લોકો વાહન, સોના-ચાંદીની ધૂમ ખરીદી કરશે: સત્યનારાયણની કથા, વાસ્તુ, ગૃહશાંતિ, લગ્ન માટે વણજોયું મુહૂર્ત; ખેડુતો અભિજીત મુહૂર્તમાં ખેતરખેડી ‘હળોતરા’ વિધિ કરશે
શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન, દર્શન, જળનું દાન શ્રેષ્ઠ; કાલે પરશુરામ જયંતી પણ ઉજવાશે
વૈશાખ સુદ ત્રીજને મંગળવાર કાલે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ છે. અખાત્રીજના દિવસે તીર્થોમાં સ્નાન, દર્શનથી અનંત ફળની પ્રાપ્તી થાય છે.ખાસ કરીને આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા, વણજોયું મુહર્ત હોય લગ્ન, ખાતમૂહર્ત, ગૃહશાંતિ, વાસ્તુ, નવા મકાન વાહનની ખરીદી, સોના ચાંદીની ખરીદી કરવી ઉત્તમ છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયેલ તેની સાથે જ ત્રેતાયુગનો પ્રારંભ થયેલો.
અખાત્રીજના દિવસે રાત્રીનાં પ્રથમ પ્રહરમાં ભગવતી રેણુકાના ગર્ભથી સાક્ષાત હરી પ્રગટ થયા તે વખતે છ ગ્રહો પોતાની ઉચ્ચ રાશીમાં હતા. અખાત્રીજને વર્ષનાં ૪ શ્રેષ્ઠ દિવસો એટલે કે વણજોયા મુહર્તના દિવસોમાં ગણવામાં આવે છે.
ભારત કૃષીપ્રધાન દેશ હોવાથી ખેડુતો નવા વર્ષનો પ્રારંભ અખાત્રીજના અભિજીત મૂહર્તમાં કરે છે. આ શુભ દિવસે તેઓ પોતાનું ખેતર ખેડુ ‘હળોતરા’ વિધિ કરે છે. આ ઉપરાંત ખેતીના સાધનો હળ, બળદ વગેરેને નાડાછડીથી શણગારવામાં આવે છે.ભૂતકાળમાં અખાત્રીજના સર્વોતમ મુહર્તમાં અદભૂત દ્રષ્ટાંતો પ્રાપ્ત થાય છે.દરિદ્ર સુદામાએ અખાત્રીજના દિવસે શ્રી કૃષ્ણને તાંદુલ અર્પણ કર્યા તો તેની ઝુપડી રાજમહેલ બની ગઈ, વ્યાસજીએ મહાભારત ગ્રંથ લખવાની શ‚આત પણ આ દિવસે કરેલી, શ્રી કૃષ્ણે પાંડવોને આ દિવસે આપેલુ અન્નપાત્ર અક્ષય બની ગયેલું,
એવી જ રીતે દાંમ્પત્ય જીવનને અખંડ રાખવા આ દિવસે બહોળા પ્રમાણમાં લગ્નના આયોજનો થયા છે.આ દિવસે સવારે વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરી અને જળ ભરેલા માટીના ઘડાનું દાન આપવું જે શ્રેષ્ઠ છે.ખાસ કરીને અખાત્રીજના પર્વમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડતી હોય છે ત્યારે પશુ-પક્ષીઓ માટે પાણીની કુંડીઓ, વટેમાગુઓને જળનું દાન આપવું ખૂબજ પૂણ્ય શાળી છે.આમ, અખાત્રીજ એ અભિજય મૂહર્ત હોય ઉપરાંત આ શુભ દિને ખરીદેલી સંપતિ અક્ષય-અખૂટ બની રહેતી હોય એવી પ્રચલિત અને પૌરાણિક માન્યતા પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં અખાત્રીજનું અનેકગણુ મૂલ્ય છે.