનિવારના રોજ ‘બાઈકયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જુના માર્કેટીંગ યાર્ડની બાજુમાં કેસરીનંદન હનુમાનજી મંદિરથી યાત્રા પ્રસ્થાન થશે. પ્રસ્થાન પહેલા મંદિરે સામુહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ યાત્રામાં હનુમાનજીની વિરાટ મૂર્તિનો મુખ્ય રથ અને બાઈક સાથે યાત્રા પ્રસ્થાન કરશે.
ગૌરક્ષા-લવજેહાદ વિગેરે વિષયોને લઈને અલગ-અલગ જન જાગરણ કરી સમાજને સંગઠીત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે બજરંગદળના યુવાનો યાત્રાના માધ્યમથી હિન્દુ યુવાનોમાં શૌર્ય જાગરણ કરી રહ્યા છે. આ વખતની બજરંગદળ દ્વારા હનુમાન જયંતિ નિમિતે શૌર્યયાત્રા કેશરીનંદન હનુમાનજી મંદિર, માર્કેટીંગ યાર્ડની પાછળથી નીકળવાની છે. જેમાં હિન્દુ યુવાનો બાઈક તથા ભગવા ધ્વજ સાથે આ શૌર્ય યાત્રા નીકળવાની છે. જેમાં હનુમાનજીની આકર્ષક મૂર્તિ મુખ્ય ફલોટ તરીકે રહેવાની છે. યાત્રા પૂર્ણ બાદ મહાઆરતી તથા સાંજે મહાપ્રસાદનું આયોજન શ્રી કેશરીનંદન હનુમાનજી મંદિર તરફથી કરવામાં આવ્યું છે. આ યાત્રાના સમગ્ર રૂટ દરમ્યાન વિવિધ સંસ્થામંડળો, તેમજ મંદિરો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવશે તથા વિવિધ સંસ્થા મંડળો તરફથી યાત્રાના રૂટમાં શરબત વિતરણનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ વર્ષ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી અયોધ્યામાં ભગવાન શ્રીરામ લલ્લાના ભવ્ય મંદિર નિર્માણના સંકલ્પ સાથે ઉજવાશે. આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલ યાત્રાના ઈન્ચાર્જ સુશીલભાઈ પાંભર, સહયાત્રા ઈન્ચાર્જ સંદિપભાઈ આસોદરીયા, રાજકોટ પૂર્વ જિલ્લાના અધ્યક્ષ જયંતિભાઈ પટેલ, જિલ્લા મંત્રી રામભાઈ સાંખલા, પૂર્વ જિલ્લાના સંયોજક વનરાજભાઈ ચાવડા, પશ્ર્ચિમ જિલ્લાના અધ્યક્ષ ચંદુભાઈ સોની, જિલ્લા મંત્રી રાહુલભાઈ જાની, બજરંગદળ જિલ્લા સંયોજક રીશીતભાઈ શીંગાળા, સહસંયોજક અનિરુઘ્ધસિંહ ચાવડા, અમિતભાઈ કોટક, ચંદ્રેશસિંહ ડોડીયા તેમજ બ્રીજેશભાઈ લોઢીયા સહિતના હાજર રહ્યા હતા.